બિલી (બિલીપત્રના ઉપયોગ) ના ઔષધિય ગુણ અને ફાયદા



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

🍈બીલી: ઔષધિય ગુણધર્મો અને ઉપયોગો🍈🍈🍈

BENEFITS OF BILI (BILIPATRA LEAVES) TREE


બીલી વૃક્ષ અન્ય વૃક્ષની તુલનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. તેમજ રાસાયણિક પ્રદૂષકો માટે ફિલ્ટર તરીકે પણ કામ કરે છે. બીલી એક ચમત્કારીક વૃક્ષ છે , કારણ કે વૃક્ષના દરેક ભાગ જેવા કે ફળો (કાચા અને પાકા બંને), પાંદડા, ફૂલ, બીજ, છાલ વગેરેમાં ફાયદાકારક પોષકતત્વો તથા બાયોએક્ટિવ સંયોજનો રહેલા છે. બીલી પોષકતત્વોથી ભરપૂર છે. 

બીલીનું ઉદ્દભવસ્થાન એશિયા છે, જેમાં મુખ્યત્વે ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, થાઇલેન્ડ, વિયેતનામ અને કંબોડિયાનો સમાવેશ થાય છે. ભારતમાં ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન વગેરેમાં બીલીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ વૃક્ષ બાગ બગીચાઓ, મંદિરના બગીચા, રસ્તાની બાજુ પર અને ઘરના વાડામાં ઉગાડવામાં આવે છે.

તાજેતરમાં, રાજય કૃષિ યુનિવર્સિટીઓ તેમજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા બીલીની કેટલીક જાતો વિકસાવવામાં આવેલ છે. જેમાં પંત શિવાની, પંત અપર્ણા, પંત ઉર્વશી, પંત સુજાતા, નરેન્દ્ર બીલી 5, નરેન્દ્ર બીલી - 9, સી.આઈ.એસ.એચ. - બી - 1, સી.આઈ.એસ.એચ. - બી - 2 વગેરેનો સમાવેશ થાય છે. 

• બીલીના ગુણો : 

બીલીના પાન, ફળ, છાલ તેમજ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કલોઇડઝ, કુમેરીન, સ્ટીરોઇડ, થાયામીન, રીબોફલેવીન તથા વિટામીનો પણ સારા પ્રમાણમાં રહેલા છે.

૦ બીલી ફળ :  

બીલી ફળ અંડાકાર અથવા ગોળાકાર આકારનું  હોય છે અને તેનું કદ (વ્યાસ)  5 થી 25 સે.મી. જેટલું હોય છે. ફળમાં સખત, લાકડા જેવો બાહ્ય ભાગ હોય છે અને અંદર એક મીઠો, ઘટ્ટ અને સુગંધિત માવો (પલ્પ) હોય છે. માવાનો રંગ તેજસ્વી નારંગી જેવો પીળો હોય છે, જે કુદરતી એન્ટિઓકિસડન્ટ અને બાયોએક્ટિવ સંયોજનોનો પ્રાકૃતિક સ્ત્રોત માનવામાં આવે છે.

> બિલી ફળના લાભો : 

હૃદય અને મગજ માટે ઔષધિ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.

• બીલીના ફળો પાચન ક્રિયાને પ્રોત્સાહન આપે છે તેમજ આંતરડાના ચેપમાં લાભદાયી છે.

• મરડો, અતિસાર, અલ્સર અને પાઇલ્સમાં દવા તરીકે પણ ઉપયોગી છે.

• કોલેસ્ટેરોલ અને મધુપ્રમેહને નિયંત્રણમાં રાખે છે.

• વિવિધ બીમારીઓ જેવી કે તાવ, વાઈ, કેન્સર, લોહીનું શુદ્ધિકરણ, કોલેરા, પાંડુરોગ તથા અસ્થમાં જેવી શ્વસન સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયી છે.

• ત્વચા રોગમાં : ફળના પાઉડરનો ઉપયોગ દાઝવાથી થયેલ ઈજાને મટાડવા પણ થાય છે. 

બીલીમાંથી મૂલ્ય વર્ધિત બનાવટો જેવી કે જ્યુસ, બેવરેજ, કેન્ડી, જામ, પાઉડર, પંજરી વગેરે બનાવી શકાય છે. આ બનાવટમાંથી જ્યુસ અને કેન્ડી બજારમાં ઉપલબ્ધ છે. બીલીમાંથી મેળવેલા ઉત્પાદનો ખૂબ પૌષ્ટિક તેમજ તંદુરસ્ત છે. 

૦ બીલીપત્ર : 

બીલીપત્ર સુગંધિત, ત્રણ પાંદડાનું ઝૂમખું હોય છે, જે શંકર ભગવાનના પુજનમાં ચડાવવામાં આવે છે.

> બીલીપત્ર (પાનનો અર્ક) ના લાભો : 

• આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંજવામાં આવે છે. 

• દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીના પાન વપરાય છે. 

• અલ્સરમાં પાંદડાઓનો અર્ક વપરાય છે વિવિધ બીમારીઓ જેવી કે મધુપ્રમેહને નિયંત્રણમાં રાખવા, પીઠનો દુઃખાવામાં રાહત, ઉલટી, હૃદયની નબળાઇ, શ્વાસનળીનો સોજો, અતિસાર, જલોદર, વિટામિન બી 1 ની ઊણપથી થતો રોગ (બેરીબેરી) વગેરેમાં ઉપયોગી છે. 

• શરીરની ઈજા જેમ કે કપાયેલ ભાગ તથા પ્રાણીઓ દ્વારા થતી ઇજાઓમાં પાનનો અર્ક રૂઝ લાવવામાં ઉપયોગી છે. 

• બીલીના પાનનો તાજો રસ રેચક છે. 

• બીલીપત્રમાંથી નીકળેલું તેલ શરદી અને ખાંસીથી રક્ષણ આપે છે અને વાળ માટે ટોનિક તરીકે ખૂબ જ ઉપયોગી છે. 

• બીલીપત્ર પશુચિકિત્સામાં ઘા અને ઘાસચારા માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. 

૦ બીલીના વૃક્ષની છાલ : 

છાલ નિસ્તેજ બદામી અથવા ભૂખરા રંગની, સરળ, લાંબી સીધી કરોડરજ્જુથી સજ્જ હોય છે.

> બીલીના વૃક્ષની છાલના (છાલનો અર્ક) લાભો :

• મૂળની છાલની અલ્કોહોલિક અર્ક હાઈપોગ્લાયકેમિઆ (લો બ્લડ શુગર) માં લાભદાયી છે.

• અર્ક શરીરના વિવિધ રોગો (તાવ, સંધિવા, હૃદયના વિકારો, ગેસ્ટ્રિક મુશ્કેલીઓ વગેરે ) મટાડવામાં ઉપયોગી છે. 

• હૃદયના ધબકારા અને મેલાકોલિયા (ઉદાસીની લાગણી) ના ઉપાયમાં વપરાય છે. 

• કુતરાના કરડવાથી થતા વિકારોમાં પણ ફાયદાકારક છે. 

ઘણીવાર કાપેલા ભાગોમાંથી પાતળો સત્વ (ગુંદર) નીકળે છે. છાલનો ગુંદર જે કપાયેલ શાખાઓમાંથી મળે છે અને લાંબા સેરમાં લટકે છે, ધીમે ધીમે નક્કર બને છે. જેનો ઉપયોગ અલ્સર અને મરડામાં થાય છે. 

બિલીપત્રના ઝાડના પાંદડા થડનો ઔષધિય ગુણ અને ઉપયોગઉપયોગ


૦ બીલીના ફૂલો : 

ફૂલ મોટા ભાગે પાંચ પાંખડીવાળા મીઠી સુગંધ ધરાવતા અને સફેદ રંગના હોય છે. 

> બીલીના ફૂલો (ફૂલોનો અર્ક) ના લાભો : 

• ફૂલોની નિસ્યંદન પ્રક્રિયાથી મળતું અર્ક પેટના રોગોમાં, મરડો, મધુપ્રમેહ, ડાયફોરેટિક (ખૂબ પરસેવો થવો) વગેરેમાં ઉપયોગી છે. 

• ફૂલોનો અર્ક સ્થાનિક એનેસ્થેટિક તરીકે પણ વપરાય છે.

• વાઈના ઇલાજ તથા ઉધરસમાં અર્ક ઘણો લાભદાયી છે. 

૦ બીલી ફળના બીજ : 

ખૂબ જ કઠણ, પાતળા, પારદર્શક ચીકણા ગૂંદરથી ઘેરાયેલા હોય છે, જે સૂકાઈ જાય ત્યારે સખત બને છે. બીજ તેલ બાહ્ય જગ્યા પર જીવાણુનાશક અને ફૂગનાશક ગુણ ધરાવે છે.


બીલીનો ઉપયોગ હજી પણ માત્ર મર્યાદિત ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યો છે અને મૂલ્યવર્ધિત બનાવટોની બાબતમાં તેના વ્યાપારીકરણ માટે વધારે ભાર આપવાની જરૂરિયાત છે. બીલીના 'વૃક્ષના વિવિધ હેતુઓ માટે વ્યાપક સંભાવના પર ધ્યાન આપતા, આ વૃક્ષને મોટા પાયે ખાસ કરીને બિનઉત્પાદક અને ઓછી ફળદ્રુપ જમીન પર ઉગાડવું યોગ્ય છે. કેમ કે તે પ્રતિકૂળ કૃષિ - આબોહવાની પરિસ્થિતિમાં પણ વિકાસ કરી શકે છે, જેથી કરીને આવી જમીનનો ઉપયોગ થઈ શકે અને તેનો ઉપયોગ ઔષધિય ઘટકો તરીકે મોટા પાયે થઈ શકે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને તેનો પ્રચાર અને પ્રસાર કરવાની ખાસ જરૂરિયાત છે. જેનાથી ઔષધિય ઉત્પાદન કરતા એકમોને પણ પૂરતા પ્રમાણમાં ઉપલબદ્ધતા થઈ શકે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં મનુષ્યના જુદા જુદા રોગો માટે વ્યાપક પ્રમાણમાં થઈ શકે

Subscribe to receive free email updates: