ધોરણ-6 પાઠ્યપુસ્તક પ્રમાણે 7.5 7 – વનસ્પતિની જાણકારી મેળવીએ
વિષય વસ્તુ
પુષ્પ
પ્રસ્તાવનાઃ
વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં, ઘરની આસપાસ, બાગ-બગીચામાં, રસ્તાની આજુબાજુ કે અન્ય કોઇ જગ્યાએ વનસ્પતિ જોઇ જ હશે. આમાંની કેટલીક વનસ્પતિ વધુ ઉંચાઇ ધરાવતી હશે. દા.ત. લીમડો અને કેટલીક મધ્યમ ઉંચાઇવાળી હશે. દા.ત. ગુલાબ, કેટલીક તો વળી જમીનને અડકીને પથરાયેલી હશે. દા.ત. તડબૂચા વેલા. ઉપરાંત તેમના પર્ણના આકાર, ડાળીઓની ગોઠવણી, પુષ્પનો આકાર અને રંગમાં પણ વિવિધતા જોવા મળી હશે. ઘણી વનસ્પતિ એવી છે જેમને પુષ્પ જ હોતા નથી. આ વિવિધતા શા માટે જોવા મળી છે ? શું વનસ્પતિને પુષ્પ ના હોય તો ના ચાલે ? અહીં આપણે આ બધી બાબતો વિગતે સમજવાનો પ્રયાસ કરીએ.
શીખવાનો હેતુઃ
હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને છોડ, ક્ષુપ, વૃક્ષ, લતાઓ (સ્પ્રિંગ જેવા સુત્રાંગો ધરાવતી) વેલાઓનો પરિચય કેવી રીતે આપશો ?
હું વિદ્યાર્થીઓને પર્ણ, પ્રકાંડ અને મૂળ વિશે સમજ કેવી રીતે આપીશ ?
હું વિદ્યાર્થીઓને પુષ્પ, પુષ્પના વિવિધ ભાગો અને પુષ્પોની ઉપયોગીતા વિશેની સમજ કેવી રીતે આપીશ ?
અધ્યયન નિષ્પત્તિઓઃ
પદાર્થ અને સજીવને તેના દેખાવ, કાર્ય, સુવાર અને રચના જેવાં અવલોકન/અનુભવ કરી શકાય તેવા લક્ષણોના આધારે ઓળખે છે.
પ્રક્રિયા અને સજીવોની નામનિર્દેશવાળી આકૃતિ દોરે છે.
પૂર્વ તૈયારીઃ
આપણી આસપાસ વિસ્તારમાં તેમજ શાળામાં જોવા મળતી વનસ્પતિઓની માહિતી એકત્ર કરવી.
પાઠ્યપુસ્તકમાં આપેલ 7.1 અંતર્ગત આપેલ માહિતીના આધારે છોડ, ક્ષુપ, વૃક્ષ, લતાઓ, વેલાઓને વિદ્યાર્થીઓ ઓળખી શકે તે માટે તેમની સાથે જરૂરી ચર્ચા કરવી.
આ માહિતીને લગતી પ્રવૃત્તિ, વીડિઓ કે અન્ય ઉદાહરણો એકઠાં કરવા. ઉપરાંત ક્રિયાત્મક કે લેખિત મૂલ્યાંકનની રચના કરવી. જેથી શીખવાની મુખ્ય બાબત માટે વિદ્યાર્થીઓમાં જરૂરી માહિતી કેળવાશે.
વિદ્યાર્થીઓએ કદી ના જોયેલી વનસ્પતિના ચિત્રો કે માહિતીદર્શક વીડિઓ એકઠા કરવા.
પુષ્પની ખેતી કરતા ખેડૂતની અથવા માળીની દુકાનની ક્ષેત્રીય મુલાકાત કરાવવી.
મોટે ભાગે એવા પુષ્પોની પસંદગી કરવી જેમાં વજ્રચક્ર, દલચક્ર, સ્ત્રીકેસરચક્ર, પુંકેસરચક્ર વિદ્યાર્થીને સ્પષ્ટ બતાવી શકાય.
વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ
આપણી આસપાસ વિવિધ પ્રકારના પુષ્પો જોવા મળે છે. આ પુષ્પો વનસ્પતિના પ્રજનન અંગો છે જેના દ્વારા વનસ્પતિનો વંશ (પેઢી) આગળ વધે છે, પરંતુ પુષ્પોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ પુષ્પો રંગ, કદ તેમજ તેમાં રહેલા આંતરિક ભાગો (વજ્રચક્ર, દલચક્ર, સ્ત્રીકેસરચક્ર, પુંકેસરચક્ર) જુદા હોય છે.
કેટલીક વનસ્પતિ પુષ્પ ધરાવતી જ નથી તેમાં પુષ્પની જગ્યાએ વાનસ્પતિક પ્રજનન (ડાળી, પર્ણ કે બિજાણુંપર્ણ (બિજાણુંધાની) દ્વારા થાય છે. પુષ્પ દ્વારા પ્રજનન માટે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દા.ત. ગુલાબ.
વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ
ગુલાબના બે પુષ્પ લાવો. (આ સિવાય તમે જાસૂદ, ભીંડાના પુષ્પો લઇ શકો.)
વિદ્યાર્થીઓને તેમાં રહેલા વિવિધ ભાગો જેવાં કે વજ્રચક્રને પુષ્પથી અલગ કરી ત્યારબાદ ક્રમિક રીતે દલચક્ર અને પુંકેસરચક્ર, સ્ત્રીકેસરચક્રને પુષ્પથી અલગ કરી બતાવી વિદ્યાર્થીઓને તે ભાગોની ઓળખ આપો અને તેની સંખ્યાનું કોષ્ટક બનાવો.
પુષ્પના સૌથી નીચેના ભાગે આવેલ લીલા રંગના પાંદડા જેવી રચનાને વજ્રચક્ર કહે છે. તેઓ મોટે ભાગે જોડાયેલા કે છૂટા જોવા મળે છે. તેઓ પુષ્પનું કળી અવસ્થામાં હોય ત્યારે રક્ષણ કરે છે.
વજ્રચક્રના અંદરના ભાગે આવેલ રંગની પાંદડીઓને દલચક્ર કહે છે. તેઓ મોટેભાગે આકર્ષક રંગના જોવા મળે છે. તેઓ કીટકોને પોતાની તરફ આકર્ષે છે. મોટેભાગે દલપત્રો જોડાયેલા કે છૂટા જોવા મળે છે.
તેમાં રહેલા પુંકેસરોને અલગ કરી તે નર પ્રજનન અંગ છે, તેમાં આવેલા વિવિધ ભાગો (પરાગાશય, પરાગતંતુ) તેની સમજૂતી આપવી.
તેવી જ રીતે વચ્ચે રહેલા સ્ત્રીકેસરને અલગ કરી તે સ્ત્રી પ્રજનન અંગ છે. તેમાં આવેલા વિવિધ ભાગો (પરાગાસન, પરાગવાહિની, બીજાશય) ની પણ સમજૂતી આપવી.
પુષ્પના ગુણધર્મો (રંગ કે સુગંધ કે હોય છે ? તે કરમાય કે જાય છે ?.... વગેરે) ની સમજ આપવી.
વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસરચક્ર દૂર કરી સ્ત્રીકેસરના બીજાયશની ઓળખ કરાવો.
બીજાશયની આંતરિક રચના સમજવા માટે ખુલ્લા કરેલા સ્ત્રીકેસરનો ઉભો છેદ (L.S.) તથા બીજા પુષ્પનો આડો છેદ (T.S.) લઇ વિદ્યાર્થીઓને બિલોરી કાચ વડે અવલોકન કરાવો. અંડક (Ovary) બતાવો અને અંડાશય (OVULE) ની સમજ આપો. (વધુ સ્પષ્ટતા માટે ભીંડાનો ઉભો છેદ અને આડો છેદ લઇ બતાવો અને સ્પષ્ટ કરો કે શાકભાજી ગણાતો ભીંડો હકીકતમાં ભીંડાના છોડનું ફળ છે.)
વનસ્પતિશાસ્ત્રના તજજ્ઞ અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના તજજ્ઞ બોલાવી તેની સાથે પ્રશ્નોત્તરી કરી વિવિધ પુષ્પોનું નિદર્શન કરાવી પુષ્પના વિશે સંપૂર્ણ જાણકારી આપવી.
પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો
પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતીના આધારે પુષ્પના વિવિધ ભાગોની આકૃતિ દોરાવી નામનિદર્શન કરાવો.
વિભાગ-7 માં આપેલા વીડિઓ વિદ્યાર્થીને બતાવી તેને સંબંધિત પ્રશ્નોત્તરી કરો.
વિદ્યાર્થી જાતે જ પોતાની પસંદગીનું કોઇ પુષ્પ લાવી તેનું વજ્રચક્ર, દલચક્ર, સ્ત્રીકેસરચક્ર અને પુંકેસરચક્રના વિવિધ ભાગોનું નિદર્શન કરે.
બાળકોને એમના ગમતા ફૂલનું રંગીન ચિત્ર દોરવા કહો કોઇ એક પુષ્પના ભાગની વ્યાખ્યા કરે અને તે બધા ચિત્રો વર્ગમાં લગાવો/પ્રદર્શન કરો.
સાવચેતીના પગલાં
ઝેરી ફૂલોનો સમજુતી માટે ઉપયોગ કરવો નહીં.
ફૂલો તોડતી વખતે ધતૂરો, આંકડો જેવા ફૂલોને વર્ગમાં ઉપયોગમાં લેવા નહીં.