ANEMIA FULL DETAIL | VITAMIN C - FOLIC ACID | પાંડુરોગ એનીમિયા રોગ વિશે



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

લોહતત્વની કમીથી થતો એનિમિયા

ANEMIA:

A condition in which the blood doesn't have enough healthy red blood cells.

Anaemia results from a lack of red blood cells or dysfunctional red blood cells in the body. This leads to reduced oxygen flow to the body's organs.

ANEMIA SYMPTOMS AND CARE DETAIL

એક અત્યન્ત કોમન પણ ગંભીર રોગ:

(મહિલાઓ ખાસ આ અંગે જાણે, પુત્રીને ચાહતાં માતા-પિતા અને પત્નીને ચાહતા પતિ પણ વાંચે.

લેખ લાંબો છે, સ્ટેપ બાય સ્ટેપ, ધીમે ધીમે સમજતા જઈ અને અંદર ઉતરો.)

આજે એનિમિયા નામના રોગ વિષે વાત કરવી છે, જેને પાંડુરોગ પણ કહે છે. એ એટલો બધો કોમન છે કે જેની કલ્પના પણ ન થઈ શકે. સ્ત્રીઓમાં તો એ ખાસ કોમન છે અને બીજી વાત એ કે આ રોગ એટલું બધું નુકસાન પહોંચાડે છે કે જેની કલ્પના પણ ન થઈ શકે અને ત્રીજી વાત એ કે એને મટાડવો કે અટકાવવો એટલો સરળ છે કે એની પણ કલ્પના ન થઈ શકે ! આ રોગ આજની તારીખમાં મારાં કે તમારાં ઘરમાં પણ કોઈને હોઈ શકે છે !

આ કારણોથી આ રોગ શું છે એ સમજવા પ્રયત્ન કરવો જ રહ્યો, જે ખૂબ રસપ્રદ છે અને આવશ્યક પણ.

આપણે જાણીએ છીએ કે જીવતા રહેવા માટે અને પોતાનું કામ સારી રીતે કરતા રહેવા માટે શરીરના એકે એક કોષને ઓક્સિજન જોઈએ છીએ.

ખોરાક અને પાણી વગર આપણે થોડો વખત જીવી શકીએ પણ ઓક્સિજન વગર ? એક મિનિટ પણ નહીં. આપણે એ પણ જાણીએ છીએ કે આ માટે આપણી શ્વસનક્રિયા સતત ચાલતી રહે છે. આપણે ઊંઘમાં ખોરાક કે પાણી નથી લેતા પણ શ્વાસ તો લીધા જ કરવો પડે છે.

આ પણ વાંચો: વિવિધ આરોગયલક્ષી કાળજી રાખવાની રીતો વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

હવે આ કોષો ઓક્સિજનનું કરે છે શું ?

જવાબ છે કે એ ઓક્સિજનની હાજરીમાં કોષો પોતાની અંદર ગ્લુકોઝનું દહન કરી અને ઉષ્મા ઉત્પન્ન કરે છે અને આ ઉષ્મા શક્તિ એ જ જીવન છે. ઓક્સિજન વગર કોઈ પણ દહન શક્ય નથી. એક રીતે જૂઓ તો કોષો એ નાની નાની ફેકટરીઓ છે અને એમાં ભઠ્ઠી સતત બળતી રહે છે અને તે માટે ઓક્સિજનની સતત જરૂર રહે છે. ઉત્પન્ન થતી શક્તિ જ કોષને જીવતો રાખે છે, એટલું જ નહીં પણ કોષ વિભિન્ન પ્રકારનાં પોતાનાં સ્પેસિફિક કાર્યો પણ કરી શકે છે.

તો આ રીતે શ્વાસમાં ઓક્સિજન લેવાય છે, કોષ એનો ઉપયોગ કરીને શક્તિ ઉત્પન્ન કરે છે એ તો સમજ્યા પણ આ ઓક્સિજનને શરીરના અબજો કોષો સુધી પહોંચાડવાની કપરી કામગીરી થાય છે કઈ રીતે ? કોણ છે એ અત્યન્ત કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ ? 

એ ટ્રાન્સપોર્ટ છે લોહી-બ્લડ. 

આવો, આપણે થોડાં ઊંડાણથી સમજીએ કે બ્લડ આ અદભૂત કાર્ય કઈ રીતે કરે છે. બ્લડને હૃદય દ્વારા પમ્પ કરવામાં આવે છે અને ધમનીઓમાં (આર્ટરીઝ) એ આગળ વધે છે અને ખૂબ ઝીણી, વાળ કરતાં પણ પાતળી કેશવાહીનીઓ (કેપિલરીઝ) માં વહેંચાઈ જાય છે અને આ કેપિલરીઝનું નેટવર્ક આપણાં શરીરના તમામ કોષોની વચ્ચેની સ્પેઈસમાં ફરી વળે છે. શહેરના મુખ્ય અને મોટા પાણીના ટાંકામાંથી ખૂબ નાની પાઈપલાઈનોથી પાણી આપણે ઘરે પહોંચે એના જેવું જ આ છે. 

હવે આગળ વધીએ. આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ એ હવા ફેફસાંમાં જાય છે અને ત્યાં આવેલાં કેપિલરીઝનાં જાળાંઓ આપણે લીધેલી હવામાંનો ઓક્સિજન લઈ લે છે. હવે એ કેવી રીતે એ લઈ લે છે અને કેવી રીતે એને ટ્રાન્સપોર્ટ કરે છે એ સમજવા હજી બે-ત્રણ પગથિયાં નીચે ઉતરીએ.

આ પણ વાંચો: સરકારી નોકરીઓની માહિતી | સરકારી યોજનાઓની માહિતી

બ્લડની અંદર ઘણું બધું આવેલું છે જે રીતે એક શહેરના રોડઝ પર અનેક જાતનાં વાહનો જોવા મળે એ રીતે. અહીં આપણે જેની વાત કરવાની છે એ છે લોહીમાં રહેલાં રક્તકણો, જેને રેડ બ્લડ સેલ્સ કહે છે. આ પણ એક જાતના કોષો જ છે પણ એમનામાં એક એવી ખૂબી છે કે જે શરીરના બીજા એક પણ જાતના કોષમાં નથી અને તે એ છે કે એનામાં કોષ કેન્દ્ર જ નથી ! બીજી રીતે જૂઓ તો આ રક્તકણો એ બેગ્ઝ જેવાં છે અને એમાં ભરેલું હોય છે હિમોગ્લોબિન. (હિમોગ્લોબિન શબ્દ યાદ આવે છે ? "બાય ધ હિમોગ્લોબીન ઓફ ધ હાયપોથેટીક પ્રેશર ઈન ધ કન્ટ્રી" જી હા, એન્થની ગોન્સાલવીસ, અમર અકબર એન્થની !!)

હિમોગ્લોબીન જ એ વસ્તુ છે જે આખાં શરીરના એકે એક કોષને ઓક્સિજન પહોંચાડે છે. આપણે જોયું તે રીતે બ્લડ જ્યારે ફેફસાંની કેશવાહીનીઓમાં પહોંચે છે ત્યારે રક્તકણોમાંનું હિમોગ્લોબિન ત્યાંની હવામાંથી ઓક્સિજન ખેંચી લે છે અને પોતે ઓક્સીહિમોગ્લોબીન બની જાય છે.

ત્યારબાદ આ ઓક્સીહિમોગ્લોબિન ધરાવતાં રક્તકણોની સવારી બ્લડ મારફતે ઉપડે છે આખાં શરીરમાં, જે કાર્ય હ્ર્દયનાં પંપીંગથી થાય છે. આર્ટરીઝમાં બ્લડ આગળ વધે છે અને કોષોની વચ્ચે જે જગ્યાઓ છે ત્યાં સુધી પહોંચીને  આર્ટરીઓ વાળથી પણ પાતળી કેપિલરીઝમાં ફેલાઈ જાય છે.

કોષોને એ ત્યાં ઓક્સિજન આપી દે છે. હવે આ જે હિમોગ્લોબીન છે તેને ખાલી હાથે પાછા ફરવાનું નથી ગમતું અને એટલે એ એક પંથ દો કાજ એ ન્યાયે એક બીજું અગત્યનું કામ કરે છે. એ હિમોગ્લોબીન કોષમાં દહનને અંતે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને પોતાની અંદર સમાવી લે છે અને કાર્બોક્સીહિમોગ્લોબીન બની જાય છે અને શીરાઓ એટલે કે વેઈન્સ દ્વારા બ્લડ પાછું ફેફસાં તરફ જાય છે અને ફેફસાંને આ બ્લડ એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ આપી દે છે જે બિનજરૂરી હોવાથી આપણે ઉચ્છવાસ દ્વારા એ બન્નેને બહાર ફેંકી દઈએ છીએ.

ફરી એ ખાલી થયેલું હિમોગ્લોબીન ઓક્સિજન લે છે અને સવારી પાછી ઉપડે છે કોષો તરફ. આ ચક્ર સતત ચાલ્યા જ કરે છે અને વાતાવરણનો ઓક્સિજન કોષો સુધી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ફેંકી દેવામાં આવે છે. આ રીતે બ્લડ એક એવો ટ્રાન્સપોર્ટ છે કે જે ઉપયોગી ચીજો કોષો સુધી પહોંચાડે તો છે પણ પાછું નકામા પદાર્થો લઈ અને ફેંકી દેવા માટેનું કામ પણ કરે છે. આ આખી ક્લોઝડ સર્કીટ છે.

એનેમિયા રોગના લક્ષણો અને સારવાર


હવે આપણે એનિમિયા પર આવી જઈએ. એનિમિયા અનેક પ્રકારના છે અને અનેક કારણોથી થાય છે પણ આપણે અહીં જોવાનો છે આયર્ન ડેફિશિયનસી એનિમિયા એટલે કે લોહતત્વની ઉણપથી થતો એનિમિયા, જે સૌથી કોમન છે અને મોટે ભાગે કુપોષણને કારણે થાય છે. અહીં એ જાણવું જરૂરી છે કે આયર્ન ઉપરાંત વિટામિન બી-૧૨ અને વિટામિન સી ની ઉણપ પણ એનિમિયામાં ભાગ ભજવે છે અને ફોલીક એસિડ નામનું વિટામિન પણ જરૂરી છે.

હિમોગ્લોબીન શબ્દ બે શબ્દોથી બનેલો છે,

હેમ અને ગ્લોબીન. હેમ એટલે આયર્ન અને ગ્લોબીન એ એક પ્રકારનું પ્રોટીન છે. એટલું જ સમજવાનું છે કે જો હિમોગ્લોબીન ઘટી જાય તો એ સ્થિતિને એનિમિયા કહેવાય છે.

આપણે હેમ એટલે કે આયર્ન એટલે કે લોહતત્વની ઉણપથી થતા એનિમિયાની વાત કરી રહ્યા છીએ. સીધી વાત છે કે ખોરાકમાં જો આયર્ન ઘટી જાય તો એનિમિયા થાય. આ ઉપરાંત અન્ય કારણોથી પણ આ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થઈ શકે છે, જેમ કે વધારે પડતો માસિક સ્રાવ આવવો, શરીરમાંથી બ્લડ જતું રહેવું જેમ કે પાઈલ્સ (હરસ), પેટનું અલ્સર, કોઈ મોટી ઈજા થવી વગેરે.

કૃમિઓ-વર્મ્સ એ પણ આપણા દેશમાં આ એનિમિયાનું મહત્વનું કારણ છે, ખાસ કરીને નાનાં બાળકોમાં. આ કૃમિઓ લોહી ચૂસી જાય છે. ડીલીવરી વખતે વધુ બ્લડ જવાથી પણ એનિમિયા થઈ શકે છે અને માતા નબળી હોય અને એનાં પેટમાં રહેલું બાળક માતાનું આયર્ન ખેંચી લે તો પણ થાય છે. કેન્સરના કોષો પણ અસાધારણ ઝડપથી પોષણ ખાઈ જઈ અને એનિમિયા કરતા હોય છે. સદનસીબે માનવ શરીરમાં વધારાનું આયર્ન સ્ટોર થઈને પડ્યું હોય છે એ આવે વખતે કામ આવે છે અને બહુ જલ્દી એનિમિયા નથી થઈ જતો.

મને લાગે છે કે હવે એ સમજાવવું નહીં પડે કે હિમોગ્લોબીન ઓછું થઈ જાય તો શરીરની શું હાલત થાય, અરે એ કહો કે શું હાલત ન થાય ! શરીરના એકે એક કોષને ઓક્સિજનની કમી નડવા લાગે, આખાં શરીરનો કાર્યભાર ઠપ્પ થવા લાગે, હિમોગ્લોબીન વધારે પડતું  નીચે જાય તો મૃત્યુ પણ થઈ શકે.

તંદુરસ્ત પુરુષમાં હિમોગ્લોબીન 13.2 થી 16.6 અને તંદુરસ્ત સ્ત્રીમાં એ 11.6થી 15 ગ્રામ્સ પર ડેસીલીટર હોવું જોઈએ. આનાથી જેમ નીચું જાય તેમ વધુ ગંભીર એનિમિયા. (સરદાર પટેલ 'લોહ પુરુષ' કહેવાતા, એમનું હિમોગ્લોબીન કેટલું રહેતું હશે તે જાણવું જોઈએ !)  

આ હિમોગ્લોબીનની લેબોરેટરી તપાસ ખૂબ સરળ અને સસ્તી હોય છે અને બધી જ પેથોલોજી લેબોરેટરીઓમાં થાય છે. ધારે તો માત્ર પાંચ જ મિનિટમાં એનું રિઝલ્ટ આપી દઈ શકે. તરત જ ખબર પડી જાય કે વ્યક્તિ એનિમિક છે કે નહીં અને કેટલો એનિમિક છે એટલે કે હિમોગ્લોબીનનું પ્રમાણ કેટલું છે.

એનિમિયા શું છે એ સમજ્યા પછી હવે આપણે એનિમિયાનાં લક્ષણો જોઈએ.

* ખૂબ જ થાક લાગવો

* નબળાઈ

* ચામડી ફીક્કી પડી જવી

* છાતીમાં દુઃખાવો

* હૃદયનું ઝડપથી ચાલવું

* શ્વાસ લેવામાં તકલીફ અને હાંફ ચડી જવી

* માથું દુઃખવું

* અંધારાં આવી જવાં

* માથું ફરતું હોય તેમ લાગવું 

* હાથ અને પગ ઠંડાં લાગવાં

* નખ બરડ થઈ જવા, તેમાં ખાડા પડી જવા.

* પોષણ ન આપતા પદાર્થો ખાવાની તીવ્ર ઝંખના થવી જેવા કે બરફ, ધૂળ કે સ્ટાર્ચ

* સાવ નાનાં અને નાનાં બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી

ડૉક્ટરને જ્યારે એનિમિયા હોવાની શંકા જાય છે ત્યારે તરત એ પેશન્ટની હથેળી, જીભ અને આંખનાં પોપચાંની અંદર જૂએ છે. આ ત્રણે એનિમિયામાં ફીક્કા પડી જાય છે. જેમ હિમોગ્લોબીન ઓછું તેમ આ ફીકાશ વધારે. શંકા પડે કે તરત એ હિમોગ્લોબીનનું લેવલ ચેક કરાવવાનું કહે છે.

થોડો થાક લાગ્યા કરવો, થોડી નબળાઈ લાગવી અને કામમાં મન બરાબર ન લાગવું એ શરૂઆતનાં લક્ષણો છે.

ઉપરનાં લક્ષણો વ્યક્તિમાં જે પ્રમાણે હિમોગ્લોબીનની કમી હોય એ પ્રમાણેની તીવ્રતા ધરાવતાં હોય છે. થોડો એનિમિયા હોય તો વ્યક્તિને થોડી નબળાઈ લાગે અને કામ કરવાની મજા ન આવે એટલું જ થાય અને એનિમિયા જો વધારે હોય તો માણસ પથારીવશ પણ થઈ જાય.

સ્પષ્ટ છે કે એનિમિયા ન થાય એ માટે જેમાંથી આયર્ન મળી રહે એવો ખોરાક ખાવો જોઈએ, જેમ કે;

* ઘેરા લીલા રંગનાં પાંદડાંવાળાં શાકભાજી, જેમ કે પાલક.

* કઠોળ જેમ કે વટાણા

* ડ્રાય ફ્રૂટ્સ જેમ કે જરદાળુ

* આયર્ન ઉમેરેલું હોય એવાં અનાજ, બ્રેડ વગેરે.

* લાલ માંસ, પોલટ્રી

આ ઉપરાંત પણ ઘણી વસ્તુઓમાંથી આયર્ન મળે છે.

એવું પણ કહેવાય છે કે પહેલાં લોખંડનાં વાસણમાં બનતી રસોઈમાંથી ઘણું આયર્ન મળી જતું. એક વસ્તુ ખાસ નોંધપાત્ર છે, જે ભોજનની સાથે આપણે ચા-કોફી લઈએ છીએ તે ભોજનમાંથી આપણને આયર્ન મળવાની શક્યતા ઘટી જાય છે અને તેથી ખાવા સાથે ચા ન પીવી હિતાવહ છે. બીજું કે વિટામિન સી આયર્નનું શોષણ વધારે છે તેથી એ લેવું હિતાવહ છે. આમળાં એક એવી વસ્તુ છે કે જેને સૂકવી નાખવામાં આવે તો પણ તેમાંથી વિટામિન સી મળી રહે છે આથી આમળાંનો મુખવાસ લઈ શકાય.

આયર્ન ડેફિશિયન્સી એનિમિયાનું નિદાન થાય એટલે ડોકટર આયર્ન અને અન્ય વિટામિન્સ જેમાં હોય તેવી ગોળીઓ, કેપશ્યુલો કે સીરપો લખી આપે જે ઘણા મહિનાઓ સુધી લેવાનાં રહે. આ ઉપરાંત પોષક અને પ્રોટીનયુક્ત આહાર લેવાનું પણ સમજાવે અને આયર્ન જેમાં વધારે હોય એવો ખોરાક પણ લેવાનું કહે. વખતોવખત હિમોગ્લોબીનનું લેવલ ચેક કરતા રહેવાનું હોય છે જેથી તેમાં કેટલો વધારો થયો તેનો ખ્યાલ આવે. હિમોગ્લોબીન નોર્મલ થઈ ગયા પછી પણ લાંબો સમય દવા ચાલુ રાખવાની હોય છે કારણ કે હેતુ માત્ર બ્લડમાં હિમોગ્લોબીન વધારવાનો જ નથી હોતો પણ આયર્નના સ્ટોર ખાલી થઈ ગયા હોય છે એને પણ પાછા ભરવાના હોય છે. આ ઉપરાંત હિમોગ્લોબીનની પૂર્તિ થાય તથા પાછો એનો લોસ ન થાય તે માટે એનિમિયા થવાનાં કારણો પણ શોધી અને તેને દૂર કરવાનાં રહે છે, જેમ કે વધુ પડતા માસિક સ્રાવની ટ્રીટમેન્ટ, પાઈલ્સ કે અલ્સરમાં બ્લડ જતું હોય તો એની ટ્રીટમેન્ટ અને કૃમિ હોય તો એનો નાશ કરનારી ટ્રીટમેન્ટ. સગર્ભાવસ્થાના ત્રણ મહિના પૂરા થાય એટલે તરત જ આયર્ન અને ફોલીક એસીડની ગોળીઓ ચાલુ કરવાની હોય છે.

ઉપરોક્ત બાબતો જાણવી અને સમજવી અત્યન્ત જરૂરી છે. જો એનિમિયા ખૂબ તીવ્ર થઈ ગયો હોય અને હિમોગ્લોબિન અત્યન્ત ઓછું થઈ ગયું હોય તો એવા પેશન્ટને બચાવવા તથા જલ્દી સાજો કરવા એને બ્લડની બોટલ્સ ચડાવવી પડે એવું પણ બને છે.

તો આપે જોયું હશે કે પહેલી નજરે ખૂબ સામાન્ય લાગતો આ રોગ કેટલો ભયાનક પૂરવાર થઈ શકે છે તો એ અતિ આવશ્યક છે કે ઉપરોક્ત હકીકતોને બરાબર સમજી લેવી, આ રોગ પ્રત્યે જાગૃત રહેવું અને તદનુસાર ઉપાયો કરવા. વરસમાં એકાદવાર હિમોગ્લોબીન કરાવી લેવું ઇચ્છનીય છે.

આ રોગ અંગે મહિલાઓ અને બાળકોમાં સખત જાગૃતિ લાવવાની આવશ્યકતા છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં સગર્ભા મરણ અને બાળ મરણનું પ્રમાણ જો એકદમ ઘટાડવું હોય તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયાને સમજી લઈ અને એને અટકાવવો જ રહ્યો. હેલ્થ વર્કર્સ, આશાઓ અને આંગણવાડી કાર્યકરો આ દિશામાં નોંધપાત્ર ફાળો આપે છે. કિશોરીઓ માટે પણ આયર્ન સપ્લીમેન્ટ ખૂબ જરૂરી છે જેનાથી તેઓમાં માસિક દરમ્યાન જતાં રક્તની પૂર્તિ થાય અને બીજું કે તેઓ જ્યારે માતા બનવાની સ્થિતિમાં આવે ત્યારે એનેમિક ન હોય.

લેખ ઘણો લાંબો છે એ બદલ ક્ષમા ચાહું છું પણ મને લાગે છે કે ઘણું ખરું અહીં વર્ણવી દીધું છે.

વાતાવરણ- ઓક્સિજન - ફેફસાં-

ઓક્સીહેમોગ્લોબિન - કોષો - કાર્બનડાયોક્સાઇડ - કાર્બોક્સીહિમોગ્લોબીન - ફેફસાં - કાર્બન ડાયોક્સાઇડ - વાતાવરણ આ ચક્ર ટૂંકમાં યાદ રાખી શકાય.

આ લેખ મહત્વનો છે એ નીચેનાં ફીગર્સ જોવાથી વધુ સમજાશે.

ભારત અને ગુજરાતની કંપેરિઝન છે.

(૧) પાંચ વર્ષથી નાનાં બાળકોમાં એનિમિયા

ભારત: 67% ગુજરાત:80%

(૨) કિશોરીઓ

ભારત:59% ગુજરાત:69%

(૩) મહિલાઓ:

ભારત: 57% ગુજરાત:69%


- ડૉ પ્રણવ વૈદ્ય

Subscribe to receive free email updates: