SCE ની સમજ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

SCE ની સમજ


વિષય વસ્તુ


પ્રસ્તાવના: 
શિક્ષણની સારી ગુણવત્તાની વ્યાખ્યા આરટીઈ નિયમોની કલમ ૨૪ પરથી મેળવી શકાય છે.બંધારણમાં રક્ષાયેલા મૂલ્યો,ભાષા કૌશલ્ય,સંખ્યાત્મક કૌશલ્યો,આત્મ- વિશ્વાસ,નૈતિક મૂલ્યો,સારી આદતો અને માનસિક તથા શારીરિક વિકાસ બાળકોમાં અનિવાર્ય છે.જો બાળકોમાં આ પૈકીના મુદ્દા સ્વીકાર્ય સ્તરે હોય, તો આપણે  વિશ્વાસ રાખી શકીએ કે બાળકોને જે શિક્ષણ મળી રહ્યું છે તે  પર્યાપ્ત ગુણવત્તા ધરાવે છે.

પ્રાથમિક શાળાઓમાં શિક્ષણમાં ગુણવત્તા મેળવવા માટે નીચેના ૩ ક્ષેત્રમાં કામ કરવું ખૂબજ જરૂરી બને છે:

પ્રમાણિત સ્વતંત્ર મૂલ્યાંકન દ્વારા ચોક્કસ શિક્ષણના સ્તરની ચકાસણી કરવી.


શૈક્ષણિક પરિણામો(નિષ્પત્તિઓ) ના ખ્યાલને વિસ્તૃત કરવો. તેમાં બિન-જ્ઞાનાત્મક કુશળતાઓ ખાસ કરીને સ્વ-શક્તિ, પ્રેરણા અને મેટા-જ્ઞાનાત્મક (શીખવું કે કઈ રીતે શીખાય?) વ્યૂહરચનાઓ અને સર્જનાત્મકતા જેવા અન્ય બિન-શૈક્ષણિક પરિણામોને સમાવવાં .


બિન-ભૌતિક વાતાવરણને શીખવા માટે વધુ સહાયક બનાવવું.


ગુણવત્તાને માપવા માટેના આ ત્રણ પગલાંમાં ચોક્કસ શું કરવાની જરૂર છે તે સમજીએ. ઉપર સૂચવેલા ત્રણ પગલાં શિક્ષકો જાણે તો છે, પરંતુ તેમાં બે સમસ્યાઓ છે:

(1) ઉપર જણાવેલ મુદ્દાઓને માપી શકાય તેવા મુખ્ય સૂચકોમાં ફેરફાર કરવાની જરૂર છે;
(2) તેમની બધાની મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ મેળવવી સહેલી નથી. ભાષાકીય કુશળતા અને સંખ્યાત્મકતા કૌશલ્યનું  ટેસ્ટ /પરીક્ષા દ્વારા મૂલ્યાંકન કરવું સૌથી સરળ છે, પરંતુ તેના ગુણ(માર્ક્સ)ને ગુણવત્તા સાથે સરખાવવામાં આવે છે.જેથી આરટીઇ નિયમો દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલ ગુણવત્તાનો સર્વગ્રાહી અભિગમ સ્પષ્ટ થતો નથી.
આ પરિસ્થિતિમાં બાળકોના સતત અવલોકન અને વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓના આધારે તેના ગુણો, વલણો, રસ-રુચિની નોંધ કઈ રીતે કરવી?

શીખવાનો હેતુ:

1. હું એક શિક્ષક તરીકે શૈક્ષણિક ખામીઓ દૂર કરવા તથા શૈક્ષણિક નિષ્‍પત્તિઓનું અવલોકન અને મૂલ્યાંકન કરવા માટેની પદ્ધતિઓની ઉપયોગિતા કેવી રીતે સમજીશ?

સૌ પ્રથમ તો એ વિચારીએ કે સર્વગ્રાહી મૂલ્યાંકન  શા માટે?-  મૂલ્યાંકનને આધારે વિદ્યાર્થીઓને સફળતા કે નિષ્ફળતાના  પ્રમાણપત્રો માટે નહિ, પરંતુ તેની કુશળતાને પારખીને તેને યોગ્ય દિશામાં આગળ વધારવાનું છે.  
મૂલ્યાંકન ક્યારે કરવું?

તાસના અંતે, એકમના અંતે, માસના અંતે, સત્રના અંતે, વર્ષના અંતે


લેખિત, મૌખિક, પ્રાયોગિક સ્વરૂપે


શીખનારને મૂલ્યાંકન પ્રક્રિયા રસપ્રદ લાગે તે મુજબનું  મૂલ્યાંકન જરૂરી છે.


શીખવ્યા પછી મૂલ્યાંકન અને તેને આધારે જ ઉપચાર કાર્ય કરવું જોઈએ.


ટૂંકમાં શિક્ષક ઈચ્છે ત્યારે, તેટલી વખત, તે પ્રકારે.


આપણે ઉપર મુજબની રીતે મોટેભાગે મૂલ્યાંકન કરીએ છીએ, આ બધા જ મૂલ્યાંકનને આધારે આપણે વિદ્યાર્થીનું વાર્ષિક મૂલ્યાંકન કરીએ છીએ.એક વાત એ સ્પષ્ટ  કરવી જરૂરી છે કે મૂલ્યાંકન સતત થાય તો જ પરિણામ સમજી શકાય. આપણે આ અગાઉ એવું સમજતા હતાં  કે એવી મૂલ્યાંકન પ્રક્રિયા અમલી હતી જેમાં વિદ્યાર્થી સત્રને અંતે જ પરીક્ષા આપે અને તેની સમજની આપણે ચકાસણી કરી શકીએ.

આપણે જ્યારે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણી જોડે મોટેભાગે બે જ વિકલ્પ હોય છે.એક સાચું અને બીજું ખોટું.આ વિગત SCE માં  શક્ય નથી.અહીં તો સાચું, ખોટું અને સમજણનો અભાવ એમ વિવિધ ત્રણ પ્રતીક દ્વારા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે.હકીકતમાં આ બાબત ચાર મુદ્દાઓને આધારે વધુ સરળતાથી સમજી શકાય એમ છે.આ વિગત સમજવા માટે નીચેનું એક ઉદાહરણ જોઈએ.

અહીં  વિવિધ ચાર વિદ્યાર્થીઓના ઉદાહરણ આપેલાં  છે.આ ચાર ઉદાહરણ જોઈએ.આ ચારેય વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા પાંત્રીસ (૩૫) લખવા સૂચના આપી છે.હવે વિદ્યાર્થીઓ એ જે લખ્યું છે તેને આધારે ચર્ચા કરીએ.

સાચું મૂલ્યાંકન:

નામ

વિદ્યાર્થીનો જવાબ

આપનું મૂલ્યાંકન

ખરેખરું મૂલ્યાંકન

રેખા  

૩૫

સાચું

સાચું

શામીરા

૫૩

ખોટું

અડધું સાચું

રતન

૨૫

ખોટું

ખોટું

હરભજન સિંહ

કશું જ લખ્યું નથી

ખોટું

પ્રયત્ન કાર્યો નથી

આ વિગતને જોઈએ તો સમજી શકાય કે રેખા સાચું કરી શકે છે. શામીરાને એકમ અને દશકમાં સમજ નથી. રતને ભલે ખોટું કર્યું. પણ તેને એટલી તો ખબર છે કે ગણિતમાં આવું કશુંક આવે, સવાલ છે હરભજન સિંહ માટેની સમજનો. જે કોઈ જ જવાબ આપતો નથી. અહીં સતત મૂલ્યાંકન શામીરા,રતન અને હરભજન સિંહ માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. આ બાબત જ SCE નો મહત્વનો હિસ્સો છે. જો આપણી શાળામાં આપણે હરભજન માટે પ્રયત્ન કરીશું તો ચોક્કસથી એનો લાભ બાકીના વિદ્યાર્થીઓને મળવાનો જ છે. આ કારણે આપણે SCE ને ચોક્કસ રીતે અમલી બનાવીએ તેવી અપેક્ષા રાખવામાં આવી છે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માટે આપણે એક શાળાનું ઉદાહરણ જોઈએ.

શાળાનું નામ રાજ વિદ્યાનગર.અહીં જયેશ પટેલ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શાળામાં સતત મૂલ્યાંકન માટે એમને એક નવતર વિચાર અમલી બનાવ્યો છે.તેમને શાળામાં નાનાં-નાનાં જૂથ તૈયાર કર્યા છે. આ જૂથમાં ખૂબ જ ઝડપી શીખતાં,ધીમું શીખતાં અને ન શીખતાં વિદ્યાર્થીઓનું જૂથ તૈયાર કર્યું  છે.શાળામાં જે શિક્ષણ કાર્ય થાય તે પછી તેની ચકાસણી જયેશભાઈ દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી ઉપચાર કાર્ય કરવા માટે વિવિધ જૂથમાં વિદ્યાર્થીઓને જવાબદારી આપી છે. આ પ્રવૃત્તિને લીધે  એવું થાય છે કે દરેક વિદ્યાર્થીને કોઈ એક તબ્બકે બીજાને શીખવવાની તક મળે છે.આમ થવાથી કાયમી માટે કોઈ હોંશિયાર કે શીખવામાં નબળા વિદ્યાર્થી તરીકે ઓળખાતું નથી. બીજી તરફ શિક્ષક તરીકે જયેશ પટેલને પણ સીધું બધા જ વિદ્યાર્થીનું ધ્યાન રાખવાને બદલે તેમના પક્ષે કાર્યભાર હળવો થાય છે.આમ થવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વિકાસ થાય છે.સાથો સાથ તે શીખવા અને શીખવવાની પ્રક્રિયામાં રસપૂર્વક જોડાય છે. આ પ્રકારની વ્યવસ્થાને લીધે આજે શાળાના વિદ્યાર્થીઓ પોતાની રીતે શીખવા માટે તત્પર બન્યાં છે. શાળામાં તંદુરસ્ત રીતે મૂલ્યાંકન પ્રક્રિયા માટે સતત તૈયાર રહેતાં થયાં છે.

રાજવિદ્યાનગર પ્રાથમિક શાળાની આ પ્રવૃત્તિ  દ્વારા એ સ્પષ્ટ  થાય છે કે સતત મૂલ્યાંકનમાં જો થોડું આયોજનપૂર્વક અમલ કરવામાં આવે તો વિદ્યાર્થીઓના પરિણામમાં ચોક્કસ સુધારો જોવા મળે છે.સાથો સાથ આ સુધારો તેમણે ગુણવત્તાલક્ષી શિક્ષણ તરફ આગળ ધપાવવામાં મદદ કરે છે. SCE નો મુખ્ય ધ્યેય જ એ છે કે વિદ્યાર્થીનું કોઈએક રીતે મૂલ્યાંકન ન કરતાં તેનું બધી જ રીતે મૂલ્યાંકન થઇ શકે છે. આમ નજીવા વિચાર અને તેના અમલથી અસરકારક પરિણામ મળી શકે છે.

શિક્ષણ વ્યવસ્થાનો ઉદેશ્ય સમજ ખીલવવાનો કે જ્ઞાનના સર્જનનો છે. વિદ્યાર્થીની યાદશક્તિની ચકાસણી કરવી એ શિક્ષણ વ્યવસ્થાનો હેતુ નથી. આપણી શાળામાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય રીતે થઇ શકે તે માટે શું કરી શકીએ તે વિચારવું આજે મહત્વનું છે. શાળા સમયે થતું મૂલ્યાંકન એ રીતે થવું જોઈએ કે જેને આધારે આપણે એ વિદ્યાર્થી ઘરે શું કરે છે ? તે જાણી શકીએ. ઘરે વિદ્યાર્થીને આપેલું ગૃહકાર્ય શાળામાં ચકાસીએ ત્યારે એ ભલે એક તબ્બકે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો હિસ્સો હોવા છતાં તે શિક્ષણ વ્યવસ્થા માટે એક મહત્વનો ભાગ છે. છતાંય વિદ્યાર્થીને શીખવવા માટે એક મહત્વનો ભાગ બની જાય છે. SCE ને સમજતાં પહેલાં મૂલ્યાંકન કાર્ય કે તેની પ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી થઈ પડે છે. આ પછીના ટોપીકમાં આપ મૂલ્યાંકનમાં આવતી મુશકેલીઓ અને અલગ અલગ મૂલ્યાંકનની પદ્ધતિઓ વિષેની સમજ મેળવશો જેનાથી વધુ  સ્પષ્ટતા આવશે.

આશા છે કે આપને આ ટોપીકમાં આપવામાં આવેલી  માહિતી વર્ગખંડની સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બની રહેશેચાલો, કેટલાક સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી  પ્રવૃત્તિઓ અને તેના પરિણામ વિષે જાણીએ.


Download PDF

Subscribe to receive free email updates: