જેની આગેવાની હેઠળ ભારતે પાકિસ્તાન સામેનું 1971નું યુદ્ધ જીત્યું હતું એવા જનરલ શામ માણેકશા એમની અંતિમ અવસ્થામાં ચેન્નાઇમાં આવેલી ભારતીય સેનાની હોસ્પિટલમાં હતા. શામ માણેકશા વારે વારે એક નામ બોલી રહ્યા હતા. પગી.... પગી.....પગી.....પગી..... જનરલની સેવામાં રહેલા બે ડોકટરોએ પૂછ્યું "who is this pagi ?"
આપને પણ કદાચ એમ થતું હશે કે આ પગી કોણ છે ? બનાસકાંઠા જિલ્લાના વતની એવા રણછોડભાઇ રબારી પગી તરીકેનું કામ કરતા હતા. પગી રસ્તાઓના ખુબ જાણકાર હોય. 1965ના યુદ્ધ વખતે પાકિસ્તાની સેનાએ કચ્છ સરહદે આવેલા વિદ્યાકોટ થાણા પર એમનો કબજો જમાવી દીધો હતો. આ યુદ્ધમાં 100 જેટલા જવાનો શહિદ થયા હતા. 10000 સૈનિકોને માત્ર 3 દિવસમાં વિદ્યાકોટ સુધી પહોંચવું અત્યંત જરૂરી હતું આવા કપરા સમયે રણછોડભાઇ રબારી ભારતીય સેનાની મદદે આવ્યા.
પોતાના જીવની પરવા કર્યા વગર એમણે સેનાને રસ્તાઓનું યોગ્ય માર્ગદર્શન આપીને એમના લક્ષ્ય સુધી પહોંચાડી. 1200 જેટલા પાકિસ્તાની સૈનિકો જ્યાં છુપાયા હતા એ લોકેશન પણ એ શોધી લાવ્યા અને સેનાને જાણ કરી જેના લીધે ભારતીય સેનાને ભવ્ય સફળતા મળી.
1971ના યુદ્ધમાં પણ રણછોડભાઈએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. ગામડાનો આ અભણ માણસ ઊંટ પર સવાર થઈને પાકિસ્તાન તરફ ગયા અને જીવનાં જોખમે પાકિસ્તાની સેનાના ઠેકાણાની માહિતી મેળવી લાવ્યા હતા. ભારતીય સેનાના માર્ગદર્શક તરીકે રણછોડભાઈએ અદભૂત કામ કર્યું ત્યારથી ભારતીય સેનાના જનરલ શામ માણેકશા એમના ફેન થઇ ગયા હતા.
જનરલ શામ માણેકશાએ આ રિયલ હીરોને પોતાની સાથે ડિનર લેવા આમંત્રણ આપ્યું હતું. રણછોડભાઈને લેવા માટે જનરલે હેલિકોપ્ટર મોકલ્યું હતું. હેલિકોપ્ટર ઉપાડી ગયા પછી રણછોડભાઈને યાદ આવ્યું કે એમની એક થેલી નીચે જ ભૂલાઈ ગઈ એટલે એણે સાથેના અધિકારીઓને હેલિકોપ્ટર પાછું નીચે ઉતારવા કહ્યું. હેલિકોપ્ટર ફરી નીચે આવ્યું. રણછોડભાઇએ એની થેલી ઉપાડી અને પાછા હેલિકોપ્ટરમાં બેઠા. મેલીઘેલી અને તૂટેલી થેલી જોઈને અધિકારીઓએ પૂછ્યું "થેલીમાં શું છે ?" રણછોડભાઈએ થેલી ખાલી કરી તો રોટલા, ડુંગળી અને ગાંઠિયા હતા. જનરલ મને એનું ભોજન જમાડે તો મારે એને મારું ભોજન જમાડવું જોઈએ.
ગુજરાતનું આ ગૌરવ 112 વર્ષની વયે 2013માં સ્વર્ગે સિધાવ્યું ત્યારબાદ ભારતીય સેનાએ ઉતરગુજરાતના સુઈ ગામ પાસેની આંતરરાષ્ટ્રિય સરહદને "રણછોડદાસ રબારી પોસ્ટ" નામ આપ્યું છે.
વાહ રણછોડભાઇ વાહ