વિવિધ શૈક્ષણિક અભિગમોનો/સંશાધનોનો વર્ગખંડમાં ઉપયોગ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

વિવિધ શૈક્ષણિક અભિગમોનો/સંશાધનોનો વર્ગખંડમાં ઉપયોગ


વિષય વસ્તુ


પ્રસ્તાવના:

શિક્ષણને રસપ્રદ બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ અને ચોક્કસ અભિગમ સાથે કામ કરવું જરૂરી થઇ પડે છે. એક જ વર્ગમાં ભિન્નતા ધરાવતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષણકાર્ય કરવા માટે એક જ પદ્ધતિ શક્ય નથી. બાળમનોવિજ્ઞાનની રીતે જોવા જઈએ તોય એ નક્કી છે કે એક જ વિગતને બધાં જ એક જ રીતે શીખી કે સમજી શકતાં નથી.વિવિધ અભિગમ દ્વારા કામ કરવાથી ધાર્યા પરિણામ સુધી પહોંચી શકાય છે. આપણે જાણીએ જ છીએ કે દરેક શાળાની સ્થાનિક પરિસ્થિતિ અને સમસ્યા જુદી હોય છે. એનાથી આગળ વિચારીએ તો એમ કહી શકાય કે એક જ શાળાના વિવિધ બે ધોરણમાં પણ સમસ્યા અલગ અલગ હોય છે.એક જ ધોરણના વિવિધ બે જૂથમાં પણ સમસ્યા કે સવાલ જુદા જુદા હોઈ શકે છે. આ માટે શું કરી શકાય? તે સવાલ દરેકના મનમાં હોય છે. આ સવાલનો જવાબ આપણને આપણી આસપાસના વ્યક્તિઓ કે અનુભવ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આપને વિવિધ શૈક્ષણિક અભિગમના ઉપયોગ અને ચર્ચા કરી રહ્યાં છીએ ત્યારે સૌ પ્રથમ એક બાબત એ સામે આવે છે કે વર્ગમાં વિવિધ અભિગમ સાથે કામ કરવા માટે શું કરવું?.

શીખવાનો હેતુ:

૧. હું એક શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય કરાવવા માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવીશ?

ભિન્નતાઓ વચ્ચે કાર્ય કરવાનું થાય ત્યારે જરૂરિયાત મુજબનું ચોક્કસ આયોજન અને તબક્કાવારની પ્રવૃત્તિઓથી કાર્ય કરવું જરૂરી બને છે. અહીં આપણે વર્ગખંડના સંદર્ભમાં વાત કરી રહ્યાં છીએ ત્યારે ભિન્નતા એટલે વિદ્યાર્થીઓની સમજવાની ક્ષમતાનું અલગ અલગ સ્તર અને તેમની રસ-રુચિ બંને બાબતો મહત્વની છે. હવે આ ભિન્નતાઓ વચ્ચે એક જ પ્રકારની પદ્ધતિથી દરેક વિષય કે મુદ્દો ભણાવવામાં આવે તો શૈક્ષણિક ગુણવત્તા પ્રાપ્ત થાય તે શક્ય જ નથી. દરેક વિદ્યાર્થીની જરૂરિયાતને સંતોષવા અને તેમને શૈક્ષણિક કાર્યમાં શામેલ (Classroom engagement) કરવા માટે શું કરી શકાય? આ પ્રકારના અમુક પ્રશ્નો અને તેના જવાબ થકી સમજીએ.

વર્ગની પ્રવૃત્તિઓને કેવી રીતે ડિઝાઇન કરવી/ આયોજન કરવું? (વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને)

દરેક વિષય, તેના મુદ્દાઓ, વિદ્યાર્થીઓનો રસ, તે મુદ્દાને ભણાવવામાં લાગતો સમય, વર્ગખંડનું વાતાવરણ, મુદ્દામાં વિદ્યાર્થીઓનું પાયાનું જ્ઞાન, વાંચન- લેખન સામગ્રી અને અન્ય સંશાધનો આ તમામ બાબતો વર્ગખંડની પ્રવૃત્તિઓને ડિઝાઇન કરવામાં અને તેનું આયોજન કરવામાં ધ્યાનમાં લેવી જરૂરી છે. મુદ્દાને અનુરૂપ શિક્ષકો પ્રવૃત્તિઓ વિચારતા પણ હોય છે અને અમલમાં પણ લાવે છે આવા ઘણાં ઉદાહરણ આપ મોડ્યુલ સાથે આપેલી કેસ સ્ટડી માંથી મેળવશો.

પ્રવૃત્તિઓની ડિઝાઇન કયા કયા પ્રકારની હોઈ શકે તે આપણે જોઈએ. (વિષયના મુદ્દાને અનુરૂપ પસંદ કરી શકાય)

જૂથ કાર્ય: મુદ્દાને અનુરૂપ પ્રી-ટેસ્ટ લઇ અને પરિણામના આધારે જૂથ પાડવાં. દરેક જૂથમાં એક નેતાની નિમણૂંક કરવી. જૂથમાં તેમના જ્ઞાનસ્તરના આધારે વર્ગકાર્ય કરાવવાનું આયોજન કરવું અને જેમ જેમ વિદ્યાર્થીઓ શીખતાં  જાય તેને ઉપરના જૂથમાં શામેલ કરવાં. 


વર્ગખંડ વાતાવરણ: વર્ગખંડમાં વિષયના મુદ્દાને અનુરૂપ ચાર્ટ લગાડવાં, વિષયવસ્તુ આધારિત ચિત્રો દોરવાં, વાંચન સાહિત્ય ટેબલ પર રાખવું, જરૂરી સંશાધનો હાથવગા રાખવાં .


શાળા મેદાનમાં વર્ગકાર્ય:વિદ્યાર્થીઓને શાળામાં ગમતી જગ્યાએ બેસાડીને વર્ગકાર્ય કરાવવું. પર્યાવરણ કે વિજ્ઞાન વિષયના અમુક મુદ્દાઓ શાળા મેદાનમાં કે અન્ય કોઈ ખુલ્લી જગ્યાએ બેસાડીને કરાવવાથી વિદ્યાર્થીઓની ભણવાની ઉત્સુકતા અને ઉત્સાહ બંનેમાં વધારો જોવા મળે છે.


સ્થાનિક જગ્યાઓની મુલાકાત:વિષયવસ્તુના અમુક મુદ્દાઓમાં આપણે સીધી જ તે જગ્યાની કે વ્યક્તિની મુલાકાત ગોઠવી શકતાં હોઈએ તો તે વધુ અસરકારક રહે છે. જેમકે ખેતર, દવાખાનું, ગૌશાળા, દુધની ડેરી, તળાવ, ઐતિહાસિક સ્થળો, નદી, પોસ્ટ ઓફીસ, રેલ્વે સ્ટેશન, કોલેજની લાઈબ્રેરી, ડૉક્ટર, ખેડૂત, કડિયો, મોચી, પશુપાલક વગેરેની મુલાકાત.


TLM નિર્માણ: ગણિતના મોટાભાગના મુદ્દાઓમાં વિદ્યાર્થીઓ TLM દ્વારા ઝડપથી શીખી શકે છે. TLM માં કોઈ મોડેલ, સાધન, ચાર્ટ કે રમત-ગમતની વસ્તુ હોઈ શકે. ભૂમિતિના મોટાભાગના ખ્યાલો મોડેલ દ્વારા ઝડપથી શીખવી શકાય છે.


રમતગમત દ્વારા: રમતગમતની વાત આવે તો વિદ્યાર્થીઓનો ઉત્સાહ પહેલેથી જ બમણો થઇ જાય છે. તો શું કામ તે પદ્ધતિથી ભણતર ન થઇ શકે? આ સાથે આપેલી  કેસસ્ટડીમાં આપ કોન બનેગા કરોડપતિ? રમતા- રમતા ગણિત શીખીએ, વાંચન વર્લ્ડકપ જેવી અનેક પદ્ધતિઓ વાંચશો. જે ફક્ત રમતગમત આધારિત છે.


પ્રયોગો કરાવવા અને તેનું નિદર્શન: વિજ્ઞાનના પ્રયોગો વિદ્યાર્થીઓ સાથે કરાવવા અને વર્ષમાં કોઈ એક કે બે દિવસ તેનું પ્રદર્શન ગોઠવવું. જેમાં વિદ્યાર્થીઓ પોતે પોતાની જાતે જ પ્રયોગો પ્રદર્શિત કરશે અને વિજ્ઞાનના નિયમો સમજાવશે.


આ વાત થઇ અમુક સર્વ સામાન્ય પદ્ધતિઓની જે દરેક શિક્ષક અપનાવી શકે. પરંતુ આપના વર્ગખંડની સમસ્યાઓ અને જરૂરિયાતો મુજબ આપ આવી અનેક પ્રવૃત્તિઓ ડિઝાઇન પણ કરી શકો છો અને તેના અમલીકરણ દ્વારા ચોક્કસ પરિણામો પણ મેળવી શકો છો.

વિદ્યાર્થીઓને સૂચનાઓ અને સમજૂતી સ્પષ્ટતાપૂર્વક અને સરળતાથી કેવી રીતે આપવી?

ક્યારેક વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વાતચીત કે માહિતી આપવા-લેવાનો વક્ષ/અંતર એટલો મોટો હોય છે કે વિદ્યાર્થીઓ પોતાની વાત શિક્ષક સમક્ષ ખુલીને મૂકી પણ નથી શકતાં . ક્યારેક એવું બને છે કે શિક્ષકે જે સમજાવ્યું હોય કે સૂચન આપ્યું હોય તે વિદ્યાર્થી સુધી પહોચ્યું જ ન હોય. આના ઘણા કારણો હોઈ શકે જેમકે આપની માહિતીમાં સ્પષ્ટતા ન હોવી, માહિતીમાં સ્પષ્ટતા હોવા છતાં વિદ્યાર્થી તે સમજવા માટે સક્ષમ ન હોય વગેરે. આપની સૂચનાઓ લેખિતમાં, સરળ ભાષામાં અને એક થી વધુ વાર વિદ્યાર્થીઓને મળી રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. દરેક વિદ્યાર્થી આપની આપેલી સમજૂતી સ્પષ્ટતાપૂર્વક સમજ્યો છે કે નહિ તે આપણે અમુકવાર જાણવાનો પ્રયત્ન પણ નથી કરતાં. જો પ્રથમ આ જ કરી લઈએ તો આગળના ઘણાં કામ સરળ બની જાય છે. સમજણના અભાવને લીધે જ વિદ્યાર્થી આગળનું શીખી નથી શકતો અને નિશ્ચિત અધ્યયન નિષ્પત્તિઓ સુધી પહોંચી નથી શકતો. એક શિક્ષક તરીકે જો આ બાબતોમાં આપણે થોડા જાગૃત બનીએ તો મુદ્દા નંબર- ૧ માં આપેલી ઘણી પ્રવૃત્તિઓ છે. જે આપ સૂચનાઓ અને સમજૂતીઓને સ્પષ્ટતાપૂર્વક આપવા માટે ઉપયોગમાં લઇ શકશો.

કોઈપણ અડચણ વગર શિક્ષણની ગતિ/સમય ને કેવી રીતે સંભાળવો?

અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ - શાળાનું નામ આંબોલી.ભરૂચ જીલ્લાની અંકલેશ્વર તાલુકાની આ શાળા.આ શાળામાં મિરલ પટેલ ફરજ બજાવે છે.વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયને રસપ્રદ બનાવવા માટે તેમણે રીશેષના સમયમાં વિવિધ અભિગમ કે પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. આ માટે તેમને ક્વિઝ,પઝલ્સ,ગૃપચર્ચા અને પ્રોજેક્ટ માટે આયોજન કર્યું. આ માટે તેમણે શાળાની વિશ્રાંતિના સમયનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું. આ કામ શરૂ કરતાં પહેલાં તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં કેવી કેવી પ્રવૃત્તિ થઈ શકે તે માટેનું આયોજન કર્યું. વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંત સમજાવી શકાય તે માટે તેમણે એક યાદી તૈયાર કરી. આજે ૧૦૦ કરતાં વધારે શૈક્ષણિક રમકડાંનું નિર્માણ કર્યું છે. આ બધું જ તેમને વિદ્યાર્થીઓ સાથે કરાવ્યું છે. આજે આ શાળાના વિદ્યાર્થીઓ ધોરણ છ થી આઠના તમામ વૈજ્ઞાનિક અભિગમોને સારી રીતે સમજતાં થયાં છે. આ માટે તેમને સ્થાનિક રીતે ઉપલબ્ધ સાહિત્ય,સામગ્રી અને સંશાધનનો ઉપયોગ કર્યો અને રીશેષના સમયનો ભરપૂર ઉપયોગ કર્યો.

અહીં સીધી એક બાબત આપણા ધ્યાનમાં આવે છે કે તેમને તમામ પ્રકારના આયોજન માટે રિશેષના સમયનો ઉપયોગ કર્યો છે. કોઈપણ પ્રકારના આયોજન અને નિર્માણ માટે વર્ગના સમયને બગાડ્યા વગર જો શાળાના ફ્રી સમયનો ઉપયોગ કરવામાં આવે તો વર્ગશિક્ષણ કોઈપણ અડચણ વગર કરી શકાય. વર્ગના સમયનો ઉપયોગ ફક્ત આયોજનના અમલીકરણ માટે હોવો જોઈએ.

ઇન્ફોર્મેશન અને કમ્યુનીકેશન ટેકનોલોજીનો ઉપયોગ વર્ગખંડમાં કેવી રીતે કરવો?

આજે વર્ગખંડમાં ઇન્ફોર્મેશન અને કમ્યુનીકેશન ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. આપ પણ કરતા જ હશો. ઓડીઓ, વિડીઓ, ફોટા, પીપીટી, ચિત્રો, ગેમ્સ, એપ્લીકેશન, બ્લોગ, વેબસાઈટ વગેરે તમામનો ઉપયોગ આજે શિક્ષણમાં થઇ રહ્યો છે. તેના ફાયદા પણ ઘણા છે કે સરળતાથી સમજાવી શકાય છે, લાંબો સમય સુધી યાદ રહે છે, રસ કેળવાય છે, વિદ્યાર્થીઓને સરળતાથી વર્ગકાર્યમાં જોડી શકાય છે. અહીં એક જ બાબત ધ્યાનમાં લેવાની છે કે ICT એ શિક્ષણ આપવા માટેનું એક ટૂલ છે નહિ કે શિક્ષકનો વિકલ્પ. મુદ્દાને ICT ની મદદથી જાણવો એક બાબત છે પરંતુ તેને સમજાવવા માટે શિક્ષક જ જોઈએ. ICT શિક્ષક માટે મુદ્દાને શીખવવા માટેનું એક સાધન હોવું જોઈએ નહિ કે શિક્ષકની જગ્યાએ ICT હોવું જોઈએ. ઈન્ટરનેટના માધ્યમથી આપ એવી ઘણી બાબતો છે જે વિદ્યાર્થીઓને બતાવી શકો છે. જે આપને આસપાસ ઉપલબ્ધ નથી હોતી. અહીં આપને અમુક શિક્ષકો દ્વારા બનાવેલાં બ્લોગ અને વેબસાઈટનું લીસ્ટ આપ્યું છે જે આપને મદદરૂપ થશે:

http://prerana2015.blogspot.in/


http://tejasmehta4.blogspot.in/


mineshkumar81.blogspot.com


www.liyaprimaryschool.blogspot.in


www.kamalking.in


www.pragnaabhigamsafar.blogspot.com


khaparvadaschool.blogspot.in 


www.timbineshprimaryschool.com


shahpurschool.blogspot.in 


www.kjparmar.in 


www.sarvatragnanm.blogspot.in


અહીં તે પણ અનિવાર્ય છે કે વિષયના જાણકાર તરીકે કઈ માહિતી ઈન્ટરનેટ પરથી લેવી, તે વિષયને અનુરૂપ છે કે નહિ, વિદ્યાર્થીઓને તે બતાવવા લાયક છે કે નહિ, માહિતીને વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે રજૂ કરવી? આ તમામ બાબતો પ્રત્યે સાવચેતી રાખવી. માહિતીની વિશ્વસનીયતાની પણ ખરાઈ કરવી જરૂરી છે . વિદ્યાર્થીઓ પાસે સાચું અને જરૂરિયાત મુજબનું જ્ઞાન પહોંચે તે એક શિક્ષકની જવાબદારી છે.

શિક્ષકના ખુદના ડેવલપમેન્ટ માટે પણ ICT ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપ અલગ અલગ ફોરમના ઉપયોગ દ્વારા ચર્ચાઓમાં ભાગ લઇ શકો છો, પોતાના પ્રશ્નોના જવાબ મેળવી શકો છો, ખુદ જરૂરી માહિતી મેળવી શકો છો. ઉદાહરણ તરીકે એજ્યુકેશન ઇનોવેશન બેંક પ્રોજેક્ટ, આઈ.આઈ.એમ, અમદાવાદ દ્વારા સરકારી શાળાના શિક્ષકો માટે એક ચર્ચા મંચ ચલાવવામાં આવે છે. જે ઓનલાઈન છે. આપ તેમાં પોતાના વિચારો અને સમસ્યાઓ રજૂ  કરી તેના પર યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. વધુ માહિતી માટે આ લીંક http://www.inshodh.org/discussion-forum જોવી. આ ઉપરાંત સોશિયલ મીડીયાનો ઉપયોગ જેમકે ફેસબુક, ટ્વીટર વગેરે. આ તમામ પ્લેટફોર્મ પર આપને ઘણાં એવા પેજ અને ગ્રુપ મળશે જેમાં આપ સામેલ થઈને જ્ઞાનની આપ-લે કરી શકો છો. Education Innovation Bank page - https://www.facebook.com/sristi/Innovative Women Teachers ગ્રુપ (ફક્ત મહિલા શિક્ષકો માટે બનાવવામાં આવેલ છે.) https://www.facebook.com/groups/416749958528128/આ પેજ પર આપ રોજની શિક્ષકો દ્વારા કરેલી નવીન પ્રવૃત્તિઓ જોઈ શકો છો અને તેની ચર્ચા કરી શકો છો. તેના ફોટા, વિડીઓ પ્રવૃત્તિની માહિતી અને શિક્ષકનો સંપર્ક નંબર આ તમામ માહિતી એક જ જગ્યાએથી આપને મળી રહે છે.

આમ ICT નો ઉપયોગ શિક્ષક ફક્ત બાળકો માટે જ નહીં પરંતુ પોતાના માટે પણ કરે અને તેનો ફાયદો સીધો વર્ગખંડમાં વિદ્યાર્થીઓને થાય છે.

વિદ્યાર્થીઓમાં સમસ્યાઓ ઉકેલવાની તકનીકો કેવી રીતે વિકસાવવી?

વિદ્યાર્થીઓને આ નવતર તકનીકમાં જોડવા અને તે માટે તેમની સાથે સતત ચર્ચા કરતા રહેવું, તેમને પૂરતી સ્વતંત્રતા આપવી, સંશાધનો પૂરાં પાડવા, યોગ્ય માર્ગદર્શન અને ફીડબેક આપવો અને છેલ્લે તેમના પ્રશ્નોના સાચુ અને સમયસર સમાધાન આપવું જરૂરી છે. સમસ્યાઓને ઉકેલવા માટેનું વલણ ત્યારે જ વિકસશે જયારે શાળા અને વર્ગખંડનું વાતાવરણ તેમને આ કરવા માટે મદદરૂપ બનશે. બોરુ પ્રાથમિક શાળા, શાળાના આચાર્ય શ્રી. મેહુલ સુથાર. તેમને શાળામાં એક પદ્ધતિ અપનાવેલ હતી કે શાળાની કોઈપણ સમસ્યા હોય તો તે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવી અને તેના સમાધાન, જે પણ વિદ્યાર્થીના મનમાં આવે તે લેખિતમાં ચિટ્ઠી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાં.

શાળામાં વિદ્યાર્થીઓને પાણી પીવામાં ઉંચાઇનો પ્રશ્ન હતો. દરેક વિદ્યાર્થીની ઉંચાઈ સરખી નથી હોતી પરંતુ પાણી પીવાના નળ એક જ ઉચાઈએ લગાવેલાં હોય છે. જેમાં ઊંચા વિદ્યાર્થીઓને નમીને પાણી પીવું પડે છે અને નીચા વિદ્યાર્થીઓને ઊંચા થઈને કે બીજાની મદદ લઇને પાણી પીવું પડે છે. જેમાં સમય અને પાણી બંનેનો બગાડ થાય છે.

આ સમસ્યા તેમને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી. શાળાની એક વિદ્યાર્થીની છાયા ઠાકોરે તેનું સમાધાન રજૂ કર્યું કે જો વિદ્યાર્થીની ઉંચાઈ પ્રમાણે નળ મૂકવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ શક્ય છે. તે સમાધાન પર શાળામાં તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવ્યું અને આજે શાળામાં વિદ્યાર્થીઓની ઊંચાઈ પ્રમાણે નળ મૂકેલાં છે. આ વિદ્યાર્થીનીને આ ઇનોવેશન માટે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ. એ.પી.જે અબ્દુલ કલામના હાથે અવોર્ડ પણ મળેલો છે. આપ આ ઇનોવેશન લીંક http://nif.org.in/innovation/inclined-installation-of-water-taps/719 પર જોઈ શકો છો. છાયાના ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છે કે જો વિદ્યાર્થીઓ પર વિશ્વાસ મૂકીને તેમને તક પૂરી પાડવામાં આવે તો તેઓ સમસ્યાઓને હલ કરવા માટેની સક્ષમતા ધરાવે છે. સમસ્યા પછી સામાજિક હોય કે શૈક્ષણિક. સૌથી અગત્યની બાબત મેહુલભાઈની સલાહમાં આપણે જોઈ શકીએ છે કે તેઓ તાત્કાલિક વિદ્યાર્થીઓ એ આપેલાં સમાધાન કે સુઝાવ પર કામ કરે છે તેને અમલમાં લાવે છે. આ વિદ્યાર્થીઓમાં વિશ્વાસ ટકાવી રાખવા અને તેમના ઉત્સાહને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. ફક્ત સુઝાવ સાંભળી લેવાથી કાર્ય પૂર્ણ થતું નથી પરંતુ તેનું અમલીકરણ પણ જરૂરી છે. આવા અનેક ઉદાહરણ આપ http://nif.org.in/submitidea વેબસાઈટ પર જોઈ શકો છો.

ભણાવતી વખતે વિદ્યાર્થીઓના અનુભવો/ રોજીંદા અનુભવોને વિષયવસ્તુ સાથે જોડીને કેવી રીતે સમજાવવું?

ભણાવતી વખતે વિદ્યાર્થીઓના રોજીંદા જીવનના અનુભવો અને વસ્તુઓને જોડીને સમજાવવામાં આવે તો વિદ્યાર્થી તે મુદ્દો શીખવાનું મહત્વ પણ સમજે છે અને પોતાના જીવન સાથે સીધું જોડાણ પણ કરી શકે છે. દરેક મુદ્દો સમજાવતા પહેલા જો રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ અને મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ભારરૂપ રહેતું નથી. શીખવાનો હેતુ જ જો સ્પષ્ટન હોય તો શીખવાનું મહત્વ વિદ્યાર્થી કઈ રીતે સમજશે? દરેક મુદ્દો ભણતી વખતે વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન હોય જ છે કે આ શીખેલું મને ક્યાં કામમાં આવશે? આવો જ પ્રશ્ન કદાચ તમને પણ તમારા વિદ્યાર્થીકાળ દરમિયાન થયો હશે. અને આજે તમને તેના જવાબ પણ મળતા હશે. આ સ્પષ્ટતા જો વિદ્યાર્થીઓને પહેલેથી આપવાનો પ્રયત્ન કરીએ તો?

અહીં આપણે વિદ્યાર્થીઓને શીખવવા માટેની અમુક પદ્ધતિઓ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની ચર્ચા કરી દરેક મુદ્દો વાંચતા સમયે આપે આપની શાળાના વર્ગખંડને ધ્યાનમાં લીધો હશે. બસ આજ કામ છે એક શિક્ષક તરીકે આપનું કે આપ આપના વર્ગખંડની જરૂરિયાતને અને આપના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને પદ્ધતિઓનું નિર્માણ કરો/ ઉપયોગ કરો/ અમલમાં લાવો અને વિદ્યાર્થીઓની જરૂરિયાતને સંતોષો.

આશા છે કે આપને આ ટોપીકમાં આપવામાં આવેલી માહિતી વર્ગખંડની સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બની રહેશે. ચાલો, કેટલાક સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને તેના પરિણામ વિષે જાણીએ.


Download PDF

Subscribe to receive free email updates: