Naykaaનું ધમાકેદાર લિસ્ટીંગ, ફાલ્ગુની નાયર દેશના સૌથી અમીર મહિલા બની ગયા
આજે શેરબજારમાં નાયકાના શેરનું ધમાકેદાર લિસ્ટીંગ થયું છે અને તેની સાથે કપનીના સ્થાપક ફાલ્ગુની નાયરની સંપત્તિ 6.5 બિલિયન ડોલર સુધી પહોંચી છે અને તેણી દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ વુમન બની ગઇ છે.
FSN ઇ- કોમર્સ વેન્ચર્સ નાયકાની મૂળ કંપની છે. નાયકાના લિસ્ટીંગ પર કંપનીનું માર્કેટ કેપ 1 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
કંપનીની સ્થાપક ફાલ્ગુની નાયરને લિસ્ટીંગ ફળ્યું જ છે, પરંતું લાખો રોકાણકારો પણ માલામાલ થઇ ગયા છે.
નાયકાના શેરમાં લગભગ 90 ટકાની તેજી જોવા મળી છે.
નાયકામાં ફાલ્ગુનીની હિસ્સેદારી લગભગ 50 ટકા જેટલી છે. આજે શેરબજારમાં નાયકાનો શેર લિસ્ટીંગ થતાની સાથે નાયરની સંપત્તિ 6.5 અરબ ડોલર પર પહોંચી ગઇ છે અને તે દેશના સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બન્યા છે.
આ માહિતી બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના આંકડા પરથી મળી છે. જોમેટા, સોના કોમસ્ટાર પછી નાયકા ત્રીજો સૌથી મોટો IPO હતો.
તાજેતરમાં નાયકાનો IPO આવ્યો હતો અને 10 નવેમ્બરે તેના શેરનું બીએસઇ અને એનએસઇમાં લિસ્ટીંગ થયું હતું.
નાયકાએ રૂપિયા 1125ના ભાવે રોકાણકારોને શેર ઓફર કર્યો હતો અને આજે જયારે શેરબજારમાં ભાવ લિસ્ટીંગ થયો ત્યારે સીધો ઓલમોસ્ટ એક જ દિવસમાં ડબલની નજીક પહોંચી ગયો હતો.
બુધવારે નાયકાનો શેરનો ભાવ 2018 રૂપિયા પર ખુલ્યો હતો અને નીચામાં 2000 રૂપિયા સુધી ગયો હતો જયારે ઉંચામાં તેનો ભાવ 2235 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇમાં નાયકાના શેરનો ભાવ 2212 રૂપિયા ચાલી રહ્યો છે.
મતલબ કે કંપનીના માલિક ફાલ્ગુની નાયરને તો બખ્ખાં થઇ જ ગયા છે, પણ રોકાણકારોના પણ એક જ દિવસમાં રૂપિયા ડબલ થઇ ગયા છે.
નાયકાના શેરનો ભાવ ઉંચી સપાટીએ ખુલવાને કારણે દેશની અમીર મહિલા બનેલા ફાલ્ગુની નાયરની સ્ટોરી એવી અનેક મહિલા અને યુવતીઓને પ્રેરણા આપનારી છે જેઓ ઉંચી ઉડાનના સપનાં જુએ છે.
એક મહિલા ધારે તો સફળતાના ગમે તે સોપાનો સર કરી શકે છે એ વાત ફાલ્ગુની નાયરે સાબિત કરી બતાવી છે.
ફાલ્ગુનીએ માત્ર 9 વર્ષમાં સફળતાની ઉંચી છલાંગ લગાવી છે.
વર્ષ 2012માં તેમણે કોટક મહિન્દ્રા બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકેની નોકરી છોડીને સૌદર્ય પ્રસાધનોની પોતાની કંપની શરૂ કરી હતી અને આજે 9 વર્ષ પછી 2021માં ફાલ્ગુની 6.5 અરબ ડોલરના માલિક બની ગયા છે.
નાયકાનો પહેલો ફિઝિકલ સ્ટોર 2014માં શરૂ થયો હતો, આજે દેશભરના 40 શહેરોમાં તેમના 80 ફિઝિકલ સ્ટોર આવેલા છે.