વર્ગખંડ સંચાલન: હકારાત્મક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

વર્ગખંડ સંચાલન: હકારાત્મક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ


વિષય વસ્તુ


પ્રસ્તાવના:

એક શિક્ષક તરીકે આપે વર્ગખંડમાં વિવિધતાઓ વચ્ચે કાર્ય કરવાનું રહે છે. આ વિવિધતાઓ વચ્ચે આપ વર્ગખંડમાં અમુક ચોક્કસ શિક્ષણ આપવાની પદ્ધતિઓ/રીતો અપનાવો છો. પણ શું આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મજા પડે છે? વર્ગખંડમાં કયા પ્રકારના વાતાવરણનું નિર્માણ થઇ રહ્યું છે? દરેક વર્ગખંડમાં એવા ઘણાં બધાં પરિબળો કામ કરતા હોય છે કે જે હકારાત્મક વાતાવરણ નિર્માણમાં યોગદાન આપે છે. પરંતુ મુખ્ય બે ભાગ ભજવનાર પરિબળ છે: શિક્ષક અને વિદ્યાર્થીઓ. આ તમામ પરિબળ અને ભિન્ન્તાઓને ધ્યાનમાં લઇને વર્ગખંડમાં કોઈપણ પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવી અને તેને લગતું આયોજન કઈ રીતે કરવું ? તેની સમજ મેળવીએ/ચર્ચા કરીએ.

શીખવાનો હેતુ:

હું વર્ગખંડની અંદર હકારાત્મક વાતાવરણનું નિર્માણ કેવી રીતે કરીશ?


વર્ગખંડમાં હકારાત્મક વાતાવરણ થકી હું શૈક્ષણિક ગુણવત્તા કઈ રીતે કેળવીશ?


વર્ગખંડમાં હકારાત્મક શૈક્ષણિક વાતાવરણ નિર્માણ માટે એક શિક્ષક તરીકે આપે વર્ગખંડમાં ઊભી થતી અમુક પરિસ્થિતિઓ અને સમસ્યાઓને ધ્યાન પર લઈને તેના પર કાર્ય કરવું જરૂરી છે. જે નીચે મુજબ છે:

વર્ગકાર્યમાં ભાગ ન લેનાર અને વર્ગકાર્યમાં વિક્ષેપ કરનાર વિદ્યાર્થીઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો તેમની સંભાળ કેવી રીતે રાખવી ?

કેવી રીતે કરી શકાય ? : આ પ્રશ્ન દરેક વર્ગખંડમાં દરેક શિક્ષકની સામે આવે છે. શા માટે અમુક વિદ્યાર્થીઓ વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી અથવા તો તેમાં વિક્ષેપ પહોંચાડે છે? તેની પાછળ ઘણાં કારણો હોય છે જેમ કે વિષયવસ્તુમાં ઓછો રસ હોવો, વર્ગખંડની પ્રવૃત્તિમાં ભાગ લેવાની તક ન મળવી, વિદ્યાર્થીનો ઓછો આત્મવિશ્વાસ અથવા તો બિન-આકર્ષક શિક્ષણ પદ્ધતિ વગેરે. આ સમસ્યાઓ પર પૂરતું ધ્યાન આપી અને ચોક્કસ પગલાં લેવામાં આવે જેમ કે -

વિષયવસ્તુને ભણાવવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવો, વિદ્યાર્થીઓની રસ-રુચિને ધ્યાનમાં રાખીને વર્ગખંડની પ્રવૃત્તિનું આયોજન કરવું, વિદ્યાર્થીઓને તેમની રુચિ મુજબના કાર્ય કરવા માટેની તક પૂરી પાડવી, જેમ કે કોઈ વિદ્યાર્થીઓ શાળા સંચાલનમાં સારું કાર્ય કરી શકતાં હોય અથવા તો ઉત્સાહી હોય તો તેમને વિજ્ઞાન લેબ/કમ્પ્યુટર, લેબોરેટરી, મધ્યાહનભોજન, પ્રાર્થનાસભાનું સંચાલન સોંપવું વગેરે.. આમ કરવાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તેઓ એક ચોક્કસ જવાબદારી સાથે વર્ગખંડ કાર્યમાં ભાગ લેતાં થશે.આમ, આ પ્રકારના વિદ્યાર્થીઓ કે જે વર્ગખંડમાંના કાર્યમાં ઓછી રુચિ ધરાવે છે અથવા તો વિક્ષેપ પહોંચાડે છે તેમને સૌ પ્રથમ બિન-શૈક્ષણિક કામગીરીમાં જોડીને શાળાના કાર્યોમાં રુચિ લેતા કરી શકાય અને ત્યારબાદ ધીમે ધીમે તેમને શૈક્ષણિક કાર્ય તરફ વાળી શકાય છે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વર્ગખંડની વિવિધતા/ ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો?

વર્ગખંડમાં વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધતા સીધી રીતે નિર્દેશ કરે છે કે વર્ગખંડના વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉર્જા અને ક્ષમતા રહેલી છે. વિદ્યાર્થીઓમાં રહેલ સક્રિયતા એ વાતનો નિર્દેશ કરે છે. તેમનામાં સતત વિચાર કરવાની ક્ષમતા રહેલી છે. વિદ્યાર્થીઓમાં રહેલી ઉર્જા અને ક્ષમતાને જો યોગ્ય રીતે ઓળખવામાં ન આવે અને તેને યોગ્ય તક આપવામાં ન આવે તો તે વિદ્યાર્થીઓની નિષ્ક્રિયતામાં પરિણમે છે. ચાલો, આ વિવિધતા અને ઊર્જાને હકારાત્મકતામાં ફેરવવાનો પ્રયાસ કરીએ. એક શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે, આપણે વિષયવસ્તુને લગતા એવા પ્રોજેક્ટ્સ અથવા પ્રવૃત્તિઓ બનાવવી જોઈએ કે જેમાં વર્ગના વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા એ ચોક્કસ ક્રિયામાં સામેલ થાય. જે વિદ્યાર્થીઓને પોતાની ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. આવા પ્રકારની પરિસ્થિતિ વર્ગમાં શિક્ષણના પરિણામોને સુધારવા માટેના સંભવિત સ્રોત પેદા કરવા પીઅર લર્નિંગની (સાથી મિત્રો પાસેથી શીખવું) તકોનું સર્જન કરે છે. શાળા સંચાલન અથવા સમુદાયના સંપર્ક જેવા પ્રોજેક્ટ્સમાં વિદ્યાર્થીઓની સામેલગીરીથી પણ વર્ગ-ખંડની ગતિશીલતા વધારવામાં અને વિદ્યાર્થીઓને સક્રિય બનાવવામાં મદદ મળશે.

દરેક વિદ્યાર્થી પ્રત્યે ધ્યાન આપવામાં પ્રામાણિકતા / સમાનતા કેવી રીતે રાખવી?

વર્ગખંડની વિવિધતાને ઓળખવા માટેનું પ્રથમ પગલું એ છે કે વિદ્યાર્થીની ક્રિયા-પ્રતિક્રિયા અથવા તેમની શિક્ષણ સંબંધિત જરૂરિયાતો જેવી કે તેમની નાનામાં નાની બાબત પર ધ્યાન આપવું. ધ્યાન આપવું એનો અર્થ એ નથી કે ફક્ત વિદ્યાર્થી જે ઉલ્લેખ કરે છે તે જ સાંભળવું પણ તેના સવાલો અથવા વર્તનને યોગ્ય અને સચોટ જવાબ અથવા પ્રતિસાદ આપવો. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ ન આપવાં અથવા જવાબ આપવાનું ટાળવાથી શિક્ષક પ્રત્યેનો વિદ્યાર્થીઓમાં વિશ્વાસ ઘટી શકે છે. વિદ્યાર્થીઓ પ્રત્યેના તીવ્ર અવલોકનો થકી વિદ્યાર્થીમાં જોવા મળતા ફેરફાર માટે એક તારણ કાઢવામાં મદદ કરે છે. દરેક વિદ્યાર્થી પ્રત્યે કાળજીપૂર્વક ધ્યાન આપવું આવશ્યક છે, તે શિક્ષકોને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મવિશ્વાસ વધારવા તરફ દોરી જાય છે, જે વર્ગખંડમાં ક્રિયા-પ્રતિક્રિયાઓ અને ગુણવત્તાયુક્ત પરિણામોમાં સુધારા તરફ દોરી જશે. સૌથી મોટો પડકાર અલગ અલગ બૌદ્ધિક ક્ષમતાઓ અને શીખવાની ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય ધ્યાન ફાળવવાનો છે. આ પરિસ્થિતિને સંબોધવા માટે, શિક્ષકોએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની પ્રારંભિક કુશળતા અને પ્રતિભાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જરૂરી છે.

શૈક્ષણિક કાર્યમાં તમામ વિદ્યાર્થીઓને કેવી રીતે જોડવાં?

તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં જોડવા માટેનું પ્રથમ પગલું એ છે કે વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિઓના ઉપયોગ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવું. શિક્ષણ કાર્ય કરાવવા માટેની ઘણી પદ્ધતિઓ હોય છે જેમ કે રમત-ગમત દ્વારા, ક્વીઝનું નિર્માણ, જૂથ ચર્ચાઓ, જૂથ કાર્ય કરાવવું, TLM નો ઉપયોગ, ઓડીઓ-વિડીઓ સામગ્રીનો ઉપયોગ, ગણિત-વિજ્ઞાનમાં રમકડાનો ઉપયોગ, ભાષા માટે વાર્તાકથન કે નાટ્યકરણ પદ્ધતિ વગેરે. આ તો ફક્ત અમુક જ પદ્ધતિઓની વાત છે. આવી અનેક પદ્ધતિઓ છે જે ઘણા શિક્ષકો જરૂરિયાતના આધારે જાતે નિર્માણ કરે છે અને સફળતાપૂર્વક તેનો વર્ગખંડમાં ઉપયોગ કરી ચોક્કસ પરિણામો મેળવે છે. આપે આવી ઘણી પદ્ધતિઓ છેલ્લા ૩ વર્ષથી યોજાતા ઇનોવેશનફેર માં પણ જોઈ હશે. ટૂંકમાં, કહીએ તો દરેક મુદ્દાને કે વિષયને ભણાવવા માટેની અલગ અલગ રીતો હોય છે. જેનો વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક શિક્ષણકાર્યમાં જોડવા માટે ઉપયોગ થઇ શકે છે.

સારી વર્તણૂંક કરનાર વિદ્યાર્થીઓને કેવી રીતે ઓળખવાં? અને તેમને કેવી રીતે સન્માનિત કરવાં ?

આપના વર્ગખંડમા ઘણાં વિદ્યાર્થીઓ એવા હશે કે જે કોઈ વિષયમાં, રમત-ગમતમાં, હરિફાઈઓમાં, શાળાકીય પ્રવૃત્તિઓમાં, શાળા સંચાલનમાં, અથવા તો શાળાકીય કાર્યોમાં ઉત્સાહથી અને જવાબદારીપૂર્વકનું કાર્ય કરતાં હશે.આવા વિદ્યાર્થીઓની વર્તણૂંકને ઓળખવી અને તેના વિશે શાળાના તમામ વિદ્યાર્થીઓ સામે તેનો નિર્દેશ કે ચર્ચા કરવાથી આ પ્રકારના વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તેઓ શાળાકીય અને શૈક્ષણિક દરેક કામગીરી કરવામાં આગળ પડતો ભાગ ભજવવા માટે પ્રોત્સાહિત થાય છે. વિદ્યાર્થીઓના સારા કાર્ય અને વર્તનને ઓળખીને તેને સન્માનિત કરવું પણ તેટલું જ મહત્વનું છે. આ સન્માન શબ્દોનું હોઈ શકે, તાળીઓનું હોઈ શકે, પ્રમાણપત્ર કે કોઈ ઇનામરૂપે પણ હોઈ શકે. સન્માન જાહેરમાં કરવું જરૂરી છે. આનાથી શાળાના અને વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે છે અને તેઓ પણ સારી વર્તણૂંક કરનાર વિદ્યાર્થીઓ સાથે જોડાય છે. આત્મવિશ્વાસ અને પ્રોત્સાહન હંમેશા ગુણવત્તાયુક્ત શૈક્ષણિક પરિણામો મેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

વિદ્યાર્થીઓના ખરાબ વર્તનને કેવી રીતે તાત્કાલિક સુધારવું?

જેમ સારા વર્તનને ઓળખી અને સન્માનિત કરવું જરૂરી છે તે જ રીતે ખરાબ વર્તનને ઓળખી તેને તાત્કાલિક સુધારવું પણ તેટલું જ જરૂરી છે. ખરાબ વર્તન ઘણા પ્રકારના હોય છે જેમ કે ચોરી કરવી, અન્ય વિદ્યાર્થીઓને હેરાન કરવાં , અમુક શાળાકીય નિયમોનું પાલન ન કરવું. આ પ્રકારના વિદ્યાર્થીઓને સુધારવા માટે સૌપ્રથમ તો તેઓ ખોટું કરી રહ્યાં છે તે સમજાવવું જરૂરી છે. આ પ્રકારના વિદ્યાર્થીઓને સુધારવા માટે એક શિક્ષક તરીકે આપે એ જાણવું જરૂરી છે કે તેમની સાથે ખાનગીમાં ચર્ચા થાય. જાહેરમાં જો તેમના વિષે ચર્ચા કરવામાં આવશે તો તેમનામાં નકારાત્મકતા જન્મે છે અને જે તેમને હંમેશા ખરાબ વર્તન કરવા તરફ પ્રેરે છે. અહી આપ મુદ્દા નંબર ૨, ૩ અને ૪ ને ધ્યાનમાં લઇને કાર્ય કરીએ તો વિદ્યાર્થીઓના ખરાબ વર્તનને સુધારવામાં મદદરૂપ થઇ શકે.

વિદ્યાર્થીઓના કોઈપણ કાર્ય માટેના સમયને કેવી રીતે મેનેજ કરવો/ સાચવવો?

આપેલ સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ થાય છે કે કેમ ? તે વર્ગખંડમાં શીખવાની પ્રક્રિયાને આકાર આપવા માટેનું મહત્વપૂર્ણ પાસું છે. સમયસરની કામગીરીથી વિદ્યાર્થીઓને કાર્ય માટે જવાબદાર બનાવવામાં મદદ મળે છે. ઇચ્છિત ધ્યેયો સુધી પહોંચવા માટે વધારાના પ્રયાસો કરવા માટે તેમનામાં ક્ષમતા ઊભી કરે છે અને સમસ્યાના નિરાકરણનું વલણ વિકસાવે છે. કાર્યને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓમાં વ્યૂહરચના ઘડવાની ગુણવત્તા ઉત્પન્ન કરે છે. જો ક્રિયાઓ જૂથ પ્રવૃત્તિ દ્વારા થાય અથવા કોઈ ધ્યેય હાંસલ કરવા માટે સામૂહિક પગલાં લેવામાં આવે તો તેમનામાં ટીમની ભાવના વિકસાવી શકે છે અને પીઅર લર્નિંગ (સાથી શિક્ષણ) માટે વિશાળ અવકાશ પેદા કરે છે.

વર્ગખંડને હકારાત્મક રીતે શિક્ષણ કાર્યમાં જોડવા માટે અન્ય બાબતો ધ્યાને લઈએ.

જેમ કે વર્ગખંડનું વાતાવરણ: આનંદ સાથે શીખવાની તક અને ભેદભાવમુક્ત વાતાવરણ.વર્ગખંડમાં સુવિધાઓનો અભાવ: સફાઈ,હવા ઉજાસ અને બેઠક વ્યવસ્થા ઉપરાંત બળ-કેન્દ્રિત આયોજન. વર્ગખંડમાં આંતરિક માર્ગદર્શનનો અભાવ: સહપાઠી શિક્ષણને પ્રાધાન્ય, ઉપચાર કાર્ય માટે વિશેષ આયોજન અને અમલીકરણ. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને ઉપચાર કાર્ય: શીખવવાની નવતર પદ્ધતિઓનો ઉપયોગ અને યોગ્ય મૂલ્યાંકન વ્યવસ્થા દ્વારા આયોજન.

આમ જોવા જઈએ તો દરેક શિક્ષકની અપેક્ષા ઉત્તમ કામ આપવાની હોય છે. ક્યારેક આ બાબતમાં કેટલીક નકારાત્મક બાબતો અસર કરતી હોય છે.આ બાબતોને દૂર કરી હકારાત્મક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવામાં ઉપરોક્ત બાબતો આપણને ચોક્કસથી હકારાત્મક વલણ સાથે વર્ગકાર્ય કરવા માટે ઉપયોગી થઇ શકે છે. આપની શાળા કે વર્ગમાં પણ આપ કેટલીક બાબતોને પૂરતા પ્રમાણમાં ધ્યાને લઇ ચોક્કસ આયોજન સાથે આગળ વધી શકો છો. વર્ગ શિક્ષણને અસરકારક રીતે ગુણવત્તા સુધી પહોંચાડવા માટે હકારાત્મક વલણ જ સહયોગી બને છે.

આશા છે કે આપને આ ટોપીકમાં આપવામાં આવેલી માહિતી વર્ગખંડની સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બની રહેશે. ચાલો, કેટલાક સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓ અને તેના પરિણામ વિષે જાણીએ.


Download PDF

Subscribe to receive free email updates: