ઈ લાયબ્રેરીની રચના અને તેનો ઉપયોગ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ઈ લાયબ્રેરીની રચના અને તેનો ઉપયોગ


વિષય વસ્તુ


પ્રસ્તાવના: 
આજે શાળામાં ઘણાં એવા વિદ્યાર્થીઓ હશે કે જેઓ મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપનો ઉપયોગ સરળતાથી કરી શકતાં હશે. ટેકનોલોજી એવી વસ્તુ બની ગઈ છે કે તેને શીખવવાની જરૂર પડતી નથી તે ફક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે અને અને તેના સુધીની પહોંચ સુનિશ્ચિત કરાવવામાં આવે તો બાળકો જાતે જ તે શીખી જાય છે. ટેકનોલોજીના ફાયદાથી પણ આપણે  સૌ વાકેફ છીએ, પહેલાંના સમયમાં કોઈ પુસ્તક વાંચવું હોય કે કોઈ માહિતી મેળવવી હોય તો તે માટેના માધ્યમ ખૂબ ઓછા કે મર્યાદિત હતાં પરંતુ આજે “ઈન્ટરનેટ” એક એવું માધ્યમ છે કે સેકન્ડભરમાં આપને જોઈતી માહિતી સર્ચ કરવાથી મળી રહે છે. માહિતીનો અને વાંચન સામગ્રીનો ભંડાર આપણને ઈન્ટરનેટના માધ્યમથી મળી રહે છે.
આજના સમયમાં  શિક્ષણ તથા સમાજની સૌથી મોટી સમસ્યા વાંચન સાહિત્યનો અભાવ નથી પરંતુ વાંચન છે. આ માટે આપણે જ પ્રયત્નો હાથ ધરવાં પડશે. આજના સમયમાં તમામ ક્ષેત્રોની જેમ શિક્ષણમાં પણ હવે ધીરે ધીરે ટેક્નોલોજી અને ઈન્ટરનેટ પ્લેટફોર્મના આગમન અને વ્યાપ વધવાની સાથે ઈ-ફોરમેટમાં તમામ સાહિત્યનુ રૂપાંતર થઇ રહ્યું છે.
અહીં શાળાના શિક્ષક તરીકે આપણી સામે બે પડકાર છે. એક તો આજના વિદ્યાર્થીને નવી ટેક્નોલોજી આધારિત વાંચન તરફ વાળવો, સમુદાયને વાંચન  અભિમુખ કરી તેમનામાં વૈચારિક વૃદ્ધિ કરવી તથા કયા પ્રકારનું વાંચન સાહિત્ય પૂરું પાડવું એ પણ મહત્વનું છે. આ માટે આપણે બંને બાબતો સમજવાનો પ્રયાસ કરીએ.

-લાઈબ્રેરીઃ 
ઈ-લાઈબ્રેરીની સંકલ્પના બહુ વિશાળ છે. બહુ સરળ અને સાદી ભાષામાં વાત કરીએ તો ઈ-લાઈબ્રેરી એ બીજું  કંઇ નહીં પણ કોઇપણ લખાણ, ઓડિયો કે વિડિયોને ડીજીટલ સ્વરૂપે સંગ્રહ કરવો. આની શરૂઆત ખૂબ જ નાના પગથિયાંથી લઇ ખૂબ જ મોટા પ્રોજેક્ટ સ્વરૂપે થઇ શકે છે. CD કે પેન ડ્રાઇવમાં સંઘરાયેલું  સાહિત્ય પણ ઈ-લાઈબ્રેરીનો ભાગ બને છે.

આ માટે કોઇ મોટા રોકાણ કે માળખાકીય સુવિધાની જરૂરિયાત નથી. અહીં એ વાત સમજી લઇએ કે ઈ-લાઈબ્રેરી એ ઓનલાઇન લાઈબ્રેરી નથી. જેના માટે આપણને હાઇસ્પીડ ઈન્ટરનેટની જરૂરિયાત રહે. અહીં માત્ર એ જ અપેક્ષિત છે કે શાળામાં ફળવાયેલા કમ્પ્યુટર પૈકી એક અથવા બે માં એવી વ્યવસ્થા હોય કે જેનો વિદ્યાર્થીઓ તેમના સમયે ઉપયોગ કરીને વિવિધ માહિતી તથા અન્ય સામગ્રીનો ઉપયોગ કરી શકે.

આવી વ્યવસ્થા ઊભી કરવાથી શાળામાં વિદ્યાર્થીઓ વિષય અનુરૂપ અન્ય સાહિત્ય વાંચવા, સાંભળવા તથા જોવા પ્રેરાશે અને આવી માહિતીના અન્ય સ્ત્રોતો પણ હોઇ શકે. આ અંગે તેઓ માહિતગાર થશે. આ સામગ્રીમાં આપણે ઈન્ટરનેટના ઉપયોગથી ઘણી બધી સામગ્રી મેળવી શકીએ છીએ. જેનો આપણે ઈ-લાઈબ્રેરીમાં ઉપયોગ કરી શકીએ છીએ. આપણી ઈ-લાઈબ્રેરીમાં સામેલ કરી શકીએ એવી ઘણી સામગ્રી સરકારશ્રીની અલગ-અલગ સંસ્થાઓ GCERT, સર્વ શિક્ષા અભિયાન, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અન્ય NGO દ્વારા આપણી શાળાઓને પહોંચતી કરવામાં આવી  છે. આ તમામ સામગ્રીનો કમ્પ્યુટર માં સંગ્રહ કરી એક પ્રાયોગિક ધોરણે સુંદર લાઈબ્રેરી વિકસાવી શકાય છે. આ માટે ની સામગ્રીની યાદી તૈયાર કરીને તેને કઈ રીતે મેળવવી જેવી વિગતો ની ટૂંકી માર્ગદર્શિકા તૈયાર કરી શકાય. શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને પહોંચતી  કરી બહોળો પ્રચાર અને પ્રસાર કરી શકાય.

મિત્રો આપ પણ આપની શાળામાં ઈ -લાઈબ્રેરીનું નિર્માણ સરળતાથી કરી શકો છો. નીચે આપેલા ફોરમેટમાં આપની શાળામાં ઉપલબ્ધ તમામ માહિતી/ સાહિત્ય/ વિડીઓ/ ઓડીઓ જે પણ હોય તેનું એક લીસ્ટ બનાવો તેને અલગ અલગ ફોલ્ડરમાં ગોઠવો અને વિદ્યાર્થીઓને વાંચવા માટે ઉપલબ્ધ કરાવો.

ક્રમ   

સામગ્રી

વિષય

ધોરણ 

સ્વરૂપ (ટેક્ષ, ઓડિયો, વિડિયો)     

કઇ સંસ્થા પાસેથી મળ્યું  છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરા તાલુકાની આ વાત છે. અહીં શ્રી. મેરગભાઈ ચેતારીયાં  શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે  જોયું કે વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવામાં રસ પડતો ન હતો. જ્યારે તેમને કોઈ એક પુસ્તક વાંચવું હોય ત્યારે તેમને એ પુસ્તક મળતું નથી. પુસ્તક ન મળવા માટેના મુખ્ય બે કારણ જવાબદાર છે. જેમાં એ પુસ્તક શાળાની લાઈબ્રેરીમાં ન હોવું. બીજું  કે પુસ્તક હોય પરંતુ એનો ઉપયોગ શાળાના અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતો ન હોય. સાથે તેમને એક સમસ્યા એ પણ હતી કે પુસ્તક  આપવા અને જમા લેવામાં ખૂબ જ સમય જતો હતો. તેમને વિવિધ પુસ્તક ને “A” થી “O” સુધી વર્ગીકૃત કર્યા. જેમાં વિવિધ વિષય ઉપરાંત બાળવાર્તાઓ, વ્યક્તિ વિશેષ અને અન્ય ટાઈટલથી વિભાજીત કર્યા. દરેક પુસ્તકને યુનિક કોડ આપ્યો. પુસ્તકના કબાટને પણ કલરથી કોડ કરવામાં આવ્યાં. દરેક પુસ્તકોની કમ્પ્યુટર વડે એક યાદી બનાવી. આ યાદી તમામ વર્ગમાં આપી. આની સાથે સાથે દરેક પુસ્તક આધારિત ઓન લાઈન વિગત જોવા માટે બારકોડમાં જ એક લીંક આપી. એક નાની વાત કે આયોજનમાં થોડા ફેરફાર વડે તેમની શાળામાં હતાં તે ઉપરાંતના અન્ય પુસ્તકો પણ તે શાળામાં ઉપલબ્ધ કરાવી શકાયાં .

મેરગભાઈ ચેતારીયાના આ પ્રયોગ કરવાથી નીચે મુજબના લાભ મળી શક્યાં જેમ કે...

પુસ્તકો એક કરતાં વધારે ખરીદવા પડતાં નથી.


એક કરતાં વધારે વિદ્યાર્થીઓ એક પુસ્તક વાપરી શકે છે.


પુસ્તકનું આયુષ્ય આજીવન રહે છે,તે ફાટતું કે બગડતું નથી.


વારંવાર પુસ્તક ખરીદવા પડતાં ન  હોઈ આર્થિક લાભ થાય છે.


પર્યાવરણનું રક્ષણ થવા સાથે આર્થિક ખર્ચ ઉપર કાબૂ  મેળવી શકાય છે.


પાટણ તાલુકાની એક શાળા. શાળાનું નામ ઇન્દીરાનગર પ્રાથમિક શાળા. અહીં મહેન્દ્રભાઈ પટેલ ફરજ બજાવે છે .તેમણે જોયું કે બાળકો નેટ ઉપર પુસ્તક વાંચે છે. તેમને શું વાંચ્યું કે કયું પુસ્તક વાંચ્યું તેની વિગત સ્પષ્ટ થઈ શકતી ન હતી. આ માટે તેમણે તેમની શાળાના પુસ્તકાલયના દરેક પુસ્તકને બારકોડથી સજ્જ કર્યા .દરેક વિદ્યાર્થીના જનરલ રજીસ્ટર સાથે આ પુસ્તક જોડાય તેવી વ્યવસ્થા કરી. આ વ્યવસ્થાને આધારે વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાંથી મેળવી જે પુસ્તક વાંચે છે તેની વિગત જાણી શકાય છે. કયું પુસ્તક સૌથી વધારે વંચાય છે કે કેવા પુસ્તકનો ઉપયોગ વિદ્યાર્થી કરતાં જ નથી તે અંગે જાણકારી મેળવી શકાય છે. વિદ્યાર્થીઓએ નેટ ઉપરથી કે ઈ લાઈબ્રેરીના જે પુસ્તકો વાંચ્યા છે તેનું કોડીગ કરી એ વિદ્યાર્થીના નામ સાથે વિગત ભરાઈ જાય તેવી ઓટોમેટીક વ્યવસ્થા ઊભી કરી છે.
આપણે જોયું કે કેટલીક શાળામાં અને કેટલાક શિક્ષકો વ્યક્તિગત રીતે આ માટે સતત પ્રયત્ન કરે છે. ઈ લાઈબ્રેરી કોઈપણ શાળામાં ઊભી થઇ શકે છે તે માટે  નીચે મુજબના પગલાં  લેવાની જરૂર છે.

શૈક્ષણિક વેબસાઈટ, બ્લોગ, પુસ્તકોની વેબસાઈટ વગેરે પરથી સાહિત્ય ડાઉનલોડ કરી એકઠું કરવું.


સાહિત્યને વિવિધ વિભાગ મુજબ વિભાજિત કરવું.


શાળાના પુસ્તકોને સ્કેન કરી, PDF ફાઈલ બનાવી અપલોડ કરવાં.


સ્થાનિક રીતે નિર્માણ કરેલ સાહિત્ય પણ અન્યને માટે અપલોડ કરવું.


શાળાનો બ્લોગ, ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, શાળાની વેબસાઈટની  એપ્લીકેશન બનાવી તેના પર આ માહિતી અન્ય શાળાઓ સાથે આપ-લે કરી તેનો ફેલાવો કરી શકાય.


એક શિક્ષકનું નામ રામજીભાઈ રોટાદર. બનાસકાંઠા જીલ્લાની ટોકરીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે. તેમણે ઓન લાઈન બ્લોગ બનાવવાની વિગતો જાણી. આ વિગતને આધારે તેમણે એક બ્લોગનું નિર્માણ કર્યું. તેઓ રોજ વિવિધ દૈનિકપત્રોમાંથી બાળક માટે ઉપયોગી સાહિત્ય એકઠું કરે. આ જ સાહિત્યને તે સીધું જ તેમના બ્લોગ ઉપર અપલોડ કરે. આમ વિદ્યાર્થીઓ  માટે આધુનિક સમયમાં પ્રકાશિત થતું છપાયેલું મટીરિયલ તેમને સોફ્ટ ફોરમેટમાં તૈયાર કર્યું. આજે ખૂબ જ મોટા પ્રમાણમાં તેમનું સંકલન કરેલું કે એકઠું કરેલું સાહિત્ય ઉપયોગમાં લઇ શકાય તે રીતે તેમણે તૈયાર કર્યું છે. હજારોની સંખ્યામાં તેમના બ્લોગના વાંચકો આ સાહિત્યનો ઉપયોગ કરે છે. એક તરફ આપણે  પુસ્તક કે સારું સાહિત્ય શોધી રહ્યાં  છીએ ત્યારે આ પ્રકારનું સાહિત્ય જે રોજ છપાય છે તે આપણા સુધી પહોંચે અને તેનો યોગ્ય ઉપયોગ થાય એ બાબત અહીં, સૌ માટે મહત્વની છે. એજયુકેશન લાઈબ્રેરી કે બ્લોગ અને અન્ય સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ છે.
લીંક: https://ramajirotatar1971.blogspot.in/
આધુનિક સમયમાં તો આપણને જે જાણકારી કે વિગત જોઈએ છીએ તેને સર્ચ એન્જીનમાં લખવાથી એક કરતાં અનેક વિકલ્પ આપણી સામે આવે છે.આ વિકલ્પ પૈકી વિદ્યાર્થીઓ માટે કયું સાહિત્ય યોગ્ય છે તે પસંદ કરી તેને બુક માર્ક કરવાથી તે કાયમ માટે હાથવગું જોવા મળે છે. આપણા રાજ્યના અનેક શિક્ષકો આવી અનેક પોર્ટલ કે એપ્લીકેશન દ્વારા  કાર્ય કરે છે. અહીં માત્ર પુસ્તકો જ નહીં, ગીત,કવિતા,વાર્તાઓ અને શિક્ષણમાં ઉપયોગમાં લઇ શકાય એવું અનેકવિધ સાહિત્ય અહીંથી જોવા મળે છે. શીખનાર અને શીખવનાર સૌને આ માટે ઈ લાબ્રેરી ખૂબ જ ઉપયોગી છે.
આશા છે કે આપને આ ટોપીકમાં આપવામાં આવેલી  માહિતી વર્ગખંડની સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બની રહેશેચાલો, કેટલાક સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી  પ્રવૃત્તિઓ અને તેના પરિણામ વિષે જાણીએ.


Download PDF

Subscribe to receive free email updates: