ધોરણ-7 પાઠ્યપુસ્તક પ્રમાણે 2.3 2 – પ્રાણીઓમાં પોષણ
વિષય વસ્તુ
ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન
પ્રસ્તાવનાઃ
મનુષ્યોમાં પાચનક્રિયાની જરૂરિયાત જેટલી છે તેટલી જ જરૂરિયાત પ્રાણીઓમાં પણ છે. પરંતુ પ્રાણીઓમાં પાચનક્રિયામાં તફાવત હોય છે. એમાંય શાકાહારી અને માંસાહારી પ્રાણીઓમાં પણ પાચન ક્રિયામાં તફાવત હોય છે આપણે ખોરાકમાં ઘઉં, શાકભાજી, ફળો વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ જ્યારે શાકાહારી પ્રાણીઓ વનસ્પતિના પાંદડા, ઘાસ, મગફળીનો ખોળ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તમારા વર્ગના વિદ્યાર્થીઓએ તમને પ્રશ્ન કર્યો જ હશે કે ગાય ભેંસ જેવા પ્રાણીઓ ખોરાક લીધા પછી મોઢામાં શા માટે વાગેળે છે અહીં, આપણે આ બાબત વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ.
શીખવાનો હેતુઃ
હું શિક્ષક તરીકે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન કેવી રીતે થાય છે ? તેની સમજ કેવી રીતે આપીશ ?
અધ્યયન નિષ્પત્તિ:
જુદા-જુદા સજીવોમાં પાચનક્રિયા સમજે છે.
પૂર્વ તૈયારીઃ
માનવશરીરમાં પાચન ક્રિયામાં જોડાયેલા અંગોનું નિદર્શન મોડેલ કે ચાર્ટની મદદથી કરાવી દરેક અંગ પાચનની ક્રિયા કેવી રીતે કરે છે તેની સમજણ આપવી તથા દરેક અંગનું કાર્ય સમજાવવુ.
આ પ્રાણીઓ (ગાય-ભેંસ) ને કોઇ વિશિષ્ટ પ્રકારનો કેટલો અને કેવા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે તેમજ પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકનો નમુનો બતાવો.
દાખલા તરીકે ભેંસને આશરે કેટલો અને કેવા પ્રકારનો ચારો આપવામાં આવે છે.
ભેંસ/ગાયના પાચનતંત્રનો ચાર્ટ મેળવીને રાખો. (દરેક અંગની સમજ મળી શકે તેવો ચાર્ટ)
વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ
ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ઘાસ કે અન્ય ખોરાક ગળી જાય છે અને આમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે છે. અહીં ખોરાક અર્ધ અપાચિત હોય છે જેને વાગોળ કહે છે.
ત્યારબાદ વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોમા પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે.
વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ
વર્ગમાં પ્રશ્નોત્તરી કરવી.
શું તમે ગાય-ભેંસ જેવા પ્રાણીઓને ઘાસ-ચારો ખાતા જોયા છે ?
ખોરાક ખાઇ લીધા પછી ગાય કે ભેંસ ખાધેલો ખોરાક મોંમા પાછો લાવી ચાવે છે તે તમે જોયુ છે આ ક્રિયાને વાગોળવું કહે છે.
ગાય-ભેંસ જેવા પ્રાણીઓમાં વાગોળવાની ક્રિયા શા માટે થાય છે તેની વર્ગખંડમાં ચર્ચા કરે.
પોતાના ગામમાં કયા કયા અને કેટલા પ્રકારના પ્રાણીઓને રાખવામાં આવે છે તેની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરો અને બોર્ડ પર નોંધ કરો.
વર્ગમાં પાંચથી છ જૂથમાં વહેંચી ને દરેક જૂથને કોઇ એક ફળિયા કે મહોલ્લામાંથી જે વ્યક્તિ પાસે ઢોર-ઢાંખર છે તેમની પાસેથી વિગતો મેળવવા કહો.
તેઓ કયા કયા પ્રાણીઓ રાખે છે ?
ગામમાં કુલ કેટલા પ્રાણીઓ છે ?
દરેક પ્રાણીઓને કયા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે ?
બાળકોને પૂછો કે બોર્ડ પર લખેલા પ્રાણીઓ કયા પ્રકારનો ખોરાક ખાય છે અને તમે એમને શું ખાતા જોયા છે ?
ચાલો આપણે ગાયને કયા કયા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે તે જાણીએ જેમકે, લીલું ઘાસ, સૂકું ખડ વગેરે.
આકૃતિ 2.9 નું ચિત્ર બ્લેકબોર્ડ પર દોરીને અથવા તેનો ચાર્ટ બનાવીને તેના દરેક ભાગની ઓળખ કરાવો.
પાચનતંત્રના દરેક ભાગના કાર્યની સમજ આપો.
મોઢામાં રહેલા દાંત અને જીભ – ખોરાકને ચાવવા તથા ટુકડા કરવા.
અન્નનળી – ખોરાકને જઠર સુધી પહોંચાડે છે.
આમાશય (રુમેન) – જઠરનો એક ભાગ છે જેમાં મોં દ્વારા લેવાયેલા ખોરાકનું ફક્ત સંગ્રહ થાય છે.
નાનું આંતરડું – ખોરાકનું પાચન થાય છે.
અંધ્રાંત – ઘાસ અને વનસ્પતિમાં રહેલા સેલ્યુલોઝનું પાચન થાય છે.
મોટું આંતરડું – પાણીનું શોષણ થાય છે.
કોઇ એક ગામવાસી જે પશુ રાખે છે તેમને બોલાવીને ચર્ચા કરો કે, કયા પ્રકારનો ખોરાક ખાવાથી પ્રાણીઓને શું ફાયદો થાય છે જેમકે પાપડી, ખાણ, કપાસીયા, લીલુ ઘાસ, ખોળ જેવા ખોરાકથી દૂધ વધારે આપે છે.
જેમ કે, લીલું ઘાસ, કપાસિયા અને ખોળ જેવા ખોરાકથી દૂધ વધારે આપે છે ?
વિદ્યાર્થીઓને જંગલમાં રહેતા કયા કયા તૃણાહારી પ્રાણીઓ છે તેની યાદી બનાવો શક્ય હોય તો તે માટેનો વીડિયો બતાવી શકાય ?
પશુચિકિત્સક અથવા ગ્રામજન કે જેની પાસે ઢોર હોય તેની સાથે પણ ચર્ચા ગોઠવો અને ખોરાકના નમુના વિશે માહિતી મેળવો ?
પ્રાણીઓને ખોરાકમાં શું શું આપો છો ?
કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપો છો ?
પ્રાણીઓને આપવામાં આવતો ખોરાક/ખડનો સંગ્રહ કેવી રીતે અને ક્યાં કરો છો ?
પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખો છો ?
ગામની અંદર ઘાસને બારીક કરવાનું મશીનનું નિદર્શન કરાવવુ અને તેના ઉપયોગ વિશે ચર્ચા કરો
પશુઓનું પાચનતંત્ર બગડે નહી તે માટે શું કરવું જોઇએ તેની ચર્ચાઓ વિદ્યાર્થીઓ સાથે કરો.
પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો
વર્ગમાં 5 થી 6 જૂથમાં વહેંચીને દરેક જૂથને કોઇ એક ફળિયા કે મહોલ્લામાંથી જે વ્યક્તિ પાસે ઢોર-ઢાંખર છે તેમની પાસેથી નીચેની વિગતો મેળવવા કહો.
તેઓના પ્રાણીઓને પાણી પીવડાવવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે ? તથા દરેક પ્રાણી કેટલું પાણી પીવે છે ? લીટરમાં જણાવો.
ગ્રામ્ય કક્ષાએ પશુઓને પાણી પીવા માટે શું વ્યવસ્થા છે ?
પ્રાણીઓને રાખવાની જગ્યા શું સ્વચ્છ રાખવામાં આવે છે ? અને તેના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે ?
(તમે તમારી સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વધુ પ્રશ્નો ઉમેરી શકો છો.)