ધોરણ-7 પાઠ્યપુસ્તક પ્રમાણે 3.4 4 – ઉષ્મા
વિષય વસ્તુ
ઉષ્માનું પ્રસરણ
પ્રસ્તાવનાઃ
તમે અનુભવ્યું હશે કે ન્હાવાના પાણીને ગેસ કે સગડી પર વધુ સમય મૂકી રાખતા તે વધુ ગરમ થઇ જાય છે અને જો તે જ પાણીને ગેસ કે સગડી પરથી નીચે ઉતારીને વધુ સમય રાખી મૂકીએ તો પાણી ધીમે-ધીમે ઠંડુ પડતું જશે. કોઇ વખત રસોઇ બનાવવામાં ધાતુના ચમચા વડે કામ કરતા ચટકો (દાઝ્યા) લાગ્યો પણ હશે. આવા દરેક કિસ્સામાં ઉષ્માનું વહન થાય છે. આ બાબતને વિગતેથી સમજવા માટે પ્રયત્ન કરીએ.
શીખવાનો હેતુઃ
હું શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પદાર્થમાં ઉષ્માનું વહન ગરમ પદાર્થ પરથી ઠંડા પદાર્થ તરફ થાય છે તે વિશેની સમજ કઇ રીતે આપીશ.
ઘન પદાર્થમાં ઉષ્મા પ્રસરણની સમજ.
અધ્યયન નિષ્પત્તિઓઃ
ઘન પદાર્થમાં ઉષ્મા પ્રસરણ વિશેની સમજ મેળવે.
પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
પૂર્વ તૈયારીઃ
ઉષ્મા અને તાપમાન વિશેની સમજણ આપવી.
પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ 4.1, 4.2, 4.4 અને 4.5 અંતર્ગત આપેલ માહિતીની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો અને માહિતીને લગતી ક્રિયાત્મક મૌખિક કે લેખિત કસોટીની રચના કરો.
ત્રણેય ઋતુઓમાં આપણે અલગ-અલગ પોશાક શા માટે પહેરીએ છીએ ? તેની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરો.
ઘન પદાર્થમાં કોષમાં વહન સમજાવવા માટે જરૂરી સાધનસામગ્રી (લોખંડ કે એલ્યુમિનિયમની પાતળી પટ્ટી મીણબત્તી, બે ઇંટ, દીવાસળી) અગાઉથી એકઠી કરી રાખવી.
વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ
ઉષ્માનું પ્રસરણ ગરમ પદાર્થ પરથી ઠંડા પદાર્થ તરફ થાય છે.
ઘન પદાર્થ ઉષ્માવહનની રીતે ગરમ થાય છે.
વિષયવસ્તુની સમજ સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ
સૌપ્રથમ પ્રયોગમાં ઉપયોગમાં લેવાના સાધનોનું નિદર્શન કરાવો.
એલ્યુમિનિયમ કે લોખંડની પાતળી પટ્ટી લઇ તેના પર સમાન અંતરે મીણના ટીપાં (ટીપા એકસરખાં રહે તેનું ધ્યાન રાખવું) પાડો. (નોંધઃ એલ્યુમિનિયમ કે લોખંડની પટ્ટીઓ સળિયો વધુ જાડાઇ ન ધરાવતો હોય તેવો પસંદ કરવો જેથી યોગ્ય સરળતા રહે.)
મીણનાં ટપકાં એવી રીતે પાડવા અને ઠંડા થાય ત્યાં સુધી રાહ જોવી જેથી મીણનું ગઠન થાય અને ચોંટી જાય.
ત્યારબાદ આ પટ્ટીના એક છેડાને ઇંટ વચ્ચે ગોઠવો અને બીજા છેડાને મીણબત્તીની જ્યોત પર ગોઠવો.
વિદ્યાર્થીઓને શું થાય છે તેનું અવલોકન કરવાનું કહો.
નીચેના જેવા પ્રશ્નોની પ્રયોગ બાદ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો.
કયા છેડા તરફનું મીણનું ટીપું સૌપ્રથમ પીગળી ગયું ?
મીણનું કયું ટીપું સૌથી છેલ્લે પીગળ્યું ?
આવું શા કારણે થયું ?
ઘન પદાર્થમાં ઉષ્મા પ્રસરણ ક્રમશઃ એક છેડા તરફથી બીજા છેડા તરફ થાય છે.
ઘન પદાર્થમાં ઉષ્માવહનને એનીમેશન દ્વારા સમજાવો.
પદાર્થનો એક અણુ ગરમ થઇને ક્રમશઃ બાજુના અણુ સુધી ગરમી પહોંચાડે છે.
પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો
સાવચેતીનાં પગલાં
બે પદાર્થો એકબીજાના સંસર્ગમાં હોવા જરૂરી છે.
બે પદાર્થો વચ્ચે તાપમાનનો તફાવત હોવો જોઇએ.
પદાર્થને સતત ગરમી મળતી રહેવી જોઇએ.