વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રોત્સાહિત કરવાં



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રોત્સાહિત કરવાં


વિષય વસ્તુ


પ્રસ્તાવના:

RTE (Right to Education Act) અંતર્ગત એવું કહેવાયું છે કે વિદ્યાર્થી જ્ઞાનનું સર્જન કરે તે અપેક્ષિત છે. હવે આ અવસ્થામાં વિદ્યાર્થીને પ્રોત્સાહન મળી રહે તો તે વિવિધ તબક્કે જ્ઞાનનું સર્જન કરવા સક્ષમ બની શકે. અહી હવે એ જરૂરી છે કે વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રોત્સાહિત કેવી રીતે કરવા? વિદ્યાર્થીઓને શીખવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડવા માટેની ઘણી પદ્ધતિઓ છે. અહીં એ સમજવું જરૂરી છે કે આપના વર્ગખંડના સંદર્ભમાં અને પરિસ્થિતિના સંદર્ભમાં પ્રોત્સાહનની પ્રક્રિયા અલગ અલગ હોઈ શકે છે પરંતુ તે સતત હોવી જોઈએ. આવા પ્રોત્સાહનને લીધે જ ન શીખનાર કે ધીમું શીખનાર વિદ્યાર્થી ચોક્કસ બાબતો જાણી, સમજી કે શીખી શકે છે. સતત નવું નવું જાણવા અને શીખવા માટે વિદ્યાર્થી તત્પર થાય છે. પ્રોત્સાહનમાં ઇનામ આપવું, શાબ્દિક પ્રોત્સાહન, પ્રમાણપત્ર, કોઈ વસ્તુ આપવી, બ્લેક બોર્ડ પર નામ લખવું, જાહેરમાં રજૂઆત કરવી, વાર્તા કથન કે રમત-ગમત દ્વારા પ્રોત્સાહિત કરવાં, અલગ અલગ પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરાવવું, આજનું ગુલાબ, સ્ટાર ઓફ વીક/મન્થ/યર, હરીફાઈ કરાવવી, પ્રાર્થનાસભામાં તાળીઓથી સન્માનિત કરવાં વગેરે વગેરે. સૌથી સારું પ્રોત્સાહન વિદ્યાર્થી માટે એ જ છે કે જેનાથી વિદ્યાર્થીની વર્ગખંડના કાર્યમાં સામેલગીરી વધે અને તેના થકી ચોક્કસપણે ગુણવત્તાયુક્ત પરિણામ પ્રાપ્ત થાય.

શીખવાનો હેતુ:

હું એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને શીખવા માટે કઈ રીતે સતત પ્રોત્સાહન પૂરું પાડીશ?


હું એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન પૂરું પાડીને વર્ગખંડમાં કઈ રીતે ગુણવત્તા કેળવીશ?


વિદ્યાર્થીને શીખવા માટે સતત પ્રોત્સાહન મળી રહે અને તેના થકી વિદ્યાર્થીના શિક્ષણમાં જે ગુણવત્તા કેળવાય છે તે માટે અમુક ચોક્કસ બાબતોને ધ્યાન પર લઇ અને તેના પર શિક્ષકોએ કાર્ય કરવું જરૂરી છે. ચોક્કસ પ્રોત્સાહન અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં અને જવાબદારીમાં હકારાત્મક પરિણામો જોવા મળે છે. અહીં કેટલાક પ્રશ્નો છે જેના જવાબ દ્વારા આપણે પ્રોત્સાહન આપવાનું મહત્વ અને પદ્ધતિઓ સમજીશું.

અલગ અલગ શીખવવાની શૈલીઓ/પદ્ધતિઓ વિષે કેવી રીતે જાણવું અને તેનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો?

આપ વર્ગખંડમાં કયો વિષય ભણાવો છો, વિદ્યાર્થીઓની સંખ્યા, વિષયનો મુદ્દો, મુદ્દાને સમજાવવા માટે ફાળવવામાં આવેલો સમય આ તમામ બાબતો મુદ્દાને શીખવવા માટેની પદ્ધતિઓ નક્કી કરવામાં જરૂરી છે. એક વિષય શિક્ષક તરીકે આપ જાણતા જ હશો કે વિષયમાં આવતાં ક્યાં એકમો શીખવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી અનુભવાય છે, તેની નોંધ લેવી. આ એકમને શીખવવા માટેની અમુક પદ્ધતિઓ વિચારવી/શોધવી/બનાવવી, અને તેનો વર્ગખંડમાં અમલ કરવો. એકમ બાબતે થોડોક વિચાર અને રીસર્ચ કર્યા બાદ આપ ચોક્કસ કોઈ એક પદ્ધતિ નક્કી કરી શકો છો. નવીન પદ્ધતિ નક્કી કરવાનો અને અપનાવવાનો એક ચોક્કસ ક્રમ છે. સમસ્યા પર વિચારવું- શોધવું- ચર્ચા કરવી- અમલમાં લાવવું- મૂલ્યાંકન કરવું અને છેલ્લે પરિણામ શું છે? તે નોંધવું. આવી અનેક અલગ અલગ પદ્ધતિઓ/નવતર પ્રયોગો આપ www.inshodh.orgપર જોઈ શકો છો. આપને દરેક મોડ્યુલ બાદ આપવામાં આવેલી કેસસ્ટડી પણ પદ્ધતિઓ જ છે, જે શિક્ષકે વર્ગખંડ અને શાળાની સમસ્યાઓને હલ કરવા માટે અપનાવેલી છે.

પહેલા જે શીખી ચૂક્યાં છો તેમાં ઉમેરો કેવી રીતે કરવો અને તેનું દ્રઢીકરણ કેવી રીતે કરવું?

દરેક શિક્ષક જરૂરિયાત મુજબ નવી કુશળતાઓ શીખે છે, જે તેના જ્ઞાન અને અનુભવ પર આધારિત હોય છે. આપણે જે શીખ્યાં છીએ તે શિક્ષણના આધારે વર્તમાન પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરીએ છે. લક્ષ્યો અથવા હેતુઓ પ્રાપ્ત કરવા માટે પદ્ધતિઓ અમલમાં મૂકીએ છીએ. જે શૈક્ષણિક પ્રક્રિયાને સંભાળવા માટેની કુશળતાને ઝડપી બનાવે છે. મોટેભાગે, ભૂતકાળના અભ્યાસ/અનુભવના આધારે કુશળતા વિસ્તરે/વિકસે છે. પરંતુ આજના સમયમાં શિક્ષકોને જે ટેક્નોલૉજીના એક્સપોઝર મળેલાં છે તે કૌશલ્ય વિકસાવવા અને વિવિધ હેતુઓ સિદ્ધ કરવા માટે પાયાનો ભાગ ભજવે છે. વિકાસશીલ કુશળતા માટે સ્થાનિક અથવા તો ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપયોગ કરવો જરૂરી છે. એક શિક્ષક તરીકે પોતાના જ્ઞાનમાં સમયની જરૂરિયાત મુજબ વધારો કરવો અને તેને વિદ્યાર્થીઓ સુધી પહોચાડવું ખૂબ જ અનિવાર્ય છે, જે આપ વિવિધ શૈક્ષણિક ચર્ચાઓમાં જોડાઈને, વાંચન દ્વારા, અમુક ચોક્કસ પ્રકારની તાલીમ દ્વારા મેળવી શકો છો. સરકારી પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે તેના શિક્ષક જ તેનો જ્ઞાનનો સ્ત્રોત છે. તેઓ જે પણ કંઈ શીખશે, સમજશે, મેળવશે, અપનાવશે તે શિક્ષક તરફથી હશે. કારણ કે તેઓને શાળા બહાર ન તો કોઈ સાધન-સામગ્રી ઉપલબ્ધ હોય છે કે ન તો કોઈ એવા સ્ત્રોત કે જ્યાંથી તેઓ પોતાના પ્રશ્નોના જવાબ મેળવી શકે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે. એક શિક્ષક તરીકે પોતાને એક પ્રશ્ન પૂછીએ “જો મારા વર્ગખંડના વિદ્યાર્થીને કોઈ વિષયમાં કે મુદ્દામાં મુશકેલી હોય તો તે કોને પૂછશે?”. વિદ્યાર્થી પાસે શિક્ષક સિવાય કોઈ વિકલ્પ જ નથી! એક સરકારી શાળાના શિક્ષક તરીકે આપની એક ફરજ બને છે કે આપની પાસેથી વિદ્યાર્થીને તેના પ્રશ્નોના જવાબ મળે અને તેની મૂંઝવણો દૂર કરવાનો અવકાશ મળી રહે. અને તે જ માટે આપે સતત આપના જ્ઞાનમાં ઉમેરો કરતાં રહેવું અને તેનું દ્રઢીકરણ કરતાં રહેવું જરૂરી બની જાય છે.

પરીક્ષાના પરિણામ પર આધાર રાખ્યા વગર વિદ્યાર્થીઓના નબળા પ્રદર્શનને કેવી રીતે ઓળખવું?

આપણે આગળના મોડ્યુલમાં વિદ્યાર્થીઓની વિભિન્નતા વિશેની ચર્ચા કરી. વર્ગખંડમાં ઘણાં વિદ્યાર્થીઓ છે કે જેઓ વિવિધ સ્તરે કાર્યરત હોય છે, તે શૈક્ષણિક અથવા બિન-શૈક્ષણિક હોઈ શકે છે. સામાજિક-આર્થિક પરિસ્થિતિ, શાળામાં મળતો સહયોગ અને શાળા અને પરિવારમાં વિદ્યાર્થીઓની ભાગીદારી તેમની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એક પ્રશ્ન છે કે "શિક્ષક વિદ્યાર્થીઓના સારા અને ખરાબ પ્રદર્શનને કેવી રીતે ઓળખે"? અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક વિષય લઈએ, તમે જે ભણાવતા હોય તે વિષય ગણિત કે વિજ્ઞાન. આ વિષયની શીટ તૈયાર કરીએ જેમાં ઉપરની કોલમમાં અલગ અલગ પાઠ્યક્રમ મુજબ શીખવાની નિષ્પત્તિઓ લખેલી હશે અને ડાબી બાજુના કોલમમાં વિદ્યાર્થીઓના નામ/રોલ નંબર. આપ જેમ જેમ પાઠ્યક્રમ શીખવતા જશો અને જે વિદ્યાર્થીઓ તે શીખતાં જશે તે તમારા નિદર્શનના આધારે નામની સામે ટીક કરતા જાઓ. આપ એક વર્ગશિક્ષક તરીકે વિદ્યાર્થીઓની ક્ષમતાઓથી વાકેફ જ હશો. આ સાથે વિદ્યાર્થીઓને એક મુદ્દો શીખવા માટેનો સમય પણ નોંધી શકાય.આમ આપ દરેક વિષય માટે દરેક વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને તેમની સિદ્ધિઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરી શકશો અને વિદ્યાર્થીઓને અમુક ચોક્કસ સિદ્ધિઓ સુધી પહોંચાડવા માટેનું આયોજન કરી શકશો. અહીં એક પ્રશ્ન પૂછીએ કે “શા માટે ફક્ત પરીક્ષાના પરિણામના આધારે જ વિદ્યાર્થીઓના પ્રદર્શનને આંકવું?”. અનેક પદ્ધતિઓ જેમ કે ક્વીઝ, હરીફાઈ, નિદર્શન, વિદ્યાર્થીઓની શાળાના કાર્યોમાં ભાગીદારી, બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીની ભાગીદારી વગેરે જેવી અનેક પદ્ધતિઓ છે જ. બસ અમલમાં લાવવાની જરૂર છે.

સચોટતાપૂર્વક મૂલ્યાંકન કેવી રીતે કરવું?

આપણે મૂલ્યાંકન શબ્દ પરથી શું સમજીએ છીએ? અને બીજો પ્રશ્ન કે આપણે મૂલ્યાંકન કઈ રીતે કરીએ છીએ. સામાન્યરીતે આપણે શું કરીએ છીએ ? મૌખિક કે લેખિત પરીક્ષા દ્વારા મૂલ્યાંકન કરીએ છે.અને ઘણાં શિક્ષકો મૂલ્યાંકન કરવા માટે નવીન પદ્ધતિઓ પણ અપનાવે છે. અહીં સવાલ એ છે કે તમારી મૂલ્યાંકનની પદ્ધતિ વર્ગખંડમાં રહેલી વિવિધતાઓને આવરી લે છે કે કેમ? શું કોઈ એક જ પ્રકારથી મૂલ્યાંકન કરવું પુરતું છે? કે અમુક પ્રવૃત્તિઓ કરવી જે આપને મૂલ્યાંકનમાં મદદરૂપ બને? તમે શું વિચારો છો, કઈ પદ્ધતિ સૌથી યોગ્ય મૂલ્યાંકન માટે ન્યાય કરશે? મૂલ્યાંકનમાં આપણે સામાન્ય રીતે તે જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં વિદ્યાર્થીઓ નબળા હોય છે, પરંતુ આપણે વિદ્યાર્થીની તેજસ્વી બાજુ પણ જોઈ શકીએ છીએ. શું મૂલ્યાંકન કરવા માટે વિદ્યાર્થીઓ અથવા એસ.એમ.સી.ના સભ્યો અથવા સમાજ / મા-બાપ જેવા માધ્યમિક સ્રોતની મદદ મેળવી શકાય છે, શું તમને લાગે છે કે આ માહિતી/ડેટા પ્રાપ્ત કરવા માટે મદદ કરશે? અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ - કલોલ પ્રાથમિક શાળા નંબર - ૯ ના આચાર્ય પ્રીતિબેન ગાંધી. તેમને વિદ્યાર્થીઓ માટે ઘરે લઇ જઈ શકે તેવી નાની લાઈબ્રેરીનું નિર્માણ કર્યું છે. આ લાઈબ્રેરી એટલે નાની એલ્યુમિનિયમની પેટી જેમાં ૨૫ પુસ્તકો અલગ અલગ વિષય પર મૂકવામાં આવેલાં છે. આવી ૩૦૦ જેટલી પેટી શાળામાં છે. દરેક પેટીમાં અલગ અલગ પુસ્તકો છે.. ૧ પેટી ૨૫ દિવસ સુધી વિદ્યાર્થી પાસે ઘરે રહે. ૨૫ દિવસ બાદ પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓએ પોતે વાંચેલાં પુસ્તકો વિષે ૫ મિનીટ ચર્ચા કરવાની. આ પ્રાર્થનાસભામાં એસ.એમ.સી સભ્યો હાજર રહે અને વિદ્યાર્થીઓની વાંચન શૈલીમાં થયેલાં સુધારાઓનું મૂલ્યાંકન થાય. ૨૫ દિવસ બાદ બીજી પેટી ઘરે લઇ જવાની. આ રીતે ક્રમ ચાલુ રહે. (આ કેસ સ્ટડી આપ આ મોડ્યુલમાં આગળ વાંચશો.). અહીં આપે જોયું કે ભાષાનું મૂલ્યાંકન કરવા માટે એક અલગ જ પદ્ધતિ અપનાવેલી છે અને મૂલ્યાંકન એસ.એમ.સી સભ્યો દ્વારા કરવામાં આવે છે. અહીં શિક્ષકે પોતાની જરૂરિયાતના આધારે પદ્ધતિ વિકસાવેલી છે જે આપ પણ કરી જ શકો છો. આપનો મૂલ્યાંકન કરવાનો હેતુ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનો હોવો જોઈએ, તે કોઈ વિષયવસ્તુ શીખે છે કે કેમ ? તે સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ, નહીં કે એક બીજા વિદ્યાર્થીઓ સાથે તેની સરખામણી કરવાનો.

વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે કેવી રીતે જવાબદાર બનાવવાં?

જો વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે પોતાની જવાબદારી સમજી શકશે તો એક શિક્ષક તરીકેનું આપનું કામ ઘણું ખરું સરળ બની જશે. આ વાત ફક્ત શિક્ષણમાં જ નહીં પરંતુ જીવનના દરેક કાર્યમાં લાગુ પડે છે. હવે આ કરવા માટેની રીતો કઈ કઈ હોઈ શકે? ૧. વિદ્યાર્થીને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાં . ૨. વિદ્યાર્થી શાળાની જે પણ પ્રવૃત્તિમાં સારો દેખાવ કરે છે તેમાં તેને સન્માનિત કરવાં . ૩. વાલીમીટીંગ યોજી તેની પ્રગતિની ચર્ચા કરવી. ૪. જે વિદ્યાર્થીઓ બિન શૈક્ષણિક કામગીરીમાં સારો દેખાવ કરી શકતાં હોય તેમને ધીમે ધીમે શૈક્ષણિક કામગીરી પણ સોંપવી, જેમ કે વર્ગમાં જૂથ મોનીટર બનાવવા, વિજ્ઞાન લેબ કે કમ્પ્યુટર લેબ સંભાળવા આપવી, સાથી શિક્ષણ (પીઅર લર્નિગ)માં જોડવાં વગેરે. જવાબદારી શૈક્ષણિક કાર્યની હોય કે બિનશૈક્ષણિક કાર્યની તે વિદ્યાર્થીના વર્તનમાં ફેરફાર તો લાવે જ છે. જેના થકી તે આપોઆપ પોતાના શિક્ષણ કાર્ય માટે જવાબદાર બને છે.

અહીંના દરેક મુદ્દામાં છેલ્લે વાત એ જ હતી કે કોઈ ને કોઈ રીતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રોત્સાહન મળતું રહે. પ્રોત્સાહન થકી શિક્ષણ મેળવવાની વિદ્યાર્થીની જે ક્ષમતા છે તેમાં ચોક્કસ વધારો તો જોવા મળે જ છે પરંતુ તેનાથી શાળા અને વર્ગખંડમાં ઉત્સાહપૂર્ણ શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ પણ કરે જ છે. શૈક્ષણિક ગુણવત્તા મેળવવા અને જાળવવા માટે સતત મળતું પ્રોત્સાહન મહત્વની ભૂમિકા નિભાવે છે. પ્રોત્સાહનપૂર્ણ વાતાવરણ શીખવાની ક્ષમતાને બમણી કરી દે છે.

આશા છે કે આપને આ ટોપીકમાં આપવામાં આવેલ માહિતી વર્ગખંડની સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બની રહેશે. ચાલો, કેટલાક સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને તેના પરિણામ વિષે જાણીએ.


Download PDF

Subscribe to receive free email updates: