નવલિકા * “ગીધો રિક્ષાવાળો, ટીકડી ટી!!”



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

નવલિકા * “ગીધો રિક્ષાવાળો, ટીકડી ટી!!”

લેખક * મુકેશ સોજીત્રા

                                         તમે ચોકડીએ જાવ અને ગીધો જોવા ના મળે તો જ નવાઈ!! બીજાની રિક્ષાઓ પર તમને “જય વડવાળા” કે “જય મોમાઈ” લખેલું જોવા મળે પણ ગીધાની રિક્ષા પર આગળ પાછળ તમને “ટીકડી ટી” લખેલ જોવા મળે!! નવાઈ લાગીને, કારણ કે ગીધો એટલે ટીકડી ટી અને ટીકડી ટી એટલે ગીધો!! કારણ કે વાત વાતમાં ગીધો ટીકડી ટી તકિયા કલામ વાપરતો હતો.!! રિક્ષાને એ હમેશાં સજાવીને રાખતો, ચમકાવીને રાખતો!! ગીધો રિક્ષાને છ મહીને કલર કરાવી નાંખતો. ગીધો ભલે અપ ટુ ડેટ ના હોય પણ એની રિક્ષા હમેશાં અપ ટુ ડેટ જ હોય!! નવા નવા હોર્ન બહાર પડ્યા નથી કે ગીધાની રિક્ષામા લાગ્યાં નથી,આગળ ની સાઈડ બે અરીસા અને હેન્ડલ પર બે ફૂમતા લટકતા હોય. અને ગીધાની હાંકણી પણ એવી કે ગમે એવો રોડ હોય ગીધો રિક્ષાને હવામાં ઉડાડ્યે જાય!! એક વખત એ રિક્ષાને લઈને પેઈન્ટરને ત્યાં ગયો અને બોલ્યો!!

                   “ઉદા આ રિક્ષાને ફસ ક્લાસ કરી નાંખ એક દમ ટીકડી ટી લાગવી જોઈએ” અને ઉદાએ કલર કરીને આગળ અને પાછળ બે બોર્ડ પણ બનાવી દીધાં “ટીકડી ટી”!! બોર્ડ જોઇને ગીધો પણ ખુશ થઇ ગયેલો. ચોકડી પર રિક્ષાઓ તો ઘણી હતી,પણ જ્યાં સુધી ગીધાની રિક્ષા હોય ત્યાં સુધી બીજાની રિક્ષા લગભગ ખાલી જ હોય!! ગીધો ચાની લારીએ જાય અને બોલે!!

                    “એય બોસ એક સ્પેશ્યલ બનાવી દે “ટીકડી ટી” એવી બનાવી દે કે મોજુના ફુવારા છૂટે” અથવા પાનની કેબીને તમે એને બોલતાં સાંભળો.

                    “દરબાર એક ૧૩૮નો માવો બનાવો ઘાટો ચૂનો નાંખીને એકદમ ટીકડી ટી,!! અને બે  બે પડીકી વાળા પારસલ પણ એય ને એકદમ ટીકડી ટી!!!

                   આજુબાજુના ગામનાં કોઈ મહેમાન સુરતવાળી બસમાં ઉતર્યા હોય અને પછી એ ઉતરીને જેને ઘેર જવાનું હોય એને ફોન કરે.

                   “અમે ચાર રસ્તે ઉભા છીએ એક ગાંઠીયાની દુકાન પાસે હવે અમને ત્યાં આવવા માટે કયું વાહન મળે”??

                   “તમે એક કામ કરો રાજકોટ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે જાવ ત્યાં એક “ટીકડી ટી” લખેલી રિક્ષા હશે એ ગીધાની રિક્ષા છે એને કહો એટલે ઠેઠ મારી ઘરે મૂકી જાશે અને એ પણ વાજબી ભાડામાં” સામેથી જવાબ આવતો.

                                    ગીધો નાનકડા એવા ગામમાં રહેતો,!! આમતો એનું નામ ગીરીધર હતું.બહું લાડથી એની માએ આ નામ પાડ્યું હતું!! પણ એને બધાં ગીધો જ કહેતા!! સમયનું ચક્ર એવું ક્રુરતાથી ચાલ્યું કે ગીરીધર રિક્ષાધર થઇ ગયો !! ના આગળ ધરાળ ને ના પાછળ ઉલાળ ગીધારામ એકલાં જ હતાં!! એક ભાંગ્યું તૂટ્યું ખોરડું હતું એનું!! આમ તો એનું નજીકનું સગું કોઈ હતું નહિ સિવાય કે એક એની બહેન ચંપા અને એક આ ટીકડી ટી રિક્ષા!! સગા સંબંધી સહુ ધીમે ધીમે ગામ છોડીને બહાર જતાં રહેલા અને વધ્યો એક ગીધો!! એને ફાવી ગયું હતું એટલે એ ક્યાય ગયો નહિ!! ગીધાની ઉમર હશે અત્યારે  ૪૫ ની આજુબાજુ !! એકલે પંડે!! બપોર સાંજ એ બાજરાનો એક બઢો ઘડી નાંખે અને બપોરે બનાવેલું શાક સાંજે ખાઈ લે!! જાણકારોનું કહેવું છે કે ગીધો એક સાથે કિલો બટેટાનું શાક જ બપોરે બનાવી નાંખે તે સાંજની માથાકૂટ જ નહિ. ક્યારેક વળી ખાવાની આળસ ચડે ત્યારે એ બે બિસ્કીટના પડીકા લઇ લે એક માખણનું પેકેટ લે!! અને એક દુકાનેથી ૧૦૦ ગ્રામ ખાંડ અને એક અમૂલ ગોલ્ડની થેલી લ્યે અને પછી રિક્ષાને લઈને બુદ્ધગર બાપુની ધારે લઇ જાય ત્યાં દર્શન કરીને પછી બેસે એક બાંકડા પર અને પછી કરે જમાવટ!! બે બિસ્કીટની વચ્ચે માખણ ચોપડે અને ભભરાવે ખાંડ!! અને પછી મુકે મોઢામાં અને અમૂલની થેલીમાંથી દૂધ નો ઘૂંટડો ભરે!! આમને આમ બે પડીકા બિસ્કીટના પુરા થઇ જાય,સો ગ્રામ ખાંડ સો ગ્રામ માખણ પણ પૂરું થઇ જાય અને અમુલ ગોલ્ડની કોથળી પણ પૂરી!!  અને પછી એક લાંબો ઓડકાર ખાઈને રિક્ષા ચાલે ચોકડી બાજુ!! એનો ખોરાક પણ એકદમ ટીકડી ટી!! કપડાં કયારેક હાથ ધોઈ નાખે અથવા કયારેક ચોકડીએ ધોબી ને આપી દયે!! કોઈક વળી મજાકમાં પૂછે.

              “ગીધા તારે હવે લગ્ન ક્યારે કરવા છે,તને પરણવાનું મન થાતું નથી”??

              “અરેરે ના રે ના ઈ આપણી લાઈન જ નહિ ને, અરે મારી રિક્ષામાં આવેલા પતિ પત્ની એવા બાધતા હોય આપણે આ પરણવા બરણવાનું પાસ ના કર્યું!! આપણે તો એકલપંડે જીવવા વાળા એય ને ટીકડી ટી!! કોઈ માથાકૂટ આપણને નો ફાવે!! એ સળગતા સુતળા આપણ ને ના ફાવે ભાઈ!!” ગીધો કોઈ ફીલસુફની અદાથી જવાબ આપતો.

                 ગીધો આમ તો ગામનો ભાણીયો હતો. એની  બા મરી ગયાં પછી એ એનાં મામાને ઘેર રહેવા આવ્યો હતો. કારણ કે એનાં બાપે બીજા લગ્ન કર્યા હતાં ને ગીધો નવી મા ને આંખના કણાની જેમ ખટકતો હતો. મામા ગીધાને લાવ્યાં તો ખરા પણ મામીનો સ્વભાવ કરાફાટ!! થોડો સમય ગીધો રહ્યો મામાને ઘરે પણ પછી મામીએ કહી દીધું કે,

                    “ આ ડુંભાણું ક્યાં સુધી આપણે સંભાળવાનું છે, એને અહી રહેવું હોય તો ભલે રહે આપણે સુરત જાવું છે તમારે ના આવવું હોય તો હું મારા ભાઈની ભેગી રહીશ પણ એક થી લાખે હવે અહીં તો નથી જ રહેવું!! આમેય ભાયું જોરદાર હોય તો એની બેનું પણ જોરદાર જ હોયને!! મામા એ જુના મકાન વેચી નાંખ્યા અને એક નાનકડી જગ્યા હતી ત્યાં ગીધાને રહેવાનું ગોઠવી દીધું અને મામી થી ચોરાયા ગીધાને થોડાં રૂપિયા આપ્યા ને મામા થઇ ગયાં સુરત ભેગા!! અને ગીધો રહી ગયો એકલો પણ જબરો છોકરો એટલે સમાજ સામે ટકી ગયો!!  થોડો સમય તો ગીધો આડો અવળો હોટેલમાં જમી લે પણ પછી મામાએ આપેલ પૈસા ખૂટી ગયાં અને એ પરચૂરણ કામે ચડી ગયેલો!! ઈ વખતે ઉમર હશે ૧૫ વરસની!! એ જ્યાં રેતો તો તૂટ્યા ફૂટ્યા મકાનમાં ત્યાં બાજુમાં જ એક મકાન ત્યાં ચંપા રહે એની બા સાથે!! ચંપાની બા ને ગીધાનું ખુબ લાગી આવતું તે ક્યારેક પોતાની ઘરે જમવા બોલાવી જાય.બે જોડ કપડાં પણ લઇ દીધેલા!! ચંપાને કોઈ ભાઈ નહોતો!! ગીધાને કોઈ બહેન નહોતી!! રક્ષાબંધને ગીધાને ચંપાએ રાખડી બાંધેલી ને ચંપાની માએ ગીધાને આપ્યા દસ રૂપિયા અને કીધું આલે તારી બહેન ને પૈસા આપી દે, અને એ દસ રૂપિયા ગીધાએ ચંપાને આપેલા!! બસ પછી તો ચંપાનો પડેલો બોલ ગીધો ઉપાડી લેતો. ભલે સગી બહેન નહોતી પણ ધરમની બહેન તો ખરી જ ને!! દર રક્ષાબંધન આવે ને ગીધાને ચંપા રાખડી બાંધે ને ગીધો એને સારી એવી રકમ આપી દયે!! હવે તો એ કમાતો થયો હતો.શરૂઆતમાં લઈને ચડવામાં ગીધાને ઘણી તકલીફ પડેલી!! ચાની હોટેલમાં રહ્યો, ના ફાવ્યું!! બુટ પાલીશનું કર્યું,ના ફાવ્યું!! પાણીના પાઉચ વેચવામાં લોહી ઉકાળા કર્યા, ના ફાવ્યું!! દુકાને વાણોતર રહ્યો, ના ફાવ્યું!! નાનપણ થી છુટામાં ચરેલોને તે બંધન ના ફાવ્યું!!!  અને પછી  એ એક ટેમ્પામાં કલીન્ડર થયો, અને ફાવી ગયું,!!! અને એવું ફાવી ગયું કે ભુક્કા જ કાઢી નાંખ્યા!! અને પછી ધીમે ધીમે પૈસા ભેગા થયા અને લીધી રિક્ષા!! અને ગીધાનું ગાડું ગબડવા લાગ્યું.!! પછી તો ચંપાના લગ્ન લેવાયા અને જવતલ હોમ્યા ગીધાએ!! આખા લગ્ન ગીધાએ માથે ઉપાડી લીધા હતાં. વિદાય વખતે એણે કીધેલું કે બહેન મુંજાતી નહિ કોઈ પણ કામ પડે કહી દેજે આ ગીધલો કામ કરી નાંખશે અને એ પણ ટીકડી ટી !!! કામથી એ થાકે એમ તો હતો જ નહિ અને આમેય નાનપણથી જ માતા પિતા ના હોય એવા છોકરા તો હવામાંથી પણ ખોરાક મેળવીને તાકાતવાળા જ બનતા હોય છે!!

                           ચંપાને સાસરિયું ઠીક ઠીક મળ્યું હતું. બે વરસ પછી એને ત્યાં દીકરાનો જન્મ થયો અને ગીધો જેટલા પૈસા ભેગા થયા હતાં એ બધાં લઈને હરખ કરવા પહોંચી ગયો હતો!!  ચંપાના બા તો વરસ દિવસ પહેલાં જ આ દુનિયામાં વિદાઈ લઇ લીધેલી!!ઈ વખતે એણે રિક્ષા લઈને બેનના ઘરે ગયો હતો!! ચંપાના સાસરિયા વાળા એ પણ એ વખતે ગીધાની ઠેકડી ઉડાડેલી કે વાહ ગીધો એટલે ગીધો  એકદમ ટીકડી ટી!! રિક્ષા લઈને ભાણીયા ના લૂગડાં લઈને આવ્યો ખરો હો!!  પણ ગીધો બધું હસવામાં કાઢી નાંખ્યું અને જેને જેને જિંદગીએ સતાવેલા એ બધાએ છેલ્લે જિંદગી તો હસીને  કાઢેલી જ ને!!

               સમય પસાર થતો રહ્યો ગીધો અને એની ટીકડી ટી રિક્ષા ચાલતી રહી. વાતને ઘણાં વરસ વીતી ગયાં. આશરે વીસેક વરસનાં વાણા વાઈ ગયાં. ઘણું બધું બદલાઈ ગયું હતું!! પણ ના બદલાયો ગીધા અને ચંપાનો ભાઈ બહેનનો સ્નેહ!! દર રક્ષાબંધન આવે અને ચંપાની રાખડી આવે,અને ગીધો એ રાખડી બાંધે અને બહેનને સારી એવી રકમ મોકલાવે!! ઉનાળામાં ગીધો ચોકડીએ કેરીઓ ગોતતો હોય.

              “અય મામદ એકદમ પાકેલી ને ફસ કલાસ કેરી આવેને ત્યારે કેજે આપણે ચાર પેટી લેવી છે,મને તો ભાવતી નથી પણ બહેન અને ભાણીયાને મોકલવી છે!! એય ને એકદમ ટીકડી ટી કેરી જોઈએ આપણે ભાવ તારે જે લેવો હોય ઈ લઇ લેજે પણ કેરી સારી જોઈએ!૧’ અને આવી સારી કેરીની પેટીયું લઈને ગીધો ઉપડે બેનની ઘેર!! બહેન ઘરે હોય કે ના હોય!! બહેન ના દેરીયા જેઠિયા પાણીનું પૂછે કે ના પૂછે.. ગીધાની ટીકડી ટી રિક્ષા કેરીની પેટીઓ ઉતારીને તરત પાછી વળી જતી. બહેન ઘરે હોય તો પાંચ ,પંદર મિનીટ રોકાય પણ ખરો!! અને સાંજે બધાં કેરી ખાતા જાય ને બખાળા કરતાં જાય કે વા ટીકડી ટી એટલે ટીકડી ટી!! ચંપાને ઘણોય જીવ બળે કે મારા ધરમના ભાઈની ઠેકડી ઉડાડીને અ બધાને શું મળતું હશે.પણ ધણી સાવ ભોળા ને ભાણિયો પણ એનાં બાપ ઉપર ગયેલ ને ચંપાને તો જીભ જ નહોતી સાસરિયામાં એટલે સહન કર્યે જાય!! અને આમ કોઈ તકલીફ નહોતી એટલે હાથે કરીને ઘરમાં શું કામ ડખો કરવો એટલે એ જીવ બાળીને ચુપ જ રહેતી. ચંપાનો દીકરો મોટો થયો,સબંધ થયો અને લગ્ન પણ લખાણા. પેલી કંકોતરી રામજી મંદિરની લખાણી અને પછી સગા સંબંધીને લખવા બેઠા.ગામનાં ગોર બાપા કંકોતરી લખવા બેઠા હતાં. ચંપાનો જેઠ  નથુ કે જે બોલ્યે પૂરેપૂરો  કોબાડ હતો એ બોલ્યો.

                 “પેલાં તો ગીધાને કંકોતરી લખો ગોર બાપા એય ને ટીકડી ટી લખાવી જોઈએ અને અંદર મુકજો એક ચિઠ્ઠી કે એકની એક બહેનની ઘરે એકના એક ભાણીયાના લગ્ન છે એટલે જાજુ બધું મામેરું લઈને આવે અને સાથે રિક્ષા પણ લેતો આવે, એટલે અમારે અહી કામ માં આવે ગાદલા ગોદડાં સારવામાં, માલ સામાન સારવામાં કામ આવે, બકાલું લાવવું હોય કે બરફ લાવવો હોય રિક્ષા કામમાં આવે. આપણે ફોર વ્હીલું છે પણ રિક્ષા નથી ,અને આવો રિક્ષા વાળો ભાગ્યશાળી ભાઈ બહું ઓછી બેનું ના નસીબમાં હોય!!”

                                     નથુની વાત સાંભળીને કંકોત્રી પર સરનામાં લખતા ગોર બાપા પણ સમસમી ગયાં એ મનમાં ને મનમાં બોલ્યાં કે આ શીંગલાલ ઘેટા  જેવો બળદિયો નો સુધર્યો તે નો જ સુધર્યો!! ચંપાની દેરાણી જેઠાણી અને એનાં છોકરા પણ ખી ખી ખી કરતાં હસી પડ્યા!! ચંપાને પણ મનમાં ઝાળ લાગી ગઈ, પણ પોતાની ઘરે પહેલો અને છેલ્લો પ્રસંગ એને બગાડવો નહોતો એટલે એ મૂંગી રહી!! અને આમેય ગોળ તમે અંધારામાં ખાવ કે અજવાળે એ ગળ્યો જ લાગે એમ ચંપા કોઈ પણ પરિસ્થતિમાં પોતાનો સદગુણ છોડે એવી નહોતી,એવું જ ચંપાના ધણીનું હતું,એકદમ ભોળો અને ભગવાનનો માણસ!! આ ઘરની ખાનદાની આ બે મજબુત ભીંતડા પર ટકી રહી હતી!! ગીધાને કંકોતરી લખાઈ ગઈ અને ગીધાને મળી પણ ગઈ,હૈયે હરખના શેરડા ફૂટ્યા કે  બેનને ત્યાં આવો શુભ પ્રસંગ આવ્યો છે ને આ પ્રસંગને ટીકડી ટી નિભાવવો છે!!

                                  માંડવાના દિવસે બપોર પછી ગીધો આવ્યો,બહેન સવારની રાહ જોતી હતી!! રિક્ષા આજ એણે બરાબરની સજાવી ધજાવીને રાખી હતી. રિક્ષામા ઘણી બધી થેલીઓ હતી. ચંપા ભાઈને જોઇને રાજીના રેડ થઇ ગઈ!! ભાઈના એણે દુખડા લીધા!! આંખો સજળ થઇ!!  હતો તો ધરમનો ભાઈ પણ રખાવટમાં પાછી પાની ના કરે એવો!! બનેવી અને ભાણિયો મળ્યાં પાણી પીને એણે મહેમાનો સાથે જમાવ્યું!! નાથુ એ પરિચય આપ્યો મહેમાનોને જોકે બધાં એને ઓળખતા હતાં.

                     “આ ગીધા ભાઈ ચંપાને બિચારીને ભાઈ નહિ અને આને બહેન નહિ તે લાકડે માંકડું વળગી ગયું. અને બેય ધરમના ભાઈ બહેન બની ગયાં છે. ગીધાભાઈ ચલાવે છે રિક્ષા પોતે પોતાનું માંડ માંડ પૂરું કરે છે તે લગ્ન નથી કર્યા અને આમેય આપણા વાળા માં તો છોકરા પરણાવવા એટલે એવરેસ્ટ ચડવા જેવું કપરું કામ ગણાય ને, અહી તો “ઓડી” વાળાનેય “છોડી” નથી મળતી તે રિક્ષાવાળાને તો કોણ દયે!! એટલે પછી એણે માંડી વાળ્યું!! મહેમાનોને પણ આ ના ગમ્યું પણ કોઈ કાઈ બોલ્યું નહિ!! ગીધો હસ્યો જાણે કાઈ બન્યું જ ના હોય!!

                           ચારેક વાગ્યે મામેરા ભરવાનો સમય થયો.ગોરબાપા આવી ગયાં ગીધા સાથે બીજા પણ ગોઠવાયા ચંપાની દેરાણી જેઠાણીના ભાયું પણ આવ્યાં હતાં મામેરું લઈને!! અને ગીધાએ થેલી ઓ ખોલીને મામેરું પાથર્યું!! અને જોવા વાળા સડક જ થઇ ગયાં!!  નથુના મોઢામાં ચારભાઈ સળગતી જ રહી ગઈ. બહેન માટે દોરો હતો સોનાનો, બનેવી માટે વીંટી હતી અને ભાણીયા માટે પહોંચો હતો અને આ બધું સોનાનું હતું!! હોલ માર્ક સાથે!! પાકા બિલ સાથે હતું!! એક દસ હજારનું બંડલ હતું!! બહેન માટે અવનવી સાડીઓ હતી, ભાણીયા માટે ત્રણ જોડ કપડાં હતાં!! ભાણીયા માટે મોબાઈલ પણ હતો, ઉપરાંત ઘરની તમામ સ્ત્રીઓ માટે એક એક સાડી અને છોકરીઓ માટે ડ્રેસ અને અને નાના છોકરા માટે જીન્સના તૈયાર કપડાં!! કોઈ વસ્તુની ઘટ નહોતી!! અને ગોરબાપાએ  ચાંદલો કર્યો અને બોલ્યાં “ સ્વસ્તીનામ ઇન્દ્રો......... સમરપીયામી...... અને દધાતું” એ પૂરું કર્યું. ચંપાએ મામેરાને વધાવી લીધું.ફરીથી ભાઈના દુઃખણા લીધા. આંખમાં હર્ષના આંસુ હતાં. ગોરબાપાને બધાય મામેરીયા એ દક્ષિણા આપી પણ ગીધાએ તો પાંચસોની નોટ જ આપી અને ગોરબાપાએ નથુની સામે જોયું! નથુ પલળેલા કાગડાની જેમ બેઠો હતો!!

ગોરબાપાએ મનોમન ગીધાને બિરદાવ્યો વાહ ભડના છોડિયા વાહ બાકી તે મામેરું કરી જાણ્યું હો!! અને પછી ગોરબાપા નથુ પાસે ગયાં નથુના ખીસ્સ્માંથી બીસટોલનું પાકીટ કાઢીને નથુના લાઈટર થી જ એણે બીસ્ટોલ સળગાવી!! આમ તો એ તમાકુ જ ખાતા પણ ક્યારેક ફૂલ મુડમાં હોયને ત્યારે એકાદ બીસ્ટોલ ફૂંકી મારે પણ ખરા!! આજ એ ફૂલ મૂડમાં હતાં!! બીસ્ટોલની એક લાંબી સટ મારીને નથુ સામે ધુમાડાના ગોટા કાઢતા કાઢતા ગોર બાપા બોલ્યાં.

                 “મારી સાંભરણમાં આ ગામમાં આવું મામેરું કોઈએ નથી કર્યું!! બાકી જામો પાડી દીધો ગીરધરભાઈ એ આજ, આને કહેવાય ટીકડી ટી મામેરું!! શું કહેવું છે તમારું?? નથુની જીભ સિવાઈ ગઈ!! બધાયે મહેમાનોએ ખુબ વખાણ કર્યા અને નથુના તો જાણે મુળિયા બળી ગયાં!!!

                     અને પછી સાંજે ગામનો જમણવાર હતો. તે ગીધો પહોંચી ગયો રસોડે!! રસોડું આમ તો કેટરર્સવાળાને  થાળી પર આપી દીધું હતું. ઘરધણીને કાઈ નહોતું કરવાનું તોય ગીધો તો  કામે ચોંટી ગયો. થાળીઓ સાફ કરે ખુરશીઓ ગોઠવે. કાઉન્ટર ગોઠવે. કેટરર્સ વાળા એ આવીને ના પાડી ગયાં.

             “મેમાન તમારે થોડું કરવાનું હોય આ બધુ અમારી પર છે તમામ કામ તમતમારે જમવા ટાણે આવો તોય ચાલે, અથવા તો ખુરશી ઢાળીને બેસો પેલાં લીમડા હેઠ” પણ ગીધો એમ ના માને.

            “હું શેનો મેમાન આ તો મારી બેનનું ઘર છે,અને અત્યારે કામ ના કરું તો ક્યારે કામ કરું,એકનો એક ભાણીયો પરણે છે મામાને ઉમંગ ના હોય તો કોને હોય?? તમને કદાચ એમ હોય કે તમારું કામ બગડશે વાતમાં માલ નહિ હો!! બાકી જમવાનું ટીકડી ટી થવું જોઈએ” અને પેલો કેટરર્સ વાળો તો આભો જ બની ગયો. એને પણ માની લીધું કે ગીધો છે પાણીદાર!! અને પછી ગામલોકો જમવા આવવા લાગ્યાં.અને બાયું અને ભાયું સહુ ગીધા સામું જોવે અને વાતો કરે કારણકે ગોરબાપાએ લગભગ આખા ગામમાં ઢંઢેરો પીટી દીધો હતો કે ગામમાં કે એક ધર્મનાં ભાઈએ મામેરું કરી જાણ્યું!! ચંપાને આ વાતની જાણ થઇ તે એનેય પોરસ ચડ્યું અને આમેય ભાઈનું સારું સાંભળીને  જગતની તમામ બહેનો રાજી જ થાયને !! જમણવાર પત્યો !! બધાને જમાડીને ગીધો જમ્યો !! ભાણિયાની પાટે બેસાડવાનું પણ પૂરું થયું. ત્યાં પણ ગીધાએ જમાવટ પાડી દીધી!! જમીને દાંડીયારાસ લેવાયા અને મોડી રાતે સહુ સુતા.

               વહેલી સવારે જાન નીકળી. ગીધો પોતાની રિક્ષા લઈને ગયો.બહારગામથી આવેલા અમુક તો બસમાં ના બેઠા અને ગીધાની રિક્ષામાં બેઠા!! અને બસની હારોહાર ગીધાની રિક્ષાય ઉપડી!! આજ ગીધાની રિક્ષા પણ જાણે રેવાળ હાલતી હતી.!! રૂડો પ્રસંગ પતાવ્યો. સાંજે વરઘોડિયાને પગેલગામણ દઈને બધાં કામ પતાવીને બહેન ની રજા લીધી.

             “બહેન હવે રજા આપ,બધું કામ પૂરું થઇ ગયું છે ,કાંઇક કામ હોય તો ફોન કરજે હવે હું જાવ છું, બહેને રોકાવાનું કીધું પણ ગીધો ના રોકાયો અને બહેને ભાતું બાંધી દીધું અને ગીધો ઉપડ્યો પોતાને ઘર!! પછી બે ત્રણ દિવસે બેનના સમાચાર પૂછી લે અને સમય પુરપાટ ચાલવા લાગ્યો.

              છ મહિના પછી બહેન અને અને ભાણીયા ની વહુ અમરેલી ખરીદી કરવા ગયાં, નાના બસ સ્ટેન્ડ પાસે બેને રિક્ષા જોઈ “ટીકડી ટી” લખેલી અને બહેન રોકાઈ ગઈ એણે વહુને કીધું કે બેટા આ ગીધા મામા ની રિક્ષા છે હાશ આજ મને ભાઈ મળશે” એમ કહીને સાસુ વહુ રિક્ષા પાસે ઉભો રહ્યા ભાઈની વાટ જોઇને!! થોડી વાર થઇ ત્યાં ગીધાને બદલે હાસમ આવ્યો!! બેય હાથમાં થેલી અને માથા પર ટોપી એ ચંપાને ઓળખી ગયો.

              “કેમ ચંપાબેન અહી ઉભા છો?” હાસમે કહ્યું.

              “ મારા ભાઈની રિક્ષા ભાળીને ઉભી રહી ગઈ છું હાસમભાઈ,તમે ગીધાભાઈને જોયા છે આટલામાં ક્યાય “ બેનની નજર ભાઈને શોધી રહી હતી.

              “તયી તને વાતની કાઈ જ ખબર નથી મારી બહેન, લે તને વાત કરું. તારો ભાણીયો પરણ્યોને એનાં ચાર દિવસ પહેલાં જ હું ગીધાને લઈને રાજકોટ જતો હતો.મારે એક નવી રિક્ષા લેવી હતી,ને રિક્ષાનો જાણકાર કોઈ હોય તો એ ગીધો એક જ !! જાતા જાતા રસ્તામાં જ એણે વાત કરી કે બહેનને ત્યાં પ્રસંગ છે અને મામેરું ટીકડી ટી કરવું છે, પૈસા છે એમ તો પણ એટલાથી થાય એમ નથી એટલે આજ આ ટીકડી ટી રાજકોટમાં વેચી દેવી છે જે ભાવ આવે ઈ પણ મામેરું તો ભુક્કા કાઢે એવું કરવું છે, વાત મેં સાંભળી ને ત્યારે તો હું કાઈ ના બોલ્યો જેવું રાજકોટ આવ્યું એટલે મેં જ ગીધાને કીધું તારે રિક્ષા વેચવી છ ને તો ઉતર્ય હેઠો હાલ અને આલે બે લાખને વીસ હજાર નવી રિક્ષાના જેટલા થાય એટલાં જ તને જૂની ના આપું છું અને એ પણ એટલાં માટે કે તારી બહેન એ મારી બહેન ભલાઆદમી હું એમ માનીશ કે મેં નવી રિક્ષા લીધી છે, અને પછી એ પૈસામાંથી અમે રાજકોટમાં બધી ખરીદી કરીને પાછાં આવી ગયાં.ચોકડીએ ઉતરીને ગીધા એ કીધું કે હાસમ મારા ભાણીયા ના લગન વખતે બે દિવસ રિક્ષા જોઇશે આપીશ ને અને એ બે દિવસ મારી રિક્ષા લઈને આવેલો પણ સાચું કહું ચંપાબેન કે આ રિક્ષા એવી શુકનિયાળ છે કે પેસેન્જર ઘૂમરી ખાઈને આવે તો ટીકડી ટી પાસે અને ઈ રાતે મેં સકીનાને વાત કરી કે નવીને બદલે હું ગીધાની જૂની રિક્ષા લાવ્યો છું તો એય રાજી થતાં બોલી કે જીંદગીમાં તમે સારામાં સારું કામ કર્યું છે બહેન આમાં વાત છે ગીધા જેવો ભાઈ મળવો મુશ્કેલ છે આ જમાનામાં” હાસમે વાત પૂરી કરી ને ચંપાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી પછી એ એટલું જ બોલી શકી.

                “અત્યારે મારો ભાઈ ક્યાં છે,?? એ હેમખેમ તો છે ને?? એ રિક્ષા વગર શું કરે છે??

        “અરે એને આજ ખુબ સારું થઇ ગયું છે,તમારા ન્યા  રસોડા કરવા નોતા આવ્યાં ઈ ભાઈ ગીધાને મળવા આવ્યાં તા ને ગીધાને કીધું કે હાલ્ય સુરત ન્યા મારા ઘણાં કામ હાલે છે તારે બસ ધ્યાન રાખવાનું ખાવાપીવાનું અને પહેરવા ઓઢવાનું આપણા તરફથી અને મહીને બોલ્ય પગાર તું માંગ એ પગાર ત્યારે ગીધો શું બોલ્યો તો બહેન ખબર છે!! એ એટલું જ બોલ્યો પગાર તમારે જે આપવો હોય ઈ આપજો બાકી હું તમારી સાથે આજે જ આવું તમારે મને મહીને પગાર નહિ દેવાનો ભેગો કરવાનો એય ને મારા ભાણીયાને ન્યા નાનું થાય ને ત્યારે હું હરખ કરવા જઈશ ત્યારે મને એ પગાર આપી દેજો!! બાકી ટીકડી ટી!! મારા કામમાં કોઈ ફેર નહિ આવે, તે ગીધોભાઈ અત્યારે છે સુરતમાં!! એયને શેઠે એને બુલેટ લઇ દીધું છે!! અને રસોડા ચાલતા હોય ને ત્યાં એ ધ્યાન રાખવા જાય છે તું એની ચિંતા કર બહેન એને તો ધુબાકા છે ધુબાકા!!

         અને ચંપાને શાંતિ થઇ અને પછી ચંપાએ રિક્ષાના દુખના લીધા અને આકાશ સામું જોઈ બોલી કે

        “હે ભગવાન મારા ભાઈને સુખી રાખજે અને ભવોભવ મને આવો ભાઈ દેજે”

   અમુક માણસોનું  જીવન જ એવું હોય કે વાત ના પૂછો, એકદમ ટીકડી ટી જેવું!!!

લેખક *મુકેશ સોજીત્રા તા.૧૮/૫/૨૦૧૭ ગુરુવાર

૪૨,શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ ,ઢસાગામ તા.ગઢડા જી.બોટાદ ૩૬૪૭૩૦

mukeshsojitra2016@gmail.com   

Subscribe to receive free email updates:

Related Posts :