કિડનીના રોગો અને ઉપાય | KIDNEYS RELATED DISEASES AND CURE



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

કિડનીના રોગો અને ઉપાય

KIDNEYS RELATED DISEASES AND CURE

કિડની શરીરનું એક ખુબ જ અગત્યનુ અંગ છે. શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરી તેમાંથી પાણી, સોડિયમ, પોટાશિયમ તથા બીજા અગણિત પદાર્થો ગાળીને પેશાબ રૂપે શરીરની બહાર ફેંકવાની કામગીરી કિડની કરે છે.

પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી હોર્મોન્સ, હિમોગ્લોબીન, કેલ્શિયમ, મેટાબોલિઝ્મમાં પણ કિડનીની મોટી ભૂમિકા છે.

કિડની સાથે મૂત્રવાહીની (URETER), મૂત્રાશય (Urinary Bladder) અને મૂત્રનલિકા (Urethra) જેવી રચના આવેલી હોય છે જે રુધિરનું ગાળણ કરે છે. 

કિડનીનો આકાર કાજુ જેવો હોય છે જે પેટના ઉપરના અને પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ (પીઠના ભાગમાં) છાતીના પાંસળીઓની પાછળ સુરક્ષિત રીતે આવેલી હોય છે.

કિડનીમાં બનતા પેશાબને મૂત્રાશય સુધી પહોચાડતી નળીને મુત્રવાહીની કહે છે. જ્યારે મૂત્રાશયમાં ૪૦૦ મીલીલીટર જેટલો પેશાબ એકઠો થાય છે ત્યારે પેશાબ કરવાની ઈચ્છા થાય છે.

સ્ત્રી હોય કે પુરુષ બધાના શરીરમાં સામાન્ય રીતે બે કિડની આવેલી હોય છે. પુખ્તવયમાં કિડની આશરે 10 સે.મી. લાંબી, 5 સે.મી. પહોળી અને 4 સે.મી. જાડી હોય છે અને તેનું વજન ૧૫૦ થી ૧૭૦ ગ્રામ હોય છે.

કિડનીના મુખ્ય કાર્યો:

લોહીનું શુદ્ધિકરણ : કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દૂર કરે છે.
પ્રવાહીનું સંતુલન : કિડની શરીર માટે જરૂરી પ્રવાહી જાળવી વધારાનું પ્રવાહી પેશાબ વાટે દુર કરે છે.
ક્ષારનું નિયમન : કિડની શરીરમાં સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બાયકાર્બોનેટ વગેરેની માત્રા જાળવવાનું કાર્ય કરે છે. સોડિયમની વધઘટ મગજ પર અને પોટેશિયમની વધઘટ હૃદય અને સ્નાયુની કામગીરી પર ગંભીર અસર કરી શકે છે.
લોહીના દબાણ પર કાબુ : કિડની કેટલાક હોર્મોન (એન્જિયોટેન્સીન, આલ્ડોસ્ટીરોન, પ્રોસ્ટાગ્લેન્ડીન વગેરે) તથા પ્રવાહી અને ક્ષારના યોગ્ય નિયમનથી લોહીના દબાણને સામાન્ય રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.
રક્તકણના ઉત્પાદનમાં મદદ : લોહીમાંના રકતકણોનું ઉત્પાદન હાડકાંના પોલાણમાં થાય છે. આ ઉત્પાદનના નિયમન માટે આવશ્યક પદાર્થ એરીથ્રોપોએટીન કિડનીમાં બંને છે. કિડની ફેલ્યરમાં આ પદાર્થ ઓછા અથવા ન બનતા, રક્તકણનું ઉત્પાદન ઘટી જાય છે અને લોહીમાં ફિક્કાશ આવી જાય છે એટલે કે એનીમિયા થાય છે.
હાડકાંની તંદુરસ્તી : કિડની સક્રિય વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે. આ વિટામિન ડી શરીરમાંના કેલ્શિયમ અને ફોસ્ફરસનું નિયત પ્રમાણ જાળવી હાડકાં તથા દાંતના વિકાસ અને તંદુરસ્તીમાં મહત્વનો ભાગ ભજવે છે.

કિડનીમાં લોહીનું શુદ્ધિકરણ થઈ પેશાબ કઈ રીતે બને છે?

કિડનીને સુપર કોમ્પ્યુટર સાથે સરખાવવી યોગ્ય ગણાશે, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને તેનું કાર્ય ઘણું જ જટિલ છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુધ્ધીકરણ અને પ્રવાહી-ક્ષારનું નિયમન કરી પેશાબ બનાવવાનું છે. કિડની જે રીતે જરૂરિયાતવાળા પદાર્થોને રાખી, વધારાના તથા બિનજરૂરી પદાર્થોનો પેશાબ વાટે બહાર નિકાલ કરે છે તે પ્રક્રિયા આશ્ચર્ય થાય તેવી અદભુત અને જટિલ છે.

બંને કિડનીમાં દર મિનિટે ૧૨૦૦ મીલીલિટર લોહી શુધ્ધીકરણ માટે આવે છે, જે હૃદય દ્વારા પુરા પાડવામાં આવતા લોહીના ૨૦ ટકા જેટલું છે. એટલે કે ૨૪ કલાકમાં આશરે ૧૭૦૦ લિટર લોહીનું શુધ્ધીકરણ થાય છે.

લોહીનું શુધ્ધીકરણ કરી પેશાબ બનાવવાનું કામ કરતા કિડનીના સૌથી નાના યુનિટ (ભાગ) બારીક ફિલ્ટરને નેફ્રોન કહે છે.

દરેક કિડનીમાં દસ લાખ જેટલા નેફ્રોન આવેલા હોય છે. દરેક નેફ્રોન ગ્લોમેરૂલ્સ અને ટ્યુબ્યુલ્સનો બનેલો હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ગ્લોમેરૂલ્સ તરીકે ઓળખાતી ગળણી દ્વારા દર મિનિટે ૧૨૫ મિલીલિટર પ્રવાહી ગળાઈ, ૨૪ કલાકમાં પ્રાથમિક તબક્કે ૧૮૦ લિટર પેશાબ બને છે.

આ ૧૮૦ લિટર પેશાબમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો, ક્ષારો અને ઝેરી રસાયણો હોય છે. પણ સાથે શરીર માટે જરૂરી એવા ગ્લુકોઝ અને અન્ય પદાર્થો પણ હોય છે. શરીરને જરૂરી એવા રક્તકણો, શ્વેતકણો, ફેટ અને પ્રોટીન પેશાબમાં નીકળતા નથી.

ગ્લોમેરૂલ્સમાં બનતો ૧૮૦ લિટર પેશાબ ટ્યુબ્યુલ્સમાં આવે છે, જ્યાં તેમાંથી ૯૯ ટકા પ્રવાહીનું બુદ્ધિપૂર્વકનું શોષણ (reabsorption) થાય છે. બંને કિડનીની ટ્યુબ્યુલ્સની કુલ લંબાઈ જોઈએ તો તે ૧૦ કિલોમીટર થાય છે.

ટ્યુબ્યુલ્સમાં થતા શોષણને બુદ્ધિપૂર્વકનું શા માટે કહ્યું છે? કારણકે ૧૮૦ લિટર જેટલી મોટી માત્રામાં બનતા પેશાબમાંથી બધા જ જરૂરી પદાર્થો અને પાણી પાછા લઈ લેવામાં આવે છે. ફક્ત ૧ થી ૨ લિટર પેશાબમાં બધો કચરો અને વધારાના ક્ષારો દુર કરવામાં આવે છે.

આ પ્રકારે કિડનીમાં ખુબ જ ચોક્કસાઈપૂર્વક કરેલું શુદ્ધિકરણ અને ગાળણ તથા શોષણ બાદ બનેલો પેશાબ મુત્રવાહીની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને મૂત્રનલિકા દ્વારા શરીરની બહાર નીકળે છે.

કિડનીના રોગોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય :

મેડિકલ રોગો : કિડની ફેલ્યર, પેશાબનો ચેપ, નેફ્રોટિક સિન્ડ્રોમ એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઈટીસ. આ પ્રકારના કિડનીના રોગોની સારવાર નેફ્રોલોજિસ્ટ દવા દ્વારા કરે છે. ગંભીર કિડની ફેલ્યરના દર્દીઓને ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરિયાત પણ પડી શકે છે.

સર્જિકલ રોગો : પથરીની બીમારી, પ્રોસ્ટેટની બીમારી, મૂત્રમાર્ગનું કૅન્સર. આ પ્રકારના કિડનીના રોગોની સારવાર યુરોલોજિસ્ટ કરે છે અને સામાન્ય રીતે ઓપરેશન, એન્ડોસ્કોપી, લિથોટ્રીપ્સી વગેરે પ્રકારની સારવાર જરૂરી હોય છે.

નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ વચ્ચે શો તફાવત છે?
કિડની નિષ્ણાત ફિઝિશિયનને નેફ્રોલોજિસ્ટ કહે છે. જ્યારે કિડની નિષ્ણાત સર્જનને યુરોલોજિસ્ટ કહે છે.

www.kamalking.in

Subscribe to receive free email updates: