શૈક્ષણિક અને વ્યવસ્થાપન ઉપયોગ માટે IT infrastructure નું જતન



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

શૈક્ષણિક અને વ્યવસ્થાપન ઉપયોગ માટે IT infrastructure નું જતન


વિષય વસ્તુ


પ્રસ્તાવના: 
શિક્ષણ આજે સતત બદલાતી પ્રક્રિયા છે તેમજ વર્ગખંડમાં શિક્ષણ પૂરું પડવાના માધ્યમ પણ ઘણાં  છે. આ પ્રક્રિયામાં આપણે બદલાવ સાથે ગોઠવાવું ખૂબ જરૂરી છે. શિક્ષણમાં આધુનિકીરણ તરફ આગળ વધવા માટે સરકાર દ્વારા વિશેષ યોજનાઓ અમલી બનાવવામાં આવે છે.આ યોજનાઓ દ્વારા શિક્ષણને ભૌતિક અને અન્ય સુવિધાઓ અને સહાયનો લાભ મળે છે.આધુનિક સમય સાથે કદમ મિલાવવા માટે શાળાઓને સરકાર દ્વારા કે કેટલીક જગ્યાએ  લોકસહકારથી અનેક સુવિધાઓ પૂર્ણ થયાનું આપણે જોઈએ કે સાંભળીએ છીએ.આજના કમ્પ્યુટર યુગમાં સરકારી શાળાના બાળકો પાછળ ન રહી જાય તે માટે અનેક યોજનાઓ  થકી પ્રયત્નો કરવામાં આવે છે. આવી કેટલીક યોજનાઓ અને તે અંગે થોડીક જાણકારી મેળવીએ.

ક્રમ

વિગત

સહાય કે સામગ્રીની વિગત

સ્માર્ટ સ્કૂલ

છ લેપટોપ, ચાર પ્રોજેક્ટર, ચાર પેન ડ્રાઈવ, ચાર સાઉન્ડ સિસ્ટમ, બે એલઇડી ટીવી, બાયો મેટ્રિકની સામગ્રી. 

જ્ઞાનકુંજ

બે લેપટોપ, બે પ્રોજેક્ટર, બે આઈઆર કેમેરા, ચાર ડીજીટલ પેન(સ્ટાઇલસ), બે સાઉન્ડ સિસ્ટમ, વાઈટ બોર્ડ, વાઈફાઈ રાઉટર.

કોમ્યુટર લેબ(cal lab)

શાળાની સંખ્યા મુજબ છ કે અગિયાર કમ્પ્યુટર, એક કે બે એલઇડી ટીવી, અગિયાર કમ્પ્યુટર ધરાવતી શાળામાં એક એલ.ઈ.ડી ટી.વી.

બાયસેગ

સેટ-અપ બોક્ષ વિથ ડીશ માટે સહાય.

મીના રેડિયો

રેડિયો હોય તો તેના ઉપર અથવા DTH દ્વારા  રેડિયો પ્રસારણ.

કેવા ઉદેશ્ય સાથે યોજનાઓ અમલી છે? 
સ્માર્ટ સ્કૂલ : 
સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન છે.આધુનિક સમય કે જરૂરીયાત મુજબ શિક્ષણ મેળવી શકે તે માટે આ યોજના અમલી બનાવવામાં આવી છે. દરેક જીલ્લામાં કેટેગરી મુજબ વિવિધ સંખ્યામાં આ પ્રકારની શાળાઓ પસંદ કરવામાં આવેલી  છે.
જ્ઞાનકુંજ: 
આધુનિક સમય અને શિક્ષણમાં ડીજીટલ શિક્ષણને વિકસાવવા અને ચોક્કસ પરિણામ મળે તે જરૂરી છે. આ આશયથી નવતર યોજના અમલી બની છે. ગુજરાતની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પણ આ યોજના અમલી છે. દરેક યુનિટને વિવિધ રીતે શીખવી શકાય તે માટે સામગ્રી (સોફ્ટવેર) પણ તૈયાર કરીને આપવામાં આવ્યું  છે.
આ ઉપરાંત કમ્પ્યુટર એડેડ લર્નિંગને નામે આ યોજના અમલી બની છે. આ યોજનામાં એલ.ઇ.ડી ટીવી અને કમ્પ્યુટર દ્વારા શિક્ષણ કાર્ય કરાવવાનું કહેવાયું છે. બાયસેગથી પ્રસારિત થતાં કાર્યક્રમો પણ ઉપયોગી જ છે. આ કાર્યક્રમોના નિર્માણમાં  પાઠ્યપુસ્તક લેખકો કે તજજ્ઞો દ્વારા  શિક્ષણકાર્ય કરી તેને વાર્ષિક ફાળવણીને આધારે દૂરદર્શનથી પ્રસારિત કરવામાં આવે છે. મીના રેડિયો કાર્યક્રમ અમલી છે. જેને સીધો જ રેડિયો ઉપર અથવા DTH દ્વારા સાંભળી શકાય છે.
આ યોજનાઓ ભાવિ પેઢીને આધુનિક રીતે શિક્ષણ મળી રહે તેવા આશય સાથે મૂકવામાં આવી છે. અહીં આપણે એ પણ જાણીએ છીએ કે શાળામાં કે વર્ગખંડમાં IT ના ઉપયોગથી વિદ્યાર્થીઓની ભણવાના  રસ અને રૂચિમાં વધારો અને એક ઉત્સાહપૂર્વકનું વાતાવરણ જોવા મળે છે અને કેમ નહિ? અલગ અલગ પદ્ધતિથી ભણવું કોને ન ગમે? જયારે વિદ્યાર્થીઓ જ આ પ્રકારના માધ્યમથી ભણવા માટે ઉત્સાહ બતાવતા હોય તો એક શિક્ષક તરીકે આપણી બે જવાબદારી ચોક્કસ રીતે ઊભી થાય છે.
૧. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.
૨. ઉપલબ્ધ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ અને જાળવણી.
પરંતુ ઘણી શાળાઓમાં જોવા મળે છે કે આ સામગ્રીનું જતન થતું નથી. શાળા આવી મહત્વપૂર્ણ સામગ્રી બગાડે કે તેનો ઉપયોગ ન કરે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ માથે પડે છે. આવું થવાના મુખ્ય કારણો નીચે મુજબ તારવી શકાય છે.

આઇટીની સામગ્રીના ઉપયોગ અને તેના ફાયદાઓ અંગે પૂરતી જાણકારી ન હોવી.


સમયસર મરામત કે જાળવણીનો અભાવ.


યોગ્ય જાણકારીને અભાવે તેના ઉપયોગમાં શિક્ષક કે શાળાનો સંકોચ.


આધુનિક ઉપકરણ સાચવણી માટેની  જાગૃતિનો અભાવ.


સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રાથમિક જાણકારીનો અભાવ.


આવા ઘણાં  કારણો હોય છે જે સીધી કે આડકતરી રીતે IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહતમ ઉપયોગમાં નડતરરૂપ બને છે. પરંતુ આ તમામ સમસ્યાઓ વચ્ચે પણ આપે ઘણી શાળાઓ અને શિક્ષકો જોયાં  હશે કે જેઓ વર્ગખંડમાં IT નો ભરપૂર ઉપયોગ કરે છે અને વિદ્યાર્થીઓને આ માધ્યમથી ભણાવીને વિષયવસ્તુને સ્પષ્ટ રીતે સમજાવે છે.
ઘણી શાળાઓમાં જોવા મળે છે કે કમ્પ્યુટર રૂમ જ બંધ અવસ્થામાં મળે, LED બંધ અવસ્થામાં મળે, વાયર અને સ્પીકર ખોવાઈ ગયેલાં હોય. પૂછવા પર જાણવા મળે કે જ્યારથી આ સાધનો શાળામાં આપવામાં આવ્યાં ત્યારથી તેને ઉપયોગમાં જ લીધા નથી. શા માટે? કિંમતી વસ્તુ છે, બાળકોને અડવા ન દેવાય, સાચવીને બંધ રૂમમાં રાખવી પડે, બગડી જાય તો આ પ્રકારના વાક્યો સાંભળવા મળે છે. પરંતુ આની સામે એવી પણ શાળાઓ છે જેમાં શિક્ષકો એ તો ક્મ્પ્યુટરની સંભાળ લેવાથી માંડીને તેને ચાલુ કરવું, બંધ કરવું, પ્રોજક્ટર સાથે કનેક્ટ કરવું, સ્પીકર સાથે કનેક્ટ કરવું, ઈન્ટરનેટ વાપરવું વગેરે જેવાં તમામ કામ વિદ્યાર્થીઓને સોંપી દીધાં છે અને આ શાળાઓમાં આ તમામ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ અને સારી પરિસ્થિતિમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓને ફક્ત સાધનો આપો તેનો ઉપયોગ તો એ જાતે જ શીખી જશે. જરૂર છે કે "એક શિક્ષક તરીકે વિદ્યાર્થીની ક્ષમતાઓ પર વિશ્વાસ મૂકવાની". જો શિક્ષક જ કહી દે કે “ રહેવા દે તને નહીં આવડે ”, “તું બેસી જા”, “તારા મગજમાં નહીં  ઉતરે” તો વિદ્યાર્થી ક્યારેય ન શીખી શકે. વિદ્યાર્થીને ફક્ત આપના વિશ્વાસની જરૂર છે. આપના વિશ્વાસ થકી તેની કાર્યક્ષમતાઓ અપોઆપ ખીલી ઉઠશે. 
વિદ્યાર્થીઓને સાથે રાખીને IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે અહીં એક વાસ્તવિક ઉદાહરણ દ્વારા સમજીએ. હરસુખભાઇ બી. સોરઠિયા, શ્રી રાયપર પ્રા. શાળા મું. રાયપર તા. બાબરા જિ. અમરેલી માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળામાં રહેલા ઊબંતુ કમ્પ્યુટર સીસ્ટમ બરાબર યોગ્ય રીતે ચાલતી ન હતી. ૧૫, ૨૦ દિવસ કમ્પ્યુટર બંધ રહે કે વેકેશન ખૂલતા કમ્પ્યુટર ચાલુ થતા ન હતા, કમ્પ્યુટરમાં વારંવાર સમસ્યા ના લીધે ૬ પૈકી ૨ કે ૪ કમ્પ્યુટર જ ચાલુ હોય. સરકારી ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરતા અને ફરિયાદને અનુરૂપ શાળામાં એંજીનીયર આવીને કમ્પ્યુટરમાં નીચે મુજબની ૮૦% સમસ્યા હલ કરતા જોવા મળ્યા. (૧)રીકવરી (૨) N- computing (૩) રેમ સાફ કરવી (૪) બીજા ચાલુ કમ્પ્યુટરની રેમ કાઢીને બંધ કમ્પ્યુટરમાં ચઢાવીને ચાલુ કરવી. શિક્ષક પોતે આ તમામ કામ જોઈને સમજવા લાગ્યા. ત્યારબાદ દરેક વર્ગના બે-બે બાળકોને કેવી રીતે રીકવરી, N- computing સમસ્યા હલ કરવી તે લેખિત કાગળમાં લખેલું જોઇને કમ્પ્યુટર પર હલ કરતાં શીખવી. ધો. ૮ ના કમ્પ્યુટરમાં શોખ ધરાવતાં ચાર બાળકોને રેમ સાફ કરતા તેમજ બીજા બંધ કમ્પ્યુટરની રેમ કાઢીને ચાલુ  કમ્પ્યુટરમાં નાખીને ચાલુ કરતાં શીખવ્યું. આજે શાળામાં ધો. ૫ થી ૮ ના કમ્પ્યુટરના તાસમાં જયારે પણ કમ્પ્યુટર સરખું ના ચાલે તો તરત જ બાળકો જો રીકવરી/N- computing ની જરૂરિયાત હોય તો વર્ગના માસ્ટર બાળકોને શાળામાં લેબની સાથે આવેલી રીકવરીની સીડી તથા હરસુખભાઈએ તૈયાર કરેલ રીકવરી/ N- computing માટેના સ્ટેપ લખેલા કાગળો  જોઇને બાળકો રીકવરી/N- computing નો પ્રશ્ન હલ કરી આપે છે. જો કમ્પ્યુટર ચાલુ ન થાય તો ધો. ૮ ના બાળકોને બોલાવીને તેઓ રેમ સાફ કરવાની લેખિત યાદી મુજબ રેમ સાફ કરી આપે છે. છતાં જો ચાલુ ના થાય તો બીજા ચાલુ કમ્પ્યુટરની રેમ કાઢીને બંધ કમ્પ્યુટરમાં ચઢાવીને ચાલુ કરે છે. તેથી શાળાના તમામ કમ્પ્યુટર હંમેશાં ચાલુ રહે છે. આ કેસ સ્ટડી વિસ્તૃત માહિતી સાથે નીચે આપેલી  છે. જે આપ વાંચી શકો છો. 
અહી અમુક જરૂરી બાબતો ધ્યાન રાખીએ :

શાળામાં એક એવી ટુકડી શિક્ષકોની બનાવો જેમાં કમ્પ્યુટરની જાણકારી ધરાવતા સભ્યો હોય જેઓ મુશ્કેલીઓ હલ કરી શકતા હોય. કોઈ કમ્પ્યુટર પ્રોફેશનલ દ્વારા શિક્ષકોની તાલીમ થાય કે જાણકારી આપી શકાય.


શાળાની અંદર કમ્પ્યુટરમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી કરવી તેમને પણ આ કાર્યમાં જોડવાં .


નજીકના કમ્પ્યુટર ટેકનીશીયન જોડે જોડાણ કરો. નિયમિત સારસંભાળ માટે તેને બોલાવો અને તેનો ખર્ચ ઉપાડવા  કોઈ દાતાની પણ મદદ લઇ શકાય છે.


Youtube ઉપર રહેલા કમ્પ્યુટર લગતા વિડીઓનો પણ માહિતી મેળવવા માટે  ઉપયોગ કરી શકાય છે.


અહીં સમજવાની બાબત ફક્ત એટલી જ છે કે કમ્પ્યુટરનો શાળામાં ઉપયોગ અને સાચવણી એ કોઈ અશક્ય બાબત નથી. થોડીક માહિતી અને વિદ્યાર્થીઓના સહયોગથી આપ પણ આપની શાળામાં સફળતાપૂર્વક તે અમલી કરી શકો છો. આપ પણ આપની સ્થાનિક પરિસ્થિતિ અને આયોજન મુજબ આ કામ કરી શકો છો. કહેવાય છે કે સુવિધા ઊભી કરવી સરળ છે. આ સુવિધાનું યોગ્ય જતન થાય અને તેનો ઉપયોગ થાય તે મહત્વની બાબત છે. આ માટે આપણે શાળા પરિવાર, સ્થાનિક કમિટી કે વ્યક્તિ અને સંસ્થાઓનો સહયોગ લઇ શકીએ છીએ. આપણી આસપાસ પણ એવી શાળાઓ હશે જેમને આ પ્રકારે તેમની સુવિધાઓનું જતન કરવા કશુક નવું કર્યું હશે.તે જાણકારી મેળવી તેનો પણ અમલ કરી શકાય.
આશા છે કે આપને આ ટોપીકમાં આપવામાં આવેલી  માહિતી વર્ગખંડની સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બની રહેશેચાલો, કેટલાક સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને તેના પરિણામ વિષે જાણીએ.


Download PDF

Subscribe to receive free email updates: