૧ થી ૧૦૦ એકડા શીખવાની જાદુઈ ચાવી | LEARN NUMBERS FROM 1 TO 100 EASYLY



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

“૧ થી ૧૦૦ એકડા શીખવાની જાદુઈ ચાવી”

INNOVATION BY ZARNABENDOSHI

Email ID - zaranadoshi4@gmail.com

Full Address:

શ્રીમતી નર્મદાબેન કેશવજી વોરા ન.પ્રા શાળા નં-૧૬,શ્રીજીનગર,મહુવા. જિ:ભાવનગર



Reason - ૫ સપ્ટેમ્બર ૨૦૧૧ નવનિયુક્ત વિદ્યાસહાયક તરીકેનો નોકરીનો મારો પ્રથમ દિવસ હતો.ધોરણ ૬ થી ૮ માં મારી ભરતી ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે થયેલી છે. શરૂઆતમાં મેં જયારે ગણિતના લેકચર લેવાનું શરુ કર્યું ત્યારે તે દરમિયાન મેં અનુભવ્યું કે વર્ગખંડના ભણવામાં નબળા અને ઘણીવાર મધ્યમ વિદ્યાર્થીઓ કે જેને ૧ થી ૧૦૦ એકડા ક્રમમાં લખતા, વાંચતા, બોલતા તેમજ ઓળખાતા આવડે છે પરંતુ જયારે ૧ થી ૧૦૦ એકડા આડાઅવળા પુંછીએ ઉ.દા. છોતેર, સડસઠ વગેરે ત્યારે વિદ્યાર્થીઓને સાચી સંખ્યા બોલવામાં કે લખવામાં ભૂલ પડે છે અથવા તો જે તે અંકની લાઈન ક્રમમાં બોલ્યા પછી જવાબ આપે છે. ઉ.દા. સુડતાલીસ પુંછીએ તો એકતાલીસ, બેતાલીસ,........સુડતાલીસ બોલી ચોગડે સાતડે સુડતાલીસ બોલે છે. ત્યારબાદ મેં મારી જ શાળાના ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓનું Analysis (વિશ્લેષણ) કર્યું તથા ક્લસ્ટર ક્ક્ષાની CRC મીટીંગ દરમિયાન ક્લસ્ટરની બાકીની શાળાના ધોરણ ૩ થી ૮ના શિક્ષકો સાથે ચર્ચા કરી તો તેમને પણ ભણવામાં નબળા અને ઘણીવાર મધ્યમ વિદ્યાર્થીઓમાં ૧૦૦ એકડા આડાઅવળા પુંછીએ તો બોલવામાં કે લખવામાં વિદ્યાર્થીઓને ભૂલ પડે છે તેમ કહ્યું.મને આ Problem ઘણો જ ગંભીર લાગ્યો અને આ મુશ્કેલીનો હલ મારે કોઈ એકદમ સરળ અને ઝડપી ચાવીથી કરવો હતો અને અહીંથી શરૂઆત થઈ મારી નવતર પ્રવૃતિની. તો ચાલો જોઈએ મારી આ નવતર પ્રવૃતિ કે જેમાં મેં વિદ્યાર્થીઓને ૧ થી ૧૦૦ એકડા આડાઅવળા પુંછતા ઝડપથી લખી કે બોલી કેમ શકાય તેની શોર્ટકટ ફોર્મ્યૂલા શીખવી.

Description - નોંધ:-“મારી આ નવતર પ્રવૃત્તિ કે જેમાં ધોરણ ૩ થી ૮ના ભણવામાં નબળા અને ઘણીવાર મધ્યમ વિદ્યાર્થીઓ કે જેને ૧ થી ૧૦૦ એકડા ક્રમમાં લખતા,વાંચતા,બોલતા તેમજ ઓળખાતા આવડે છે પરતું જયારે ૧ થી ૧૦૦ એકડા આડાઅવળા પુંછીએ ત્યારે વિદ્યાર્થીઓને સાચી સંખ્યા બોલવામાં કે લખવામાં ભૂલ પડે છે તો વિદ્યાર્થીઓને હવેથી આવી ભુલ ન પડે તે માટે મારા નવતર પ્રયોગની શોર્ટકટ ફોર્મ્યૂલા શીખવવાની છે.” ઉપરોક્ત ફોટોગ્રાફ્સમાં જે રીતે શોર્ટકટ ફોર્મ્યૂલા લખેલ છે તે રીતે વિદ્યાર્થીઓને નોટબુકમાં લખાવવી તેમજ શિક્ષકે ભણાવતી વખતે પણ તે જ રીતે બોર્ડમાં લખી ભણાવવું. 1)આ પ્રવૃતિની શરૂઆત સૌ પ્રથમ મેં બોર્ડમાં એકવીસ, બાવીસ,.....અઠ્યાવીસ લખી કરી. ત્યારબાદ મેં વિદ્યાર્થીઓને સમજાવ્યું કે અહીં તમે જોઈ શકો છો કે બગડાની લાઈનમાં દરેક સંખ્યાની પાછળ “વીસ” પ્રત્યેય લાગે છે. આથી ૧ થી ૧૦૦ પૈકીની કોઈપણ સંખ્યા બોલતી વખતે જો પાછળ “વીસ” પ્રત્યેય લાગે તો તે બગડાની લાઈન દર્શાવે છે આથી સંખ્યાનો પ્રથમ અંક ૨ લખવો. 2)આજ રીતે એકત્રીસ,બત્રીસ........આડત્રીસ માં “ત્રીસ” પ્રત્યેય લાગે છે. આથી ૧ થી ૧૦૦ પૈકીની કોઈપણ સંખ્યા બોલતી વખતે જો પાછળ “ત્રીસ” પ્રત્યેય લાગે તો તે તગડાની લાઈન દર્શાવે છે આથી સંખ્યાનો પ્રથમ અંક ૩ લખવો. 3)આજ રીતે એકતાલીસ,બેતાલીસ,.......અડતાલીસ માં “લીસ” પ્રત્યેય લાગે છે. આથી ૧ થી ૧૦૦ પૈકીની કોઈપણ સંખ્યા બોલતી વખતે જો પાછળ “લીસ” પ્રત્યેય લાગે તો તે ચોગડાની લાઈન દર્શાવે છે આથી સંખ્યાનો પ્રથમ અંક ૪ લખવો. 4)આજ રીતે એકાવન, બાવન, ત્રેપન.........અઠ્ઠાવન માં “વન અથવા પન” પ્રત્યેય લાગે છે. આથી ૧ થી ૧૦૦ પૈકીની કોઈપણ સંખ્યા બોલતી વખતે જો પાછળ “વન અથવા પન” પ્રત્યેય લાગે તો તે પાંચડાની લાઈન દર્શાવે છે આથી સંખ્યાનો પ્રથમ અંક ૫ લખવો. 5)આજ રીતે એકસઠ, બાસઠ,......સડસઠ માં “સઠ” પ્રત્યેય લાગે છે. આથી ૧ થી ૧૦૦ પૈકીની કોઈપણ સંખ્યા બોલતી વખતે જો પાછળ “સઠ” પ્રત્યેય લાગે તો તે છગડાની લાઈન દર્શાવે છે આથી સંખ્યાનો પ્રથમ અંક ૬ લખવો. 6)આજ રીતે એકોતેર,બોતેર......અઠીયોતેર માં “તેર” પ્રત્યેય લાગે છે. આથી ૧ થી ૧૦૦ પૈકીની કોઈપણ સંખ્યા બોલતી વખતે જો પાછળ “તેર” પ્રત્યેય લાગે તો તે સાતડાની લાઈન દર્શાવે છે આથી સંખ્યાનો પ્રથમ અંક ૭ લખવો. 7)આજ રીતે એક્યાશી,બ્યાશી......અઠ્યાશી માં “શી” પ્રત્યેય લાગે છે. આથી ૧ થી ૧૦૦ પૈકીની કોઈપણ સંખ્યા બોલતી વખતે જો પાછળ “શી” પ્રત્યેય લાગે તો તે આઠડાની લાઈન દર્શાવે છે આથી સંખ્યાનો પ્રથમ અંક ૮ લખવો. 8)આજ રીતે એકાણું,બાણું........અઠ્ઠાણું માં “ણું” પ્રત્યેય લાગે છે. આથી ૧ થી ૧૦૦ પૈકીની કોઈપણ સંખ્યા બોલતી વખતે જો પાછળ “ણું” પ્રત્યેય લાગે તો તે નવડાની લાઈન દર્શાવે છે આથી સંખ્યાનો પ્રથમ અંક નવ લખવો. 9)વર્ગખંડમાં પ્રત્યેય શીખવતી વખતે વિદ્યાર્થીઓને સમુહમાં બોલાવો જેમકે “વીસ” પ્રત્યેય શીખવતી વખતે વિદ્યાર્થીઓને સમુહમાં એકવીસ, બાવીસ,.....અઠ્યાવીસ બોલાવો તેમજ વિદ્યાર્થીઓને “વીસ” પર ભાર દઈને બોલવાનું કહો.આ જ રીતે બાકીના પ્રત્યેય પણ વિદ્યાર્થીઓને સમુહમાં બોલાવી ભણાવતા જાઓ. 10)શિક્ષક મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ શોર્ટકટ ફોર્મ્યૂલા ૧૧ થી ૧૮ સંખ્યા તેમજ ઓગણીસ, ઓગણત્રીસ, ઓગળચાલીસ, ઓગળપચાસ, ઓગળસાઠ, ઓગળસિત્તેર અને ઓગળએંશી સંખ્યા માટે લાગુ પડતી નથી. 11)વિદ્યાર્થીઓને આ પ્રત્યેય શીખવ્યા બાદ હવે બોર્ડમાં સૌપ્રથમ ૧ થી ૯ એકડા લખવા ત્યારબાદ નીચે મુજબ લખવું. ૧-એક, ૨-બ, ૩-ત્ર અથવા ત, ૪-ચ, ૫-પ, ૬-છ, ૭-સ, ૮-અ, ૯ - ન. આ યાદ રાખવા માટે વિદ્યાર્થીઓને નીચે મુજબ કહીશું: વિદ્યાર્થીમિત્રો અહીં આપણે સંખ્યાના પ્રથમ અક્ષ્રરનો મૂળાક્ષર યાદ રાખવાનો છે ઉ.દા. ચાર. અહીં પ્રથમ અક્ષર “ચા” છે “ચા” નો કાનો કાઢી નાખતા મૂળાક્ષર “ચ” થાય છે. તે જ રીતે બે માં માતર કાઢી નાખતા મૂળાક્ષર “બ” થાય છે. અપવાદ તરીકે વિદ્યાર્થીઓને ૧ – એક યાદ રખાવવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે બે,બાર,બાવીસ,બત્રીસ,બેતાલીસ,બાવન,બાસઠ,બોતેર,બ્યાશી,બાણું માં પ્રથમ અક્ષ્રરનો મૂળાક્ષર “બ” છે આથી ૨-બ લીધેલ છે તે જ રીતે ત્રણ,તેર,ત્રેવીસ,તેત્રીસ,તેંતાલીસ,ત્રેપન,ત્રેસઠ,તોતેર,ત્યાશી,ત્રાણું માં પ્રથમ અક્ષ્રરનો મૂળાક્ષર “ત્ર અથવા ત” છે આથી “૩-ત્ર અથવા ત” લીધેલ છે અને આ જ રીતે ૪-ચ, ૫-પ, ૬-છ, ૭-સ, ૮-અ અને ૯ - ન લીધેલ છે. 12)ત્યારબાદ વિદ્યાર્થીઓને એક પછી એક ઉદાહરણ લઈ સમજાવવું. ઉ.દા. ચોરાણું. ચોરાણું માં પાછળ “ણું” પ્રત્યે લાગે છે આથી નવડાની લાઈન દર્શાવે છે તેથી સૌપ્રથમ ૯ લખવું. ત્યારબાદ ચોરાણું માં પ્રથમ અક્ષ્રરનો મૂળાક્ષર “ચ” છે જે ચાર દર્શાવે છે આથી ૯ ની પાછળ ૪ લખવાનું આમ જવાબ ૯૪ થશે. 13)ટુકમાં વિદ્યાર્થીઓને સંખ્યામાં પાછળ પ્રત્યેય કયો લાગે છે અને સંખ્યાનો પ્રથમ અક્ષ્રરનો મૂળાક્ષર કયો છે તે જ જોવાનું છે. ઉ.દા. સડસઠ.અહીં પ્રત્યેય “સઠ” છે જે છગડાની લાઈન દર્શાવે છે તેથી સૌપ્રથમ ૬ લખવું. તેમજ પ્રથમ અક્ષ્રરનો મૂળાક્ષર “સ” છે જે સાત દર્શાવે છે આથી ૬ ની પાછળ ૭ લખવાનું. આથી ૬૭ જવાબ થાય.

Evaluation - આ નવતર પ્રવૃતિનું મૂલ્યાંકન નીચે મુજબ કર્યું. 1)ઘરલેશનમાં ૧ થી ૧૦૦ એકડા ના પ્રત્યેય તેમજ મૂળાક્ષર લખવા તેમજ પાકા કરવાના કહી. 2)દરેક ધોરણના વર્ગખંડમાં જ ૧ થી ૧૦૦ એકડા વિદ્યાર્થીઓને આડાઅવળા પૂછી તેમજ નોટબુકમાં લખવાના કહી. 3)વિદ્યાર્થીઓના ગ્રુપ પાડી ગુપમાં જ વિદ્યાર્થીઓએ સામસામે ૧ થી ૧૦૦ એકડા એકબીજાને પુંછવાના તેમજ નોટબુકમાં લખવાના.

Result - 1)વિદ્યાર્થીઓને હવે ૧ થી ૧૦૦ એકડા આડાઅવળા પુંછતા ઝડપથી અને સાચો જવાબ આપે છે. 2)વિદ્યાર્થીઓ ૧ થી ૧૦૦ એકડા આડાઅવળા યાદ રાખવાની આ શોર્ટકટ ફોર્મ્યૂલા અન્ય વિદ્યાર્થીઓને તેમજ પોતાના નાના ભાઈ બહેનને ઉત્સાહપૂર્વક શીખવવા લાગ્યા. 3)“મને પણ કઇક આવડી ગયું.” તેવો આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો. 4)વિદ્યાર્થીઓની ગણિત શીખવાની રૂચી વધી.

Current Position - આ નવતર પ્રવૃત્તિ ના અમલીકરણ પછી વર્ગખંડના ભણવામાં નબળા અને ઘણીવાર મધ્યમ વિદ્યાર્થીઓ કે જેને ૧ થી ૧૦૦ એકડા આડાઅવળા પુંછીએ ઉ.દા. છોતેર, સડસઠ વગેરે ત્યારે વિદ્યાર્થીઓને હવે સાચી સંખ્યા બોલવામાં કે લખવામાં ભૂલ પડતી નથી. ખરા અર્થમાં વિદ્યાર્થીઓ માટે ૧ થી ૧૦૦ એકડા શીખવાની આ જાદુઈ ચાવી સાબિત થઈ છે. આશા છે કે આ નવતર પ્રવૃત્તિ વિષે જાણ્યા પછી ગુજરાત રાજ્યના તમામ શિક્ષકમિત્રો પોતાના વર્ગખંડમાં આ નવતર પ્રવૃતિનું અમલીકરણ કરી જોવે. અસ્તુ..................

Subscribe to receive free email updates: